Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

લોન આપવાનું કહીને લાખોની ઠગાઇ કરતા ચાર ઝડપાયા

બેંક કરતા અડધા વ્યાજે મોર્ગેજ

આરોપીએ તામિલનાડુના વેપારીને ૩૦ કરોડની લોન આપવાના બહાને ૩૦ લાખ રૂપિયા પડાવી લીધા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૮ માર્ચ ૨૦૨૬ — કોર્પોરેટ લોન આપવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી પોલીસ સકંજામાં આવી છે. પોલીસે આ ગેંગના ચાર આરોપીની ધરપકડ કરીને બોડકદેવ અને સેટેલાઇટના બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ કરોડોની લોન બેંક કરતા અડધા વ્યાજે આપવાની લાલચ આપીને રૂપિયા પડાવતા હતા. આરોપીઓએ આસામ અને તામિલનાડુના બે વેપારી પાસેથી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. શહેરના બોડકદેવ તથા સેટેલાઇટમાં ખોટી કંપનીના નામથી ઓફિસ ભાડે રાખીને કેટલાક શખ્સો ઠગાઇ આચરતા હતા. આરોપીઓ આંતરરાજ્યના વેપારીઓનો સંપર્ક કરીને ખોટી ઓળખ આપીને ઓફિસે મીટિંગ કરીને બેંક કરતા અડધા વ્યાજે મોર્ગેજ લોન આપવાનું કહીને વિવિધ ચાર્જ પેટે રૂપિયા વસૂલીને છેતરપિંડી આચરતા હતા. આ મામલે સેટેલાઇટ અને બોડકદેવ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરીને આરોપી જીતેન્દ્ર મકવાણા, અલ્પેશ મકવાણા, કેયુર પટેલ અને શૈલેષ પરમાર (તમામ રહે. આણંદ)ની ધરપકડ કરી છે. આરોપીઓએ ખોટી કંપનીઓ ઊભી કરીને આસામના વેપારીને બેંક કરતાં અડધા વ્યાજે ૧૦૦ કરોડની મોર્ગેજ લોન આપવાનું જણાવીને ૩૫ લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટીના નામે પડાવ્યા હતા. જે બાદ તામિલનાડુના વેપારીને ૩૦ કરોડની લોન આપવાના બહાને ૩૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા.આરોપીઓની તપાસમાં હકીકત સામે આવી છે કે આરોપી જીતેન્દ્ર અગાઉ બસ કંડકટર તરીકે નોકરી કરતો હતો, જ્યારે કેયુર ધોરણ-૧૨ ભણીને રેપીડો ચલાવે છે. જ્યારે અલ્પેશ અને શૈલેષ ધોરણ-૧૦ તથા ૧૨ ભણેલા છે. મુખ્ય આરોપી વિકી શર્મા અને નીતાંત શર્માએ ભેગા મળીને છેતરપિંડીને અંજામ આપ્યો હતો. વિકી શર્મા પોતાની ઓળખ માલિક તરીકે આપી અલગ અલગ વેપારીઓને ખોટા નામથી મળતો હતો. જ્યારે નીતાંત બનાવટી કંપનીઓ ઊભી કરીને છેતરપિંડીની રકમ તે કંપનીઓના એકાઉન્ટમાં જમા કરાવતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઝડપાયેલા ચારેય આરોપીઓ પોતાને કંપનીના કર્મચારી બતાવીને વેપારીને વિશ્વાસમાં લઇને લોન આપવાના બહાને છેતરપિંડી કરતા હતા. ત્યારે હવે આ ટોળકીને ફરાર બે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

Related posts

વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા

Master Admin

અમદાવાદમાં આજે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા

Master Admin

યુપીમાં બંધ મકાનમાં ૫ લોકોના મૃતદેહ મળ્યાં

Master Admin

Leave a Comment

Translate »