સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩
સોશિયલ મીડિયા ઉપર કેટલાક નવરાઓ અને અમુક બેરોજગારો તેમજ ઘણાખરા નોન-પ્રેક્ટિશનરો પૂરતો અભ્યાસ / ચોક્કસ ખરાઈ / ભૌતિક તપાસ તથા જાણ્યા-વિચાર્યા વિના તદ્દન પાયા અને તથ્ય વિહોણી ધડ-માથા વગરની એવી ખોટી અફવા બજારમાં ફેલાવે છે કે, યુપીઆઈ ઉપર હવેથી ચાર્જ લાગશે વગેરે, અને મૂર્ખાઓ તથા અલ્પશિક્ષિતો પોતાની અજ્ઞાનતાના કારણે તેને શેર – ફોરવર્ડ / કોપી-પેસ્ટ / રી-સાઈકલિંગ કરતા હોય છે! પરંતુ ખરી અને સાચી હકીકત તથા વિગત સાવ જુદી અને વાસ્તવિકતા અલગ છે! સરકારશ્રીના અધિકૃત નોટિફિકેશન મુજબ સ્થિતિ અને પરિસ્થિતિની ગેરસમજ દૂર કરવા માટે અત્રે નિમ્નલિખિત રીતે અભ્યાસ તથા વંચાણે લેવાય છેઃ
૧. સામાન્ય ગ્રાહક તરીકે તમને શું ફરક પડશે?
તમારે યુપીઆઈ વાપરવાનો એક પણ રૂપિયો આપવાનો નથી. તમારા ટ્રાન્ઝેક્શન પર કોઈપણ પ્રકારનો ટેક્સ કે ડ્યુટી લાગશે નહીં. તમે જેમ યુપીઆઈ વાપરતા હતા એમ જ વાપરવાનું ચાલુ રાખો.
૨. નાના દુકાનદારો માટે
જે વેપારીનું બિલ રૂ. ૨,૦૦૦ સુધીનું હોય અથવા મહિનાનું કલેક્શન રૂ. ૧ લાખ સુધીનું હોય, તેમને પણ કોઈ ચાર્જ લાગશે નહીં. હકીકત એ છે કે દેશના ૯૫%થી વધુ ટ્રાન્ઝેક્શન આ રૂ. ૨,૦૦૦ની શ્રેણીમાં જ આવે છે.
૩. મોટા શોરૂમ કે મોટા વેપારીઓ માટે
જો ગ્રાહક રૂ. ૨,૦૦૦થી વધુનું પેમેન્ટ યુપીઆઈથી કરશે, તો બેંક દુકાનદાર પાસેથી રૂ. ૧,૦૦૦ પર રૂ. ૪ (૦.૪%) જેવો ચાર્જ કાપશે. આ ચાર્જ વધુમાં વધુ રૂ. ૩૦૦ સુધી જ લાગી શકે. આ ચાર્જ ગ્રાહકે નહીં, દુકાનદારે ભોગવવાનો છે.
પેટ્રોલ પંપ, રેલવે ટિકિટ, વીમો, રિચાર્જ માટે ખાસ નિયમઃ
આના પર રૂ. ૨,૦૦૦થી ઉપરના બિલ પર ફિક્સ રૂ. ૫ ચાર્જ લાગશે. કારણ કે પેટ્રોલ પંપ કે રેલવેમાં નફો ૧%થી ૨% જ હોય છે. જો ૦.૪% લાગે તો રૂ. ૫,૦૦૦ના પેટ્રોલ પર રૂ. ૨૦ કપાઈ જાય જે પોસાય નહીં. એટલે સરકારે ફ્લેટ રૂ. ૫ ફિક્સ કર્યા છે. આ રૂ. ૫ પણ ગ્રાહકે નહીં, પંપ માલિક કે સર્વિસ પ્રોવાઈડરે બેંકને ચૂકવવાના છે.
મહત્વની કાયદાકીય જોગવાઈઃ
કોઈપણ દુકાનદાર ગ્રાહક પાસેથી આ ચાર્જ વસૂલી શકશે નહીં. જો કોઈ વેપારી કહે કે “યુપીઆઈ કરશો તો ૦.૪% વધુ આપવું પડશે” તો તે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો ગણાશે. ગ્રાહકે એક પણ રૂપિયો વધારે આપવાનો નથી.
સરકારનું કહેવું છે કે ક્રેડિટ કાર્ડના ૧.૫%થી ૨% ચાર્જ કરતાં આ ૦.૪% ઘણો ઓછો છે, જેથી ભાવ વધારવાની કોઈ જરૂર નથી! (એક ગહન અભ્યાસ તેમજ સિદ્ધહસ્ત અનુભવ મુજબ!)
