Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Health Carenational

સિઝેરિયન ઓપરેશન પછી ૬ મહિલાઓની કિડની થઈ ફેઈલ

રાજસ્થાનમાં પ્રસૂતાઓ જોખમમાં

બીકાનેરમાં બનેલી આ ઘટનાથી રાજસ્થાનના સ્વાસ્થ્ય વિભાગ અને હોસ્પિટલ પ્રશાસનમાં ભારે ફફડાટ મચી ગયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાન,તા.૯ જૂન ૨૦૨૬ — રાજસ્થાનના બીકાનેરમાં આવેલી પીબીએમ સરકારી હોસ્પિટલમાંથી મેડિકલ સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા કરતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં તાજેતરમાં સિઝેરિયન ડિલિવરી કરાવનારી ૬ મહિલાઓની કિડની ફેઈલથઈ ગઈ છે. આ પ્રસૂતાઓમાંથી ૧ મહિલાની હાલત વધુ પડતી નાજુક થતાં તેને તાત્કાલિક વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી છે, જ્યારે અન્ય ૫ મહિલાઓની જનરલ વોર્ડમાં સઘન સારવાર ચાલી રહી છે. કોટા બાદ હવે બીકાનેરમાં બનેલી આ ઘટનાથી રાજસ્થાનના સ્વાસ્થ્ય વિભાગ અને હોસ્પિટલ પ્રશાસનમાં ભારે ફફડાટ મચી ગયો છે.મળતી માહિતી મુજબ, આ તમામ ૬ ગર્ભવતી મહિલાઓનું તાજેતરમાં જ પીબીએમ હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન દ્વારા ડિલિવરી કરવામાં આવી હતી. ઓપરેશનના ગણતરીના કલાકોમાં જ આ મહિલાઓની તબિયત અચાનક બગડવા લાગી હતી. જ્યારે ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સઘન તપાસ અને રિપોર્ટ્‌સ કરવામાં આવ્યા, ત્યારે ખુલાસો થયો કે તમામની કિડની પર ગંભીર અસર થઈ છે અને કિડની ફંક્શન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.આ ઘટનાની ગંભીરતાને જોતાં હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં દર્દીઓની મેડિકલ હિસ્ટ્રી, ઓપરેશન દરમિયાન આપવામાં આવેલા ઈન્જેક્શન, દવાઓ, ગ્લુકોઝ ફ્લુઈડ અને ઓપરેશન થિયેટરના ઇન્સ્ટ્રૂમેન્ટ્‌સની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. જો કે, કિડની ફેઈલ થવાનું મુખ્ય અને સ્પષ્ટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.આ ઘટના બાદ પીડિત મહિલાઓના પરિવારજનો ચિંતામાં ડૂબી ગયા છે અને હોસ્પિટલ બહાર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ ઓપરેશન દરમિયાન થયેલી મોટી તબીબી બેદરકારી અથવા કોઈ ઈન્ફેક્શનનું પરિણામ છે. પરિવારે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી ગુનેગાર સ્ટાફ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે મેડિકલ ટીમનો રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ બહાર આવશે.નોંધનીય છે કે, આ પહેલા રાજસ્થાનના કોટા જિલ્લામાં પણ આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં ડિલિવરી બાદ તબિયત બગડવાના કારણે ૬ પ્રસૂતા મહિલાઓના વારાફરતી મોત નીપજ્યા હતા.

Related posts

કોંગ્રેસ PMના પાકિસ્તાન સાથે કનેક્શનના પુરાવા મળ્યા

Master Admin

ભારત બંધથી દેશભરમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની આશંકા

Master Admin

કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા

Master Admin

Leave a Comment

Translate »