Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

થોડા જ દિવસોમાં યુદ્ધનો અંત, હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલ ટેક્સની વસૂલી અસ્વીકાર્ય

અમેરિકાનું મોટું નિવેદન

અમેરિકાએ સંકેત આપ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધનો બોજ હવે ખાડી દેશો પર નાંખશે. ખાડી દેશો પાસેથી યુદ્ધના પૈસા વસૂલવામાં આવશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩૧ માર્ચ ૨૦૨૬ — મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને ૧ મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે. આ યુદ્ધમાં સેંકડો લોકોના મોત થયા છે જ્યારે હજારો કરોડનો ખર્ચ પણ થઈ રહ્યો છે. એક તરફ જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિની વાતો કરી રહ્યા છે ત્યાં બીજી તરફ ઈરાનનો દાવો છે કે અમેરિકા તેના સૈનિકોને જમીન પર ઉતારવા તૈયારી કરી રહ્યું છે. જોકે વિશ્વના અનેક દેશો આ સંઘર્ષ સમાપ્ત કરવા પણ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે અમેરિકાના વિદેશમંત્રીએ સંકેત આપ્યા છે કે થોડા જ દિવસોમાં યુદ્ધનો અંત આવી શકે છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ પર કાયમી કબજો જમાવવા કે ત્યાં કોઈપણ પ્રકારની ટોલ સિસ્ટમ ચલાવવાની મંજૂરી આપશે નહીં. રુબિયોએ દાવો કર્યો હતો કે અમેરિકા હવે થોડા સપ્તાહમાં પોતાના સૈન્ય અને ઉદ્દેશ્યો હાંસલ કરી લેશે. તેમણે કહ્યું કે અમેરિકાના હુમલાઓએ ઈરાનની નૌસેના અને તેમના સંરક્ષણ ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અમેરિકા ઈરાનના મિસાઈલ લોન્ચર્સ અને ડ્રોન બનાવવાની ક્ષમતાને મૂળમાંથી નષ્ટ કરી રહ્યું છે. માર્કો રુબિયોએ ઈરાનની જનતાને ‘અદભૂત’ ગણાવી હતી પરંતુ ત્યાંના શાસકોને અસલી સમસ્યા ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે જો ભવિષ્યમાં ઈરાનમાં કોઈ તર્કસંગત નેતૃત્વ સત્તા સંભાળશે તો તે સમગ્ર વિશ્વ માટે સારા સમાચાર હશે, પરંતુ હાલ અમેરિકા કોઈપણ વિપરીત પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.અમેરિકાએ સંકેત આપ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધનો બોજ હવે ખાડી દેશો પર નાંખશે. ખાડી દેશો પાસેથી યુદ્ધના પૈસા વસૂલવામાં આવશે. પ્રેસ બ્રીફિંગ દરમિયાન વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કહ્યું છે કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના મનમાં આ વિચાર છે અને ટૂંક સમયમાં જ આ અંગે વધુ માહિતી આપવામાં આવશે. જોકે, આ અંગેનો સત્તાવાર પ્લાન હજુ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ ટ્રમ્પની અગાઉની નીતિઓ જોતા આ શક્યતા પ્રબળ જણાય છે.બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્‌્રુથ સોશિયલ’ પરથી ઈરાનને ચેતવણી આપી છે. ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઈરાન સાથે ટૂંક સમયમાં કોઈ નક્કર સમજૂતી નહીં થાય, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્‌સ, તેલના કૂવાઓ અને ખાર્ગ આઈલેન્ડને “સંપૂર્ણપણે નેસ્તનાબૂદ” કરી દેશે. આટલું જ નહીં ટ્રમ્પે માંગ કરી છે કે ઈરાન તરત જ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ વેપાર માટે ખુલ્લું કરે.ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે અમેરિકાને તેના મિત્ર દેશો જ આંચકો આપી રહ્યા છે. સ્પેનના સંરક્ષણ મંત્રી માર્ગારેટા રોબલેસે સોમવારે સત્તાવાર જાહેરાત કરી છે કે, ઈરાન પર હુમલામાં સામેલ કોઈપણ અમેરિકન વિમાનને સ્પેનના એરસ્પેસનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. સ્પેને અગાઉ અમેરિકાને તેના એરબેઝ વાપરવા આપવાની પણ ના પાડી હતી. સ્પેનનું કહેવું છે કે અમે એવા યુદ્ધમાં સહભાગી થવા માંગતા નથી જે એકતરફી અને આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધમાં છે.મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પાકિસ્તાન દ્વારા સતત અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવામાં મુંબઈ સ્થિત ઈરાનના કોન્સ્યુલેટ જનરલે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત થઈ રહી નથી. પાકિસ્તાને ઈસ્લામાબાદમાં યોજેલી બેઠકો તેમનો અંગત મામલો છે, જેમાં અમારી કોઈ ભાગીદારી નથી.

Related posts

ભારત-યુરોપ વચ્ચે મધર ઓફ ડીલ્સ પહેલા અમેરિકા અકળાયું

Master Admin

યુદ્ધના કારણે વિશ્વભરમાં હાહાકાર, ૯ દેશોમાં પેટ્રોલ-ગેસ સંકટ અને મોંઘવારીનો ડર

Master Admin

ઈરાન પર હુમલા માટે બ્રિટને એરબેઝ આપવાનો કર્યો ઇનકાર

Master Admin

Leave a Comment

Translate »