શક્તિ ભક્તિ ઉપાસક : મહર્ષિ વિપુલ અંબાજીવાલા
નવરાત્રી એટલે નવ દિવસની સાધના. નવમા નોરતે માં સિદ્ધિદાત્રી સિદ્ધિ આપે, અને દસમા દિવસે આવે વિજય. એ જ વિજયાદશમી, એ જ દશેરા.
આ દિવસને સમજવા બે કથા સમજવી પડે — એક ઉત્તરની, એક દક્ષિણની.
૧. રામ કથા — રાવણ વધઃ મર્યાદા પુરુષોત્તમ રામે નવ દિવસ શક્તિની ઉપાસના કરી. માં દુર્ગાનું આહ્વાન કરીને દસમા દિવસે રાવણ પર વિજય મેળવ્યો. રાવણ પાસે દસ મસ્તક — કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત. દસમા દિવસે આ દસ વિકાર પર વિજય — એટલે વિજયાદશમી.
૨. દુર્ગા કથા — મહિષાસુર વધઃ માં દુર્ગાએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું. મહિષાસુર એટલે ભેંસ જેવી જડતા, આળસ, અહંકાર. દસમા દિવસે તેનો વધ થયો. એટલે આ દિવસને દુર્ગા વિજય પણ કહે છે.
બંને કથાનો સાર એક જ — આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય.
શસ્ત્ર પૂજન કેમ?
દશેરા એ ક્ષત્રિયોનો, ખેડૂતોનો, કારીગરોનો અને આજના સમયમાં કલમ-કીબોર્ડનો તહેવાર છે.
ક્ષત્રિય શસ્ત્ર પૂજે, ખેડૂત હળ પૂજે, કારીગર ઓજાર પૂજે, વિદ્યાર્થી પુસ્તક પૂજે. કારણ — જેનાથી આપણું જીવન ચાલે છે, તે જ આપણું શસ્ત્ર છે. શસ્ત્ર એટલે હિંસા નહીં, રક્ષણ. શાસ્ત્ર એટલે જ્ઞાન.
આજે સાયબર યુગમાં કોમ્પ્યુટર, મોબાઈલ, કલમ — એ જ આપણું શસ્ત્ર. તેની પૂજા કરવી એટલે તેનો સદુપયોગ કરવાનો સંકલ્પ.
સુરતમાં ભાગળ મંદિરમાં વિશેષતા
પ્રાચીન શ્રી અંબાજી માતા મંદિર, ભાગળ, સુરતમાં નવરાત્રી પછી દસમા દિવસે મહા પૂર્ણાહુતિ અને ભક્તો ઘ્વારા મંદિરમાં અસ્ત્ર – શસ્ત્ર પૂજન અને અપરાજિતા પૂજા થાય છે. અપરાજિતા અર્થાત કદી ન હારનારી દેવી. તેની પૂજાથી શત્રુ બાધા દૂર થાય છે. ભક્તો પોતાના વાહન અને શક્તિનાં પ્રતિક ગણાતા ઓજાર /હથિયાર લઈને આશીર્વાદ લેવા આવે છે!
વધુમાં, આજરોજ તારીખ ૨૦ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવારે ઘટસ્થાપનનું ઉત્થાપન બપોરે ૧ વાગ્યે થશે અને ત્યારબાદ શહેરના ભાગળ સ્થિત પ્રસિદ્ધ માઁ અંબાજી પ્રાચીન મંદિરની ૫૮ મી ભવ્ય રથયાત્રા તા.૨૧ ઓક્ટોબરના દિવસે બુધવારના રોજે શ્રી અંબાજી મંદિરથી નગરચર્યા અને માઁઈ ભક્તોને દર્શન તથા આશીર્વાદ આપવા બપોરે ૧ વાગ્યે પ્રસ્થાન કરશે.
જીવન સંદેશ શું?
આપણે દર વર્ષે રાવણ બાળીએ છીએ, પણ આપણી અંદરનો રાવણ બાળીએ છીએ ખરા?
દશેરા બહારનો તહેવાર નથી, અંદરની યાત્રા છે. નવ દિવસ ઉપવાસ, જપ, માળા કર્યા પછી જો દસમા દિવસે પણ ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા એમ જ રહે તો નવરાત્રી અધૂરી.
માટે આ દિવસે ત્રણ સંકલ્પ લોઃ
૧. એક ખરાબ આદતનો ત્યાગ — રાવણ દહન.
૨. એક સારી આદતનો સ્વીકાર — રામ રાજ્ય સ્થાપન.
૩. તમારા શસ્ત્ર / શાસ્ત્રને સાફ કરીને પ્રણામ — આભાર ભાવ.
નવરાત્રીમાં શક્તિ મળી, સિદ્ધિ મળી, હવે દશેરા પર તે શક્તિનો સદુપયોગ કરવો — એ જ સાચો વિજય.
આજે વિશ્વમાં આસુરી શક્તિ નવા રૂપે છે — આતંકવાદ, ભ્રષ્ટાચાર, નશો, મોબાઈલનું વ્યસન. તેના પર વિજય બંદૂકથી નહીં, વિવેકથી મળશે. માં સિદ્ધિદાત્રીએ આપેલી સિદ્ધિને વિવેકથી વાપરશો તો જીવનમાં દરરોજ દશેરા.
મંત્રઃ અપરાજિતા સ્તોત્રમ્ — જયા દેવી અપરાજિતે, સર્વ શત્રુ વિનાશિની.
નવ દિવસ માતાજીએ આપણને સાચવ્યા, દસમા દિવસે આપણે માતાજીને કહીએ — હે મા, અમને સત્યના માર્ગે અડગ રાખજો!
