Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળશે?

ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયે વધારી ભારતની ચિંતા

ટ્રમ્પ પ્રશાસને રશિયન ઓઇલ પરનું ડિસ્કાઉન્ટ સત્તાવાર રીતે ખતમ કરી દીધું : ભારત માટે આ મોટા ફટકા સમાન

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૧૭ મે ૨૦૨૬ –– અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર મળતું કામચલાઉ ડિસ્કાઉન્ટ લંબાવવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. હોર્મુઝ કટોકટી વચ્ચે લેવાયેલા આ મોટા નિર્ણયથી વૈશ્વિક તેલ બજારમાં હડકંપ મચી ગયો છે. જેના કારણે આગામી દિવસોમાં ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઇંધણના ભાવ ફરી વધવાની પૂરેપૂરી શક્યતા છે. ક્રૂડ ઓઇલ મોંઘુ થવાથી માત્ર ભારત જ નહીં, પરંતુ આખી દુનિયામાં મોંઘવારી વધવાનો ખતરો ઊભો થયો છે.

હકીકતમાં, પશ્ચિમ એશિયાના સંકટ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત પોતાની ઇંધણની જરૂરિયાત પૂરી કરવા રશિયા પાસેથી સસ્તા ભાવે મોટા પાયે તેલ ખરીદી રહ્યું હતું. પરંતુ હવે ટ્રમ્પ પ્રશાસને રશિયન ઓઇલ પરનું ડિસ્કાઉન્ટ સત્તાવાર રીતે ખતમ કરી દીધું છે. ભારત માટે આ એક બહુ મોટો ફટકો સાબિત થઈ શકે છે કારણ કે હવે સસ્તા તેલની જીવનરેખા કપાઈ ગઈ છે.

રશિયા દુનિયાના સૌથી મોટા ક્રૂડ ઓઇલ નિકાસકારોમાંનું એક છે. અમેરિકાના આ પગલાથી ગ્લોબલ માર્કેટમાં તેલના સપ્લાય પર સીધી અસર પડશે.

રશિયા-યુક્રેન યુદ્ધ પછી અમેરિકા અને યુરોપે રશિયા પર ઘણા કડક પ્રતિબંધો લગાવ્યા હતા.પરંતુ માર્ચ ૨૦૨૬ માં ઈરાન યુદ્ધ અને હોર્મુઝ નાકાબંધીના કારણે દુનિયાભરમાં તેલની ભારે અછત સર્જાઈ હતી.

આ સંકટને પહોંચી વળવા ટ્રમ્પ પ્રશાસને માર્ચ ૨૦૨૬ માં ખાસ છૂટ આપી હતી, જેને પછીથી ૧૬ મે સુધી લંબાવવામાં આવી હતી. (આ છૂટ ફક્ત ટેન્કરો પર લોડ થઈ ગયેલા શિપમેન્ટ પૂરતી જ હતી.)

જોકે, યુરોપિયન દેશો સતત આ છૂટનો વિરોધ કરી રહ્યા હતા. તેમનો દાવો હતો કે આ તેલ વેચીને રશિયા પોતાનું યુદ્ધ ફંડ મજબૂત કરી રહ્યું છે. આખરે યુરોપના દબાણ હેઠળ આવીને ટ્રમ્પે શનિવારે આ છૂટ સંપૂર્ણપણે ખતમ કરવાનો નિર્ણય લીધો. પશ્ચિમ એશિયામાં તણાવ વધતા ભારતે માર્ચ ૨૦૨૬ માં રશિયન તેલની આયાત ખૂબ વધારી દીધી હતી.

આંકડાઓ મુજબ, માર્ચ ૨૦૨૬ માં ભારતે દરરોજ લગભગ ૪.૫ મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ મંગાવ્યું હતું, જેમાંથી ૫૦ ટકા સપ્લાય માત્ર રશિયાથી આવ્યો હતો. આ જ સમયે મધ્ય પૂર્વમાંથી આવતો સપ્લાય ૬૧ ટકા જેટલો ઘટી ગયો હતો.

એપ્રિલ ૨૦૨૬ માં પણ રશિયા ભારતનું સૌથી મોટું સપ્લાયર રહ્યું હતું. એપ્રિલમાં ભારતે દરરોજ ૧.૫૭ મિલિયન બેરલ રશિયન તેલ આયાત કર્યું હતું, જોકે આ આંકડો માર્ચ કરતા લગભગ ૨૦ ટકા ઓછો હતો.

સામાન્ય જનતા માટે આ સમાચાર ચિંતાજનક છે. થોડા દિવસો પહેલા જ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૩ રૂપિયા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો હતો, સાથે જ CNG ના ભાવમાં પણ વધારો કરાયો હતો. હવે માર્કેટના નિષ્ણાતોનું માનવું છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે, તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી એકવાર વધી શકે છે, જે સામાન્ય માણસનું બજેટ ખોરવી નાખશે.

Related posts

લદ્દાખમાં આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું

Master Admin

BNI અમદાવાદ દ્વારા 1 ઓગસ્ટે ઉદયપુરમાં ‘સિસિલિયન આઉટબાઉન્ડ ગાલા’નું આયોજન

Master Admin

કોંગ્રેસના શાસનમાં કોઈ ટ્રેડ ડિલ થઈ નહીં, તેમના કારણે દેશની અર્થવ્યવસ્થા પાછળ રહી

Master Admin

1 comment

Harmony1595 May 18, 2026 at 11:25 am Reply

Leave a Comment

Translate »