તંત્રીની કલમે….
મોરબીની એક શાળામાં શિક્ષક દ્વારા દારૂ પીને બાળકોને ભણાવવાની જે ઘટના સામે આવી છે, તે માત્ર શરમજનક નથી પણ અત્યંત ચિંતાજનક અને કમકમાટી ઉપજાવે તેવી છે. જે વિદ્યાના ધામને આપણે પવિત્ર માનીએ છીએ અને જ્યાં મા સરસ્વતીનો વાસ હોય છે, ત્યાં જ એક શિક્ષક નશાની હાલતમાં ધૂત થઈને પહોંચે તે શિક્ષણ જગત માટે સૌથી મોટું કલંક છે. ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં દારૂબંધીના કડક કાયદાઓ છે, એમ કહેવાય છે અને ત્યાં સરકારી કે ખાનગી શાળાઓમાં આવી હિમાયત કઈ રીતે થઈ શકે તે એક મોટો પ્રશ્ન છે. શિક્ષકને સમાજનો આરસી અને રાષ્ટ્રનો ઘડવૈયો માનવામાં આવે છે, પરંતુ જ્યારે આ ઘડવૈયો જ નશામાં ચૂર હોય, ત્યારે તે દેશના ભવિષ્યનું શું ઘડતર કરશે તે વિચારવા જેવું છે.
શાળામાં બાળકો શિક્ષકને પોતાનો આદર્શ માને છે અને તેમનું અનુકરણ કરતા હોય છે. નશામાં ધૂત શિક્ષક બાળકોને શું શીખવશે? શું તે નૈતિકતાના પાઠ ભણાવી શકશે? કદાચ નહીં. આવી ઘટનાઓથી બાળકોના કોમળ માનસ પર અત્યંત નકારાત્મક અસર પડે છે. જ્યારે કોઈ માસૂમ બાળક પોતાના ગુરુને આ હાલતમાં જુએ છે, ત્યારે તેના મનમાં શિક્ષણ પ્રત્યેનો આદર ઓગળી જાય છે. શિક્ષણ માત્ર પુસ્તકિયું જ્ઞાન નથી, પણ તે જીવન જીવવાની કળા અને સંસ્કારોનું સિંચન છે. જો શિક્ષક પોતે જ સંસ્કાર વિહોણો અને વ્યસની હોય, તો આવનારી પેઢી કઈ દિશામાં જશે તે એક ભયાનક સવાલ છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એક શિક્ષકને દારૂ ક્યાંથી ઉપલબ્ધ થયો અને તે હિંમત કઈ રીતે કરી શક્યો કે તે શાળાના પ્રાંગણમાં નશો કરીને આવે? આ બાબત પોલીસ તંત્ર અને સ્થાનિક વહીવટની નિષ્ફળતા પણ દર્શાવે છે. જો શિક્ષણના મંદિરમાં જ દારૂ પહોંચી જતો હોય, તો આપણે કેવા પ્રકારની સુરક્ષા અને સામાજિક વ્યવસ્થાની આશા રાખી શકીએ? શિક્ષણ વિભાગે આવા કિસ્સાઓમાં માત્ર સસ્પેન્ડ કરવા જેવી સામાન્ય કાર્યવાહી કરવાને બદલે, દાખલારૂપ કડક સજા કરવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું દુસ્સાહસ ન કરી શકે.
શિક્ષણની વર્તમાન સ્થિતિ અને ગુણવત્તા વિશે પણ અહીં ચર્ચા કરવી જરૂરી છે. સરકાર કરોડો રૂ ખર્ચીને શિક્ષણ પાછળ નાણાકીય વર્ષ દરમિયાન જે આયોજનો કરે છે, તે ત્યારે જ સફળ થાય જ્યારે શિક્ષકો પ્રમાણિક અને જવાબદાર હોય. જો પાયાનું શિક્ષણ જ આવા તત્વોના હાથમાં હશે, તો દેશનું ભવિષ્ય અંધકારમય બની જશે. બાળકો એ રાષ્ટ્રની સંપત્તિ છે અને તેમને સાચી દિશા આપવી એ સરકાર અને સમાજ બંનેની નૈતિક જવાબદારી છે. જામનગરની આ ઘટનાએ સાબિત કર્યું છે કે હજુ પણ સિસ્ટમમાં ક્યાંક મોટી ખામી છે, જેનો ફાયદો આવા બેજવાબદાર લોકો ઉઠાવી રહ્યા છે.
મારું માનવું છે કે આ પ્રકારની ઘટનાઓ માત્ર એક વ્યક્તિની ભૂલ નથી, પણ તે સામાજિક પતનનું પ્રતીક છે. આપણે ડિજિટલ ઇન્ડિયા અને વૈશ્વિક મહાસત્તા બનવાની વાતો કરીએ છીએ, પણ જો આપણા પ્રાથમિક શિક્ષણનું સ્તર આટલું નિમ્ન કક્ષાએ પહોંચી જશે, તો તે સપનાઓ કાગળ પર જ રહી જશે. સરકાર દ્વારા તમામ શાળાઓમાં શિક્ષકોનું અવારનવાર મેડિકલ ચેકઅપ અને નૈતિક મૂલ્યોનું મૂલ્યાંકન થવું અનિવાર્ય છે. ઉપરાંત, વાલીઓએ પણ જાગૃત થઈને શાળાની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જોઈએ.
આ ઘટના દેશ માટે પણ એક મોટો સંકેત છે. જે દેશનું શિક્ષણ વ્યવસ્થા નબળી હોય, તે દેશ ક્યારેય પ્રગતિ કરી શકતો નથી. શિક્ષણ જગતમાં આવા દૂષણોને ઉખેડી ફેંકવા માટે કડક કાયદા અને તેનાથી પણ વધુ કડક અમલીકરણની જરૂર છે. નિર્મલ મેટ્રોના માધ્યમથી અમે સરકારને અપીલ કરીએ છીએ કે મોરબીના આ શિક્ષક સામે એટલી સખત કાર્યવાહી કરવામાં આવે કે તે સમગ્ર રાજ્ય માટે એક મિસાલ બને. શિક્ષણના પવિત્ર ધામને અપવિત્ર કરનારાઓ માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. જો આપણે આજે આ બાબતે અવાજ નહીં ઉઠાવીએ, તો કાલે આપણી આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.
નરેન્દ્ર જોષી

