Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

મૃત્યુનું કારણ ખાલીપો હતું(તબીબી પ્રમાણપત્ર)

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

અત્રે લેખકની ફળદ્રુપ ભેજાની નીપજ અને સ્મૃતિમાં કલ્પનાનાં ઘોડા દોડે છે! સિવિલ હોસ્પિટલની લોબીમાં હું ડેથ સર્ટિફિકેટ લેવા ઊભો હતો. ડોક્ટરે સ્ટેમ્પ મારીને કાગળ આપ્યો. ઝ્રટ્ઠેજીર્ ક ડ્ઢીટ્ઠંર ના ખાનામાં લખ્યું હતું – સ્ર્અષ્ઠટ્ઠઙ્ઘિૈટ્ઠઙ્મ ૈંહકટ્ઠષ્ઠિર્ૈંહ ઙ્ઘેી ર્ંર્ ઙ્મઙ્ઘ ટ્ઠખ્તી.
મેં કાગળ હાથમાં લીધો અને સામે સ્ટ્રેચર પર સૂતેલા મારા બાપા સામે જોયું. ૭૬ વર્ષ. ત્રણ મહિના પહેલા સુધી તો એ આખા ઘરને ટકોરા કરતા.
મ્હારા ડોશા બાપા સુરતની મિલમાં ૩૫ વર્ષ ટાઈમકીપર હતા. ઘડિયાળના કાંટે જીવ્યા. ૮ વાગે મિલનું ભૂંગળું વાગે એ પહેલા હાજર. એમની પાસે એક જ વાક્ય – ટાઈમ એટલે ઈમાન.
નિવૃત્તિ પછી એમની પાસે ટાઈમ રહ્યો, પણ ટાઈમકીપર તરીકે કોઈ રહ્યું નહીં. બા તો પાંચ વર્ષ પહેલા ગઈ. હું કાપડ માર્કેટમાં, વહુ સ્કૂલમાં, દીકરો કોલેજમાં. બાપા ઘરમાં એકલા.
શરૂઆતમાં એમણે ઘરને મિલની જેમ ચલાવવાનો પ્રયત્ન કર્યો. સવારે ૬ વાગે ઉઠીને બૂમ પાડે – ચા કેમ નથી બની? બપોરે કહે – શાકમાં મીઠું ઓછું છે. સાંજે ઓટલે બેસીને પાડોશીને ટાઈમનું મહત્વ સમજાવે. પણ હવે કોઈને ટાઈમ જ નહોતો.
ધીમે ધીમે એમણે બોલવાનું ઓછું કરી દીધું. સવારે છાપું બે વાર વાંચે. એક જ છાપું, બે વાર. પછી બારી બહાર જોયા કરે. બપોરે જમીને ખુરશીમાં બેસી રહે.
એક દિવસ મેં જોયું – બાપા પોતાના જૂના, ફાટેલા બૂટને પોલીસ કરી રહ્યા છે. ઘસી ઘસીને ચમકાવે છે. મેં પૂછ્યું – બાપા, ક્યાં જવું છે? એ થોડું હસ્યા – ક્યાંય નહીં દીકરા, બસ આદત છે. બૂટ ચમકતા હોય તો માણસ કામનો લાગે.
એ વાક્ય મારા હૃદયમાં ખૂંપી ગયું. એ કામનો લાગવા માંગતા હતા.
મારા દીકરાને હવે મોબાઈલ આવ્યો. દાદા કંઈ કહેવા જાય તો કહે – દાદા, તમે નહીં સમજો. હું દુકાનેથી થાકીને આવું, બાપા કંઈ કહેવા આવે – આજે ગોપીપુરામાં… હું કહું – બાપા, હમણાં નહીં, સમાચાર આવવા દો.
એમની દુનિયા રસોડાથી ઓસરી, ઓસરીથી ખુરશી સુધી સીમિત થઈ ગઈ.
ગયા મહિને એ પડી ગયા. ડોક્ટરે કહ્યું – કંઈ નથી, ઉંમર છે, નબળાઈ છે. દવા આપી. પણ દવાથી ખાલીપો થોડો મટે?
છેલ્લા ત્રણ દિવસથી એ કંઈ ખાતા નહોતા. અમે કહ્યું – ભૂખ નથી લાગતી. ડોક્ટરે કહ્યું – નબળાઈ છે.
ગઈકાલે રાત્રે હું એમની પાસે બેઠો. એમના માથા પર હાથ મૂક્યો. એમણે મારો હાથ પકડી લીધો. બહુ ટાઈટ. એમની આંખમાં પાણી હતું. કંઈ બોલ્યા નહીં. બસ જોઈ રહ્યા. જાણે કહેતા હોય – મને એક વાર પૂછ, બાપા તારે શું કહેવું છે? મને થોડી વાર તારી પાસે બેસવા દે.
હું થોડી વાર બેઠો, પછી મોબાઈલ રણક્યો. માર્કેટના વેપારીનો ફોન. હું બહાર નીકળી ગયો.
સવારે એ નહોતા.
ડોક્ટરે કહ્યું – હાર્ટ બંધ પડી ગયું. ઉંમર થઈ ગઈ હતી.
હું ડેથ સર્ટિફિકેટ સામે જોઈ રહ્યો. કાગળ પર બધું સાચું હતું, પણ સત્ય નહોતું. સત્ય એ હતું કે મારા બાપાનું હૃદય બંધ નથી પડ્યું, એમને સાંભળનાર બંધ થઈ ગયા હતા. એ ઘરમાં રહેતા હતા, પણ ઘરમાં એમની જગ્યા નહોતી રહી.
અમે બધા ભેગા રહીએ છીએ, પણ સાથે નથી રહેતા. એક જ ઘરમાં અલગ અલગ ટાપુ જેવું. અને એ ટાપુ વચ્ચે જે દરિયો છે એનું નામ છે ખાલીપો.
આજે સાંજે ઘર ખાલી છે. બાપાની ખુરશી ખાલી છે, એમના પોલીસ કરેલા બૂટ ખૂણામાં પડ્યા છે. અને એ ખુરશી સામે જોઈને મને લાગે છે કે તબીબી પ્રમાણપત્રમાં ભલે ઝ્રટ્ઠઙ્ઘિૈટ્ઠષ્ઠ છિિીજં લખ્યું હોય, પણ ખરેખર મૃત્યુનું કારણ ખાલીપો હતો યાને કે,‘ખાલીપો’ અર્થાત ખાલીપણું, શૂન્યતા, અછત, ઊણપ કે કોઈ પ્રિય વ્યક્તિ કે વસ્તુના ગયા પછી મનમાં અનુભવાતી વિરહની કે એકલતાની લાગણી થાય છે! મુખ્ય અર્થ અને ભાવઃ ખાલીપણું / શૂન્યતાઃ મન કે જીવનમાં કંઈક ખૂટતું હોય તેવો અનુભવ!વિરહ કે એકલતાઃ કોઈ ખાસ વ્યક્તિની ગેરહાજરીથી હૃદયમાં જે પોલાણ કે અસહ્ય એકાંત સર્જાય છે તે!ઊણપ કે અછતઃ કોઈ વસ્તુ કે સાધનની કમી! અલબત, આ ખાલીપો કોઈ એકલા મારા બાપાનો નથી, આખા સમાજનો રોગ છે!(એક કલ્પના!)

Related posts

બૌદ્ધિક પ્રદૂષણ અને ડ્રગ વ્યસન સામેની લડાઈ ફક્ત પોલીસની જવાબદારી નથી, પરંતુ એક સામાજિક યુદ્ધ છે.

Master Admin

પેટ અને આંતરડાનાં રોગો

Master Admin

શરીરમાં પિત્ત છાતીમાં દાહ-બળતરા

Master Admin

Leave a Comment

Translate »