Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ભારતમાં આવી શકે છે પ્લાસ્ટિકની ચલણી નોટો

મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI

પરંપરાગત કપાસ આધારિત કાગળની નોટોની સરખામણીમાં પોલીમર નોટો લાંબા ગાળે વધુ સસ્તી અને સુરક્ષિત સાબિત થાય છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૯ મે ૨૦૨૬ –– ડિજિટલ પેમેન્ટ અને UPIના આ જમાનામાં પણ દેશમાં રોકડની માંગ સતત વધી રહી છે. આ સ્થિતિ વચ્ચે રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI) ભારતમાં ફરી એકવાર પ્લાસ્ટિક એટલે કે પોલીમર બૅંકનોટ્‌સ લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે.

હાલમાં પટના અને મુંબઈમાં મળેલી આરબીઆઇની સેન્ટ્રલ બોર્ડ મીટિંગમાં આ અંગે ગંભીર ચર્ચા થઈ છે અને ટૂંક સમયમાં જ તેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે.

દેશમાં રોકડનો વપરાશ વધવાની સાથે આરબીઆઇ પર આર્થિક અને ઓપરેશનલ બોજ સતત વધી રહ્યો છે. આ નિર્ણય પાછળ મુખ્ય ૩ કારણો જવાબદાર છે. આરબીઆઇના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં બૅંકનોટ છાપવાના ખર્ચમાં તીવ્ર ઉછાળા સાથે ૬,૩૭૨.૮ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. જે અગાઉના વર્ષે ૫,૧૦૧.૪ કરોડ રૂપિયાનો હતો. દેશમાં ચલણમાં રહેલી કુલ રોકડ મે મહિનાના મધ્ય સુધીમાં રેકોર્ડ ૪૨.૮૬ ટ્રિલિયન પર પહોંચી ગઈ છે, જે વાર્ષિક ધોરણે ૧૧.૫% નો વધારો દર્શાવે છે. માત્ર એક જ વર્ષમાં બજારમાંથી ૨૩.૮ અબજ મેલી કે ફાટેલી નોટો પાછી ખેંચવી પડી હતી, જેમાં ૫૦૦ ની નોટોનો હિસ્સો સૌથી વધુ હતો.

પરંપરાગત કપાસ આધારિત કાગળની નોટોની સરખામણીમાં પોલીમર નોટો લાંબા ગાળે વધુ સસ્તી અને સુરક્ષિત સાબિત થાય છે. વૈશ્વિક રિપોર્ટ્‌સ અનુસાર, પ્લાસ્ટિકની નોટો કાગળની નોટો કરતાં ૨.૫ થી ૪ ગણી વધુ ટકાઉ હોય છે અને તે સરળતાથી ફાટતી નથી. આ નોટો ખાસ પ્રકારની બાય-એક્સિઅલી ઓરિએન્ટેડ પોલીપ્રોપીલિન ફિલ્મથી બને છે. જેના કારણે તેના પર પાણી, ભેજ, કાદવ કે બેક્ટેરિયાની કોઈ અસર થતી નથી. પોલીમર નોટોમાં અદ્યતન સિક્યોરિટી ફીચર્સ અને ખાસ સ્યાહીનો ઉપયોગ થાય છે, જેથી તેની નકલ કરવી અશક્ય બની જાય છે. પ્લાસ્ટિક નોટો છાપવાનો પ્રારંભિક ખર્ચ સામાન્ય નોટો કરતાં બમણો થાય છે, પરંતુ તે લાંબો સમય ચાલતી હોવાથી લાંબા ગાળે સરકારના હજારો કરોડ રૂપિયા બચે છે.

આરબીઆઇએ આ પૂર્વે ઑક્ટોબર ૨૦૦૯માં ૧૦ની ૧ અબજ પ્લાસ્ટિક નોટો બહાર પાડવા માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું હતું. ત્યારબાદ ૨૦૧૫-૧૬માં દેશના પાંચ અલગ-અલગ આબોહવા ધરાવતા શહેરો મૈસૂર, શિમલા, જયપુર, કોચી અને ભુવનેશ્વરમાં આ નોટોનું ફિલ્ડ ટ્રાયલ કરવાની યોજના હતી. જોકે, તે સમયે ટેકનિકલ અને એટીએમ ઓપરેશનલ ખામીઓને કારણે પ્રોજેક્ટ પડતો મૂકાયો હતો. હવે આરબીઆઇના અધિકારીઓનું માનવું છે કે આપણું બૅંકિંગ ઈકોસિસ્ટમ અને એટીએમ ઓથેન્ટિકેશન સિસ્ટમ અપગ્રેડ થઈ ચૂકી છે, જેથી હવે આ પાયલોટ પ્રોજેક્ટ સરળતાથી અમલી બનાવી શકાશે.

વિશ્વમાં સૌથી પહેલા ૧૯૮૮માં ઓસ્ટ્રેલિયાએ પોલીમર નોટો રજૂ કરી હતી અને ૧૯૯૬ સુધીમાં તે સંપૂર્ણપણે પ્લાસ્ટિક કરન્સી પર શિફ્ટ થઈ ગયું હતું. હાલમાં ઓસ્ટ્રેલિયા ઉપરાંત બ્રિટન (UK), કેનેડા, ન્યુઝીલૅન્ડ, વિયેતનામ, માલદીવ્સ, રોમાનિયા અને બ્રુનેઈ જેવા અનેક દેશો કાગળને બદલે પ્લાસ્ટિકની નોટોનો જ સફળતાપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે.

Related posts

એપ્રિલથી દિલ્હી-હરિયાણા સહિત ૨૩ રાજ્યોમાં શરૂ થશે SIR પ્રક્રિયા

Master Admin

હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી

Master Admin

સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશનનો ભારત સર્વે ફોર એડટેક રિપોર્ટ ગુજરાતમાં શાળાએ જતા બાળકો અને શિક્ષકોમાં ડિજિટલ ઍક્સેસ અને એડટેકના ઉપયોગ અંગે આંતરદૃષ્ટિ જાહેર કરે છે.

Master Admin

Leave a Comment

Translate »