કોંગ્રેસના એક પણ ઉમેદવાર નહીં હોય
ઋષિકેશ પટેલનું કહેવું છે કે, ગુજરાતમાં ઐતિહાસિક ઘટના બની છે,ગુજરાતમાં રાજ્યસભામાં તમામ સાંસદો ભાજપના હશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૮ જૂન ૨૦૨૬ — ગાંધીનગર ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે યોજાનારી ચૂંટણીને લઈને આજે રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
ઉમેદવારી નોંધાવતી વખતે ભાજપ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતુ, જેમાં પક્ષના ટોચના નેતાઓ, મંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ધારાસભ્યો હાજર રહ્યા હતા.
ભાજપે રાજ્યસભા માટે રાજુ શુક્લા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝારિયા અને મુકેશ રાઠવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આજે ચારેય ઉમેદવારો સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી હતી. રાજ્યસભાની ચૂંટણી માટે ૧૮ જૂને મતદાન યોજાનાર છે, જોકે ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે ૧૬૧ ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ હોવાથી ચારેય ઉમેદવારોનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર ૧૨ ધારાસભ્યો હોવાથી ચૂંટણીના ગણિતમાં તે પાછળ હોવાનું માનવામાં આવે છે. પરિણામે ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે અગાઉ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી, પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન રાજ્યસભાની ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવી હતી તેમજ જાહેર કરાયેલા ચારેય ઉમેદવારોનો વિશેષ પરિચય કાર્યક્રમ પણ યોજાયો હતો. ચૂંટણી પ્રક્રિયા અને આગામી રાજકીય વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ વખતે ભાજપે દર વખતની જેમ ‘નો રિપીટ થિયરી’નો અમલ કરીને નવા ચહેરાઓને રાજ્યસભા માટે તક આપી છે. પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણી તેમજ સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરી હોવાનું માનવામાં આવે છે.ર્ ંમ્ઝ્ર, આદિવાસી સમાજ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રને પ્રતિનિધિત્વ મળે તે માટે ખાસ ધ્યાન અપાયું છે. સાથે જ લાંબા સમયથી સંગઠન માટે કામ કરતા કાર્યકરો અને નેતાઓને પ્રાધાન્ય આપીને પક્ષે સંગઠન પ્રત્યેની વફાદારીનું સન્માન કર્યું છે. હાલના સંખ્યાબળના આધારે ચારેય ઉમેદવારોનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે અને હવે સૌની નજર ઉમેદવારી પ્રક્રિયા તથા ચૂંટણીના અંતિમ પરિણામ પર રહેશે. જ્યારે ૯ જૂનનાં રોજ ડોક્યુમેન્ટ વેરિફીકેશન થશે. ૧૧ જૂનનાં રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ છે. તો ૧૮ જૂનનાં રોજ ચૂંટણી માટેની તારીખ નક્કી કરવામાં આવી છે. ૯ વાગ્યાથી ૪ વાગ્યા સુધી મતદાન માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ૧૮ જૂનનાં રોજ સાંજે ૫ વાગ્યે મતગણતરી હાથ ધરાશે.

