Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

અમે ભારતને અનલિમિટેડ ઓઇલ આપવા તૈયાર છીએ

અમેરિકાના પ્રતિબંધો વચ્ચે રશિયાની મોટી જાહેરાત

રાજદૂત અલિપોવે જણાવ્યું કે રશિયા ભારતની જરૂરિયાત મુજબ કાચું ઓઇલ અને LPG સપ્લાય કરવા તૈયાર છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
મોસ્કો, તા.૧૬ એપ્રિલ ૨૦૨૬ –– વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને અમેરિકાની પ્રતિબંધોની ધમકીઓ વચ્ચે ભારત અને રશિયાની વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બની રહી છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે સ્પષ્ટ કર્યું છે કે રશિયા ભારતની વધતી જતી વૈશ્વિક ભૂમિકાનું સંપૂર્ણ સમર્થન કરે છે અને કોઈપણ અવરોધ વિના ભારતની ઊર્જા તેમજ સંરક્ષણ જરૂરિયાતો પૂરી કરવા કટિબદ્ધ છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ છતાં રશિયાએ ભારતને ઊર્જા ક્ષેત્રે મોટી ખાતરી આપી છે. રાજદૂત અલિપોવે જણાવ્યું કે રશિયા ભારતની જરૂરિયાત મુજબ કાચું ઓઇલ અને LPG સપ્લાય કરવા તૈયાર છે. તેમણે અમેરિકા અને યુરોપને અવિશ્વસનીય ભાગીદાર ગણાવ્યા અને આક્ષેપ કર્યો કે પ્રતિબંધોની ધમકીઓ આપીને અમેરિકા ભારત-રશિયાના સંબંધોમાં નુકસાનકારક ભૂમિકા ભજવી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં રશિયાથી ભારતની ઓઇલ આયાતમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

ભારત અને રશિયા વચ્ચેના ઐતિહાસિક સંરક્ષણ સંબંધોમાં નવા આયામો ઉમેરાઈ રહ્યા છે. S-400 વાયુ રક્ષા પ્રણાલીના બાકી રહેલા જથ્થા ટૂંક સમયમાં ભારતને સોંપવામાં આવશે.

રશિયાએ પુષ્ટિ કરી છે કે ભારત તેના પાંચમી પેઢીના અત્યાધુનિક લડાયક વિમાન SU-57માં રસ દાખવી રહ્યું છે. બ્રહ્મોસ મિસાઇલ અને છદ્ભ-૨૦૩ રાઇફલ્સનું સંયુક્ત ઉત્પાદન બંને દેશોના સફળ સહયોગનું ઉદાહરણ છે.

બંને દેશો આર્થિક મોરચે પણ ઝડપથી આગળ વધી રહ્યા છે. ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારને ૧૦૦ અબજ ડૉલર સુધી લઈ જવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. અમેરિકન ડૉલર પરની નિર્ભરતા ઘટાડતા હવે ૯૫% વેપાર બંને દેશોની રાષ્ટ્રીય મુદ્રામાં (રૂપિયા-રૂબલ) થઈ રહ્યો છે. રશિયા ઇચ્છે છે કે ભારત તરફથી કૃષિ ઉત્પાદનો, મશીનરી અને હાઇ-ટેક ચીજોની નિકાસ વધે જેથી વેપાર ખાધ સંતુલિત કરી શકાય.

સપ્ટેમ્બર ૨૦૨૬માં ભારતની અધ્યક્ષતામાં યોજાનાર બ્રિક્સ (BRICS) શિખર સંમેલનમાં ભાગ લેવા રાષ્ટ્રપતિ પુતિન ભારત આવે તેવી શક્યતા છે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાત લે તેવી પણ તૈયારીઓ ચાલી રહી છે.

Related posts

રાજનીતિક સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો

Master Admin

ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના દાવા વચ્ચે ખાતરના ભાવમાં ભડકો

Master Admin

વન ઇન અ મિલિયન: કોટક કન્યા સ્કોલરશિપ 2026 ભારતની સિદ્ધિ હાંસલ કરનારી આગામી પેઢીની વિદ્યાર્થિનીઓની ખોજ કરે છે

Master Admin

Leave a Comment

Translate »