એએપીના ૭ રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાયા છે
રાજ્યસભાના કુલ પ્રભાવી સાંસદોની સંખ્યા ૨૪૪ છે, જેમાંથી બે તૃતિયાંશ બહુમતી માટે ૧૬૩ સાંસદોની જરૂર પડે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૫ એપ્રિલ ૨૦૨૬ — આમ આદમી પાર્ટીને શુક્રવારે જબરદસ્ત મોટો ઝટકો મળ્યો. રાજ્યસભાના ૧૦ સાંસદમાંથી ૭ સાંસદોએ પાર્ટી સાથે છેડો ફાડ્યો અને ભાજપમાં જોડાઈ ગયા. જેમાં રાઘવ ચડ્ઢા, સંદીપ પાઠક, સ્વાતિ માલિવાલ, હરભજન સિંહ સહિત સાત સાંસદો સામેલ છે. હવે આ ડેવલપમેન્ટ બાદ એનડીએની રાજ્યસભામાં તાકાત વધી ગઈ છે અને ૧૪૫ સુધી પહોંચી ગઈ છે. જો કે આ લીડ મહત્વપૂર્ણ છે પરંતુ આમ છતાં એનડીએ હજુ પણ બે તૃતિયાંશ બહુમતી કરતા દૂર છે. રાજ્યસભાના કુલ પ્રભાવી સાંસદોની સંખ્યા ૨૪૪ છે. જેમાંથી બે તૃતિયાંશ બહુમતી માટે ૧૬૩ સાંસદોની જરૂર પડે છે. જેને જોતા એનડીએને હજુ પણ બહુમત માટે ૧૮ સાંસદની જરૂર છે.
આ રાજકીય ઉથલપાથલ બાદ ભાજપની પોતાની સંખ્યા પણ વધતી જોવા મળી રહી છે. જો આમ આદમી પાર્ટીના સાત સાંસદોનો ભાજપમાં ઔપચારિક રીતે વિલય સ્વીકારી લેવાય તો ભાજપ પાસે હવે રાજ્યસભામાં કુલ ૧૧૩ સભ્યો થાય. જ્યારે હાલ ૧૦૬ સાંસદ છે. આ બદલાવ ભાજપને સંસદના ઉપલા ગૃહમાં પહેલા કરતા વધુ મજબૂત બનાવશે. કારણ કે પહેલા અન્ય પક્ષો પર નિર્ભર રહેવું પડતું હતું. રાજ્યસભામાં સાધારણ બહુમત માટે ૧૨૩ સાંસદોના સમર્થનની જરૂર પડે છે. ભાજપ જો સાત નામાંકિત અને બે અપક્ષ સાંસદોનું સમર્થન ભેગુ કરે તો પણ તેનો આંકડો ૧૨૨ સુધી પહોંચી શકે. એટલે કે પાર્ટીને હજુ પણ પોતાના દમ પર બહુમત મેળવવામાં એક ડગલું ખૂટે છે. આ સ્થિતિમાં ભવિષ્યની કાયદાકીય વ્યૂહરચના મુદ્દે આ સ્થિતિ ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.
બંધારણીય સંશોધન સંલગ્ન મહત્વપૂર્ણ બિલો સરળતાથી પાસ થાય તે માટે એનડીએને બે તૃતિયાંશ બહુમત હોય તે ખુબ જરૂર છે. હાલમાં એનડીએ પાસે લોકસભામાં સાધારણ બહુમત જરૂર છે પરંતુ ત્યાં પણ બે તૃતિયાંશ બહુમત નથી. લોકસભામાં આ પ્રકારના સમર્થન માટે ૩૬૩ સાંસદોની જરૂર પડે. આ જ કારણે અનેક મહત્વપૂર્ણ બિલો પાસ કરાવવામાં મુશ્કેલી પડી. આ સમગ્ર મામલાની કાયદેસરની માન્યતા હવે રાજ્યસભાના સભાપતિ સી પી રાધાકૃષ્ણનના નિર્ણય પર નિર્ભર કરશે. રાઘવ ચડ્ઢાનો દાવો છે કે આમ આદમી પાર્ટીના ૧૦માંથી સાત સાંસદોએ મળીને વિલયનો નિર્ણય લીધો છે. જે બંધારણીય જોગવાઈઓ હેઠળ બે તૃતિયાંશની શરત પૂરી કરે છે. જો આ વિલયને મંજૂરી મળે તો આ સાંસદોની સદસ્યતા સુરક્ષિત રહી શકે છે અને ભાજપની તાકાત વધશે.

