Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

લક્ષદ્વીપમાં ૪૭ વર્ષ જૂની દારૂબંધી નાબૂદ કરાઇ

માલદીવ્સને ટક્કર આપવા લેવાયો નિર્ણય

આ ઉપરાંત, ૨૧ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને દારૂ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૯ જૂન ૨૦૨૬ — કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં કેન્દ્ર સરકારે એક મોટો ફેરફાર કર્યો છે. છેલ્લા ૪૭ વર્ષથી અમલમાં રહેલા ’લક્ષદ્વીપ પ્રોહિબિશન રેગ્યુલેશન, ૧૯૭૯’ને સત્તાવાર રીતે રદ કરી દેવાયો છે. આ સાથે જ ૯૭% મુસ્લિમ બહુમતી ધરાવતા આ દ્વીપસમૂહમાં હવે પરવાના (લાઇસન્સ) ધરાવતી દુકાનો અને આઉટલેટ્‌સ દ્વારા નિયંત્રિત પદ્ધતિથી દારૂના વેચાણને મંજૂરી મળશે. ૫ જૂનના રોજ જાહેર કરાયેલા ગેઝેટ નોટિફિકેશન દ્વારા આ નવો નિર્ણય લેવાયો છે.

જૂની સંપૂર્ણ દારૂબંધીના સ્થાને હવે ’લક્ષદ્વીપ આબકારી નિયમન, ૨૦૨૬’ લાગુ કરાયો છે. આ કાયદો દારૂના ઉત્પાદન, આયાત-નિકાસ, પરિવહન, વેચાણ અને વપરાશને નિયંત્રિત કરવા માટે એક કડક લાઇસન્સિંગ ફ્રેમવર્ક પૂરું પાડે છે. આ નિયમ હેઠળ સરકારી માલિકીની કોર્પોરેશનો અને એજન્સીઓ પણ આલ્કોહોલિક પીણાના રિટેલ વેચાણ માટે લાઇસન્સ મેળવી શકશે.
જો કે, અહીંની સ્થાનિક સામાજિક અને ધાર્મિક સ્થિતિઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દારૂ પર એક્સાઇઝ ટેક્સ અત્યંત ઊંચો રાખ્યો છે. જેમ કે…

દારૂનો પ્રકાર એક્સાઇઝ ડ્યુટી (ટેક્સ)
ઇન્ડિયન મેડ ફોરેન લિકર (IMFL) અને વિદેશી દારૂ ૪૦૦%
બિયર ૨૦૦%
વાઇન ૮૦%
નવા કાયદા હેઠળ પણ લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર પાસે દારૂના વપરાશ પર નિયંત્રણ રાખવા, ખરીદીની મર્યાદા નક્કી કરવા અને જરૂર જણાયે લક્ષદ્વીપના કોઈપણ ભાગમાં ફરીથી સંપૂર્ણ દારૂબંધી લાદવાની સર્વોચ્ચ સત્તા સુરક્ષિત રાખવામાં આવી છે. આ ઉપરાંત, ૨૧ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને દારૂ વેચવા પર સંપૂર્ણ વસ્તીનું માળખુંઃ વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ, લક્ષદ્વીપની કુલ ૬૪,૪૭૩ વસ્તીમાંથી ૬૧,૧૨૦ નાગરિકો અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં આવે છે. અહીં મુસ્લિમ વસ્તીનું પ્રમાણ ૯૭% છે, જે ભારતમાં સૌથી વધુ છે.

૧૯૭૯થી કાયદોઃ ઇસ્લામ ધર્મમાં દારૂના સેવન પર પ્રતિબંધ હોવાથી, સ્થાનિક ધાર્મિક-સાંસ્કૃતિક માન્યતાઓને માન આપીને ૧૯૭૯માં દારૂબંધી લાદવામાં આવી હતી. ગુજરાત અને બિહારની જેમ લક્ષદ્વીપ પણ ’ડ્રાય સ્ટેટ/UT’ હતું.

મર્યાદિત છૂટછાટઃ આ પ્રતિબંધ પ્રવાસીઓ માટે ૧૦૦% નહોતો. સરકારી અધિકારીઓ અને વિદેશી પ્રવાસીઓ માટે કવરત્તી અને બાંગારામ ટાપુઓ પર આવેલા સરકારી રિસોર્ટ અને બારમાં મર્યાદિત માત્રામાં દારૂની છૂટ પહેલેથી જ હતી.

આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ લક્ષદ્વીપને આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રવાસન સ્થળ બનાવવાનો છે. પ્રશાસનનું માનવું હતું કે કડક દારૂબંધીના કારણે લક્ષદ્વીપ માલદીવ્સ જેવા હરીફ દેશોની સરખામણીમાં પ્રવાસીઓને આકર્ષવામાં પાછળ રહી જતું હતું. માલદીવ્સ પણ મુસ્લિમ દેશ હોવા છતાં ત્યાંના પ્રવાસી રિસોર્ટ્‌સમાં વિદેશીઓ માટે દારૂ સરળતાથી ઉપલબ્ધ હોય છે.

જાન્યુઆરી ૨૦૨૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લઈને ત્યાં સ્નોર્કલિંગ કરતા ફોટોગ્રાફ્સ શેર કર્યા બાદ આ ટાપુ વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવ્યો હતો.

વર્ષ ૨૦૨૦માં લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર તરીકે પ્રફુલ્લ ખોડા પટેલની નિમણૂક બાદ દારૂબંધીના નિયમો હળવા કરવાની પ્રક્રિયા ઝડપી બની હતી. ૨૦૨૧માં અન્ય ટાપુઓ પર પણ દારૂ વેચવાનો પ્રસ્તાવ મુકાયો ત્યારે સ્થાનિક પક્ષો અને રહેવાસીઓએ ભારે વિરોધ કર્યો હતો. આ નિર્ણયના વિરોધીઓનો તર્ક હતો કે આનાથી સ્થાનિક યુવાનોમાં વ્યસન અને કાયદો-વ્યવસ્થાની સમસ્યાઓ વધશે.

જો કે, ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના ભાગરૂપે પ્રશાસને ફેબ્રુઆરી ૨૦૨૬માં ચેતલાટ અને બિત્રા ટાપુઓ પર આવેલા સરકારી બંગલાઓને લાયસન્સ ધરાવતા પરિસરો તરીકે નોટિફાય કર્યા હતા અને હવે નવો કાયદો અમલી બન્યો છે.
લક્ષદ્વીપમાં કુલ ૩૬ ટાપુ આવેલા છે, જેમાંથી માત્ર ૧૦ ટાપુ- અગાત્તી, અમીની, એન્ડ્રોટ, બિત્રા, ચેટલાટ, કદમત, કલ્પની, કવરત્તી, કિલ્ટન અને મિનિકોય પર જ માનવ વસતી છે.

અહીં મુલાકાત લેવા માટે ભારતીય અને વિદેશી પ્રવાસીઓએ વિશેષ પરમિટ લેવી ફરજિયાત છે.

Related posts

પૂર્વ મુખ્યમંત્રી DMKમાં જોડાતા AIADMKઅને ભાજપ સ્તબ્ધ

Master Admin

ICONiQ વ્હાઇટનો જીતનો સિલસિલો વિશ્વના સૌથી ઝડપથી વિકસતા મિલિયોનેર વ્હિસ્કી બ્રાન્ડ તરીકે ચાલુ જ છે

Master Admin

ફ્લેક્સ-ફ્યુઅલ વ્હિકલ્સ વાપરનારને લિટરે ૨૦ રૂપિયાનો ફાયદો થશે

Master Admin

Leave a Comment

Translate »