Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

“મગજ અને જૂતા બહાર ઉતારો – રજનીશનો પ્રવચન પહેલાનો નિયમ”!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

પૂના આશ્રમ. સવારના ૮ વાગ્યા. બુદ્ધ હોલ ખીચોખીચ ભરેલો. દેશ-વિદેશના ૨૦૦૦ લોકો રજનીશને સાંભળવા બેઠા છે. કોઈ પ્રોફેસર, કોઈ ડોક્ટર, કોઈ પત્રકાર, કોઈ નેતા. બધાના ખભે ડિગ્રીનું ભારણ, મગજમાં સવાલોનો કચરો.
રજનીશ સ્ટેજ પર આવ્યા. આંખ બંધ. ૨ મિનિટ મૌન. પછી માઈક પાસે આવીને પહેલું જ વાક્ય બોલ્યા –
“મિત્રો, હોલમાં પ્રવેશ કરતા પહેલા બે વસ્તુ બહાર ઉતારીને આવજો. એક – જૂતા, અને બીજું – મગજ.”
આખો હોલ સન્નાટો. પ્રોફેસરોનાં મોઢાં પડી ગયાં. પત્રકારોની કલમ અટકી ગઈ. કોઈ સમજ્યું નહીં કે ગુરુ આવું કેમ બોલે?

૧. પ્રસંગ પાછળની ઘટના શું હતી?
રજનીશના પ્રવચનમાં રોજ નવો તમાશો થતો. કોઈ ઊભું થઈને સવાલ પૂછે – “ભગવાન છે કે નહીં?” કોઈ વાંધો ઉઠાવે – “તમે ગીતાને ખોટી કહો છો!” કોઈ દલીલ કરે – “માર્ક્સ સાચો કે ફ્રોઈડ?”
આખો પ્રવચન સવાલ-જવાબમાં પૂરો થાય. જે શાંતિથી સાંભળવા આવ્યા હોય એમને માથાનો દુખાવો થાય.
એક દિવસ એક મોટા યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર આવ્યા. રજનીશ બોલતા હતા ‘પ્રેમ’ પર. વચ્ચે ઊભા થઈને બોલ્યા – “રુકો! પ્રેમની વ્યાખ્યા શું? પ્લેટો શું કહે છે? કામસૂત્ર શું કહે છે? તમે સંદર્ભ આપો.”
રજનીશ ૧ મિનિટ ચૂપ રહ્યા. પછી કહ્યું – “તમે પ્રેમ કરવા આવ્યા છો કે પ્રેમ પર પીએચડી કરવા?”
વાઈસ-ચાન્સેલર ગૂંચવાયા. રજનીશ આગળ બોલ્યા – “મગજ એ બજારમાં સારું લાગે. અહીં મંદિરમાં આવ્યા છો તો હૃદય ખોલો. મગજ બહાર ઉતારીને આવો.”
બીજા દિવસથી ગેટ પર પાટિયું લાગી ગયું – “કૃપા કરીને જૂતા અને મગજ બહાર ઉતારો. અંદર ફક્ત હૃદય લઈને આવો.”

૨. ‘મગજ બહાર ઉતારો’ નો અર્થ શું? ગાળ છે કે ગહન વાત?
લોકોને લાગ્યું કે રજનીશ અપમાન કરે છે. “અમને મગજ વગરના કહે છે!” પણ રજનીશનો મતલબ બીજો હતો.
મગજ એટલે શું? તર્ક, દલીલ, શંકા, ભૂતકાળનો કચરો, ભવિષ્યની ચિંતા, ડિગ્રીનું અભિમાન, “હું બધું જાણું છું” નો અહમ.
રજનીશ કહેતા – “તમે જ્યારે સમુદ્ર જોવા જાવ છો, ત્યારે ફિઝિક્સનું પુસ્તક લઈને જાવ છો? ’ૐર્૨ં એટલે પાણી’ એ રટણ કરો છો? ના. તમે ફક્ત જુઓ છો, અનુભવો છો. મોજાની ઠંડક પગને સ્પર્શે એને માણો છો.”
“પણ જ્યારે સત્સંગમાં આવો છો, ત્યારે મગજની પોટલી લઈને આવો છો. ’આ બરાબર, આ ખોટું, આ મારા શાસ્ત્રમાં નથી લખ્યું, આ મારા ગુરુએ નથી કહ્યું.’ આ પોટલી જ તમને સાંભળવા નથી દેતી.”
“મગજ મારે ચલાવવાનું છે, શ્રોતા એ શાંત ચિતે સાંભળવાનું છે” – આનો અર્થ એ કે વક્તા વિચારીને બોલે છે, તારે વિચાર્યા વગર પીવાનું છે. જેમ તરસ લાગે ત્યારે પાણીનું પૃથ્થકરણ નથી કરતા, પી લો છો.

૩. આજના જમાનામાં આ સૂત્રની જરૂર કેમ?
આજે દરેક માણસ ‘વાઈસ-ચાન્સેલર’ બની ગયો છે. યુટ્યુબ પર કીર્તન સાંભળે તો કમેન્ટ કરે – “રાગ બરાબર નથી.” ન્યૂઝ સાંભળે તો કહે – “એન્કર બાયસ્ડ છે.” કોઈ મોટિવેશનલ વાત સાંભળે તો કહે – “આ તો બધી બુકમાં લખેલું છે.”
મગજ ચાલુ, હૃદય બંધ. પરિણામ? કંઈ પચતું નથી. ડિપ્રેશન, એન્ઝાઈટી, ઊંઘ ન આવવી. કારણ કે માહિતી તો ભેગી થાય છે, પણ અનુભૂતિ થતી નથી.
રજનીશ કહેતા – “તમે મંદિરમાં જાવ છો ત્યારે ચપ્પલ બહાર કાઢો છો ને? કેમ? કારણ કે ચપ્પલ ગંદા છે, મંદિર ગંદુ ન થાય. બસ એમ જ, સત્સંગમાં આવો ત્યારે મગજ બહાર કાઢો. કારણ કે મગજમાં શંકાના કીડા છે, શ્રદ્ધાનું મંદિર ગંદુ ન થાય.”

૪. શું રજનીશ વિચારવાનો વિરોધી હતા?
ના. રજનીશ પોતે ફિલોસોફીના પ્રોફેસર હતા. ૧૦૦ થી વધુ પુસ્તકો વાંચીને બોલતા. વિરોધ ‘વિચાર’ નો નહોતો, ‘વિચારના કચરા’ નો હતો.
એ કહેતા – “પહેલા સાંભળો. પૂરેપૂરું પીઓ. પછી ઘરે જઈને વિચારજો. ચર્ચા કરજો. વિરોધ કરવો હોય તો કરજો. પણ જ્યારે હું બોલું ત્યારે જો તમારું મગજ કાતર લઈને બેઠું હશે કે ‘આ કાપું, આ ખોટું’, તો તમે સાંભળી જ નહીં શકો. તમે અહીં શરીરથી હશો, હાજરી નહીં હોય.”
એક શિષ્યે પૂછ્યું – “પણ ભગવાન, જો તમે ખોટું બોલો તો?”
રજનીશ હસ્યા – “તો ખોટું પી લે. ખોટું પીધા પછી જ ખબર પડે કે સાચું શું છે. પણ પીધા વગર તો ખબર જ ન પડે ને? ખાલી કપ લઈને આવ, હું ભરીશ. ભરેલા કપ લઈને આવીશ તો હું શું કરું?”

૫. આજે આપણે શું શીખવું?
૧. ‘જૂતા’ એટલે અહમઃ બહાર ઉતારો. “હું કલેક્ટર છું, હું શેઠ છું, હું ભણેલો છું” – આ જૂતા મંદિરમાં ન ચાલે.
૨. ‘મગજ’ એટલે પૂર્વગ્રહઃ બહાર ઉતારો. “મને તો ખબર જ છે, આ તો સાંભળેલું છે, આ બકવાસ છે” – આ મગજ સત્સંગમાં ન ચાલે.
૩. શ્રોતા બનો, જજ નહીંઃ મોબાઈલ, રાજકારણ, ક્રિકેટ બધું ૧ કલાક ભૂલી જાવ. જે બોલાય છે એને પી જાવ. રસ આવે તો આગળ વધો, ન આવે તો હરિ ઓમ.
૪. વક્તાનું કામ, વક્તા પર છોડોઃ ડોક્ટર ઓપરેશન કરે ત્યારે તમે સલાહ નથી આપતા ને? “આ કાપો, આ ટાંકો લો.” તો ગુરુ જ્યારે તમારા મનનું ઓપરેશન કરે ત્યારે કાતર ચલાવવા ન બેસો. “મગજ મારે ચલાવવાનું છે” – એની પર ભરોસો રાખો.
અંતિમ વાતઃ
રજનીશે ગાળ નહોતી દીધી, ગુરુમંત્ર આપ્યો હતો. “ખાલી થઈને આવો, ભરાઈને જશો.”
આજે આપણે ભરેલા ઘડા છીએ. માહિતીથી, અભિમાનથી, શંકાથી. એટલે જીવનનો અમૃત આપણામાં સમાતો નથી, બહાર ઢોળાઈ જાય છે.
જે દિવસે “મગજ બહાર ઉતારો” સમજાઈ જશે, એ દિવસે સમજાશે કે સાચું જ્ઞાન પુસ્તકમાં નથી, મૌનમાં છે. દલીલમાં નથી, અનુભૂતિમાં છે.
બાકી, જૂતા તો બધા ઉતારે છે, મગજ કોઈ નથી ઉતારતું. એટલે જીવનમાં શાંતિ નથી આવતી.જય સદગુરુ!

Related posts

Step by Step First Aid for Heart Attacks: Recognize and Respond Fast Dr Dinesh Raj, Senior Interventional Cardiologist, HCG Hospitals, Rajkot

Reporter1

“૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીનો મહાસંગ્રામ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચરમસીમાએ છે, જનાદેશની રાહ જોઈ રહ્યા છે

Master Admin

Transport Corporation of India Ltd. Announce Strong Q2/FY2025 Financial Results

Reporter1

Leave a Comment

Translate »