Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Educationnational

કર્ણાટકની સ્કૂલ-કોલેજોમાં હિજાબ પરનો પ્રતિબંધ હટાવાયો

જનોઈ, રુદ્રાક્ષ, પાઘડીને પણ મંજૂરી

સરકારી અને ખાનગી શાળાઓ તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓ નિર્ધારિત યુનિફોર્મની સાથે પરંપરાગત અને ધાર્મિક પ્રતીકો ધારણ કરી શકશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગલુરુ, તા.૧૫ મે ૨૦૨૬ — કર્ણાટક સરકારે વર્ષ ૨૦૨૨માં સ્કૂલ યુનિફોર્મ અંગે આપેલા વિવાદિત આદેશને પાછો ખેંચી લીધો છે. નવા દિશાનિર્દેશો મુજબ, હવે સરકારી અને ખાનગી શાળાઓ તેમજ પ્રી-યુનિવર્સિટી કોલેજોમાં વિદ્યાર્થીઓ નિર્ધારિત યુનિફોર્મની સાથે પરંપરાગત અને ધાર્મિક પ્રતીકો ધારણ કરી શકશે. સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી ચાલી રહેલા હિજાબ વિવાદ અને અન્ય ધાર્મિક પ્રતીકો અંગેના અવરોધો દૂર થવાની શક્યતા છે.

નવા નિયમો મુજબ, હવે વિદ્યાર્થીઓ શાળામાં પાઘડી, જનોઈ, રુદ્રાક્ષ કે હિજાબ જેવા ધાર્મિક અને પરંપરાગત પ્રતીકો ધારણ કરી શકશે. જોકે, આ માટે મુખ્ય શરત એ છે કે તેનાથી શાળાની શિસ્ત જળવાવી જોઈએ અને વિદ્યાર્થીની ઓળખ કે સુરક્ષામાં કોઈ અવરોધ ન આવવો જોઈએ. આ વસ્તુઓ યુનિફોર્મની સાથે એવી રીતે પહેરવાની રહેશે કે જેથી શિક્ષણના વાતાવરણ પર કોઈ ખરાબ અસર ન પડે અને શાળાની મર્યાદા જળવાઈ રહે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ધાર્મિક પ્રતીકો પહેરવાને કારણે કોઈ પણ વિદ્યાર્થીને વર્ગખંડ, પરીક્ષા કે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. આ સાથે જ કોઈ વિદ્યાર્થીને આવા પ્રતીકો પહેરવા કે ઉતારવા માટે મજબૂર પણ કરી શકાશે નહીં. શિક્ષણ મંત્રી મધુ બંગારપ્પાએ જણાવ્યું હતું કે, શિક્ષણ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય વચ્ચે ધાર્મિક પ્રથાઓ અવરોધ ન બનવી જોઈએ. તાજેતરમાં જનોઈ ઉતરાવવા જેવી ઘટનાઓથી વિદ્યાર્થીઓ અને વાલીઓની લાગણી દુભાઈ હતી, જેને ધ્યાનમાં રાખીને આ સુધારો કરવામાં આવ્યો છે.

આ નિર્ણય સામે વિરોધ પક્ષોએ આકરા પ્રહારો કર્યા છે. ભાજપના ધારાસભ્યો અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને વિવાદને ફરી જીવતો કરવા માટે આ પગલું ભરી રહી છે. તેમનું કહેવું છે કે જો હિજાબની મંજૂરી આપવામાં આવતી હોય, તો હિન્દુ વિદ્યાર્થીઓને પણ કેસરી ખેસ પહેરવાની પરવાનગી મળવી જોઈએ.

કર્ણાટક એજ્યુકેશન એક્ટ, ૧૯૮૩ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરકારે આ ફેરફાર કર્યો છે.

આ નિર્ણય લેતા પહેલા કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રચલિત ડ્રેસ કોડની પ્રથાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે કે આ આદેશનો અમલ બિનસાંપ્રદાયિક અને તટસ્થ રીતે કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓમાં સમાનતા, ગરિમા અને સામાજિક સમરસતાના મૂલ્યો જળવાઈ રહે.

Related posts

કૈલાશ માનસરોવર યાત્રા પર નીકળેલા અનેક ભારતીય નાગરિકો નેપાળમાં અટવાયા

Master Admin

૪૪ હજાર મેટ્રિક ટન LPGલઈને શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું

Master Admin

દરેક પડકારનો સામનો કરવા ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે

Master Admin

1 comment

Alastair835 May 16, 2026 at 11:37 am Reply

Leave a Comment

Translate »