- ICCએ કરી દીધી બાંગ્લાદેશના રિપ્લેસમેન્ટની જાહેરાત
- બાંગ્લાદેશ સત્તાવાર રીતે T20 વર્લ્ડ કપમાંથી બહાર થયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુબઈ, તા.૨૪ જાન્યુઆરી ૨૦૨૬: બાંગ્લાદેશ સત્તાવાર રીતે ૨૦૨૬ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે.
ક્રિકબઝના અહેવાલ અનુસાર, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડના ટુર્નામેન્ટમાં સમાવેશની પુષ્ટિ કરી છે. ICCએ એક પત્ર દ્વારા બાંગ્લાદેશને આ અંગે જાણ કરી છે.
બાંગ્લાદેશના બહાર થયા બાદ સ્કોટલેન્ડને ૨૦૨૬ ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં સ્થાન આપવામાં આવ્યું છે. સ્કોટલેન્ડનો ગ્રુપ Cમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યાં તેને ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, નેપાળ અને ઇટાલી જેવી ટીમોનો સામનો કરવો પડશે.
બાંગ્લાદેશ અને ICC વચ્ચે લગભગ ત્રણ અઠવાડિયાથી વિવાદ ચાલી રહ્યો છે. બાંગ્લાદેશે ભારતમાં વર્લ્ડ કપ મેચો ન રમવાનો અને તેની મેચ શ્રીલંકામાં ખસેડવાની માંગ કરી હતી. જોકે, ICCએ સ્પષ્ટતા કરી હતી કે મેચ ભારતમાં રમવી પડશે.
આ સમગ્ર વિવાદ IPL ઓક્શન પછી શરૂ થયો હતો, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ૯.૨૦ કરોડની મોટી રકમમાં તેની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના અહેવાલોને કારણે ભારતમાં આનો વિરોધ થયો હતો. ત્યારબાદ BCCIએ રહેમાનને IPLમાથી છૂટો કર્યો હતો.
BCCIના આ નિર્ણયથી બાંગ્લાદેશ બોર્ડ ગુસ્સે થયું, જેણે વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી. BCBએ ICCને પત્ર લખીને કહ્યું કે તે ભારતમાં તેની મેચો રમશે નહીં. તેણે મેચો શ્રીલંકા અથવા પાકિસ્તાન ખસેડવાની માંગ કરી.
બાંગ્લાદેશે દલીલ કરી હતી કે ભારતમાં તેના ખેલાડીઓની સલામતી જોખમમાં મુકાઈ શકે છે. જોકે, ICCએ તેના સુરક્ષા અહેવાલમાં કોઈપણ સંભવિત ખતરાને નકારી કાઢ્યો. આખરે, ICCએ સ્પષ્ટ કર્યું કે બાંગ્લાદેશે ભારતમાં મેચ રમવી જ જોઈએ. જો આવું ન થયું, તો તેને હટાવવામાં આવશે.
જ્યારે બાંગ્લાદેશે હટવાનો ઇનકાર કર્યો, ત્યારે ICCએ મતદાન કર્યું, જેમાં બાંગ્લાદેશ હારી ગયું. હવે બાંગ્લાદેશનું સ્થાન સ્કોટલેન્ડે લઈ લીધું છે.

