તંત્રીની કલમે….
અખાતી દેશોમાં સર્જાયેલી યુદ્ધની ભયાનક સ્થિતિ અને હોર્મુઝની સામુદ્રધુની (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) પરના વર્તમાન સંકટ પાછળ માત્ર ઈરાનની હઠધર્મી જ નહીં, પરંતુ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અનિશ્ચિત અને વારંવાર બદલાતા વિચારો (વેવરિંગ માઇન્ડ) પણ એટલા જ જવાબદાર છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં જ્યારે કોઈ મહાસત્તાના વડાના નિર્ણયો અણધાર્યા અને વિરોધાભાસી હોય, ત્યારે વૈશ્વિક શાંતિ જોખમમાં મુકાઈ જાય છે. એક તરફ ટ્રમ્પ વહેલી તકે યુદ્ધ સમાપ્ત કરવાની અને ઈરાન સાથે મોટી શાંતિ સમજૂતી ‘લગભગ નક્કી’ થઈ ગઈ હોવાની વાતો કરે છે, તો બીજી જ ક્ષણે ઈરાની સૈન્ય ઠેકાણાઓ પર હુમલાના આદેશ આપીને આખી દુનિયાને ચોંકાવી દે છે. આ પ્રકારનું બેધારી વલણ વર્તમાન યુદ્ધની આગને વધુ ભડકાવી રહ્યું છે.
વર્તમાન સમયમાં આ વિવાદનું સૌથી મોટું અને મુખ્ય કારણ ઇઝરાયેલને ઇસ્લામિક દેશો દ્વારા માન્યતા અપાવવાની ટ્રમ્પની જીદ છે. ટ્રમ્પે ઈરાન સાથેની શાંતિ વાટાઘાટોમાં એક નવી અને કડક શરત મૂકી દીધી છે કે પાકિસ્તાન અને ઈરાન સહિતના તમામ સંબંધિત મુસ્લિમ દેશોએ ‘અબ્રાહમ એકોડ્ર્સ’ (છહ્વટ્ઠિરટ્ઠદ્બ છષ્ઠર્ષ્ઠઙ્ઘિજ) પર ફરજિયાતપણે હસ્તાક્ષર કરવા પડશે અને ઇઝરાયેલ સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા પડશે. ટ્રમ્પનું આ દબાણ સમગ્ર પશ્ચિમ એશિયા અને દક્ષિણ એશિયા માટે એક નવો ભૌગોલિક-રાજકીય જંજાળ બની ગયું છે. પાકિસ્તાન જેવા દેશો, જેમણે પોતાના ઇતિહાસમાં ક્યારેય ઇઝરાયેલને દેશ તરીકે સ્વીકાર્યું નથી, તેમના માટે ટ્રમ્પની આ શરત ગળે ઉતારવી અશક્ય બની ગઈ છે. પાકિસ્તાન અને અન્ય ઇસ્લામિક દેશો સ્પષ્ટ માને છે કે જ્યાં સુધી પેલેસ્ટાઈન વિવાદનો કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી ઇઝરાયેલને માન્યતા આપી શકાય નહીં. આ વૈચારિક ટકરાવ જ અત્યારે મુખ્ય સમસ્યા બનીને ઉભો રહ્યો છે.
જો હિસાબ માંડવામાં આવે તો આ આખી કટોકટીની શરૂઆત પાછળ પણ ટ્રમ્પ પ્રશાસનની અતિ-આક્રમક નીતિઓ રહેલી છે. ઈરાનમાં ચાલી રહેલા આંતરિક વિરોધ પ્રદર્શનો વચ્ચે અમેરિકા દ્વારા મધ્ય પૂર્વમાં મોટા પાયે સૈન્ય જમાવટ કરવામાં આવી અને ત્યારબાદ અણધારી રીતે ઈરાન પર સૈન્ય હુમલાઓ શરૂ કરી દેવાયા. લશ્કરી સલાહકારોની ચેતવણી હોવા છતાં કે આ હુમલાના જવાબમાં ઈરાન હોર્મુઝ જળમાર્ગ બંધ કરી શકે છે, ટ્રમ્પે આ વાતને નકારી કાઢી હતી. તેમનું માનવું હતું કે ઈરાન અબ્રાહમ એકોડ્ર્સના દબાણ હેઠળ તરત જ શરણાગતિ સ્વીકારી લેશે. પરંતુ પરિણામ તદ્દન ઉલટું આવ્યું; ઈરાને હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દીધી, જેના કારણે વૈશ્વિક તેલ બજાર અને અર્થતંત્ર સંપૂર્ણપણે ખોરવાઈ ગયું. પોતાના જ આકલનમાં થતી આવી મોટી ભૂલો દર્શાવે છે કે વ્હાઇટ હાઉસમાં બેસીને લેવાતા નિર્ણયોમાં દુરંદેશીનો અભાવ છે.
ટ્રમ્પના વિરોધાભાસી નિવેદનો માત્ર યુદ્ધના મેદાન પૂરતા સીમિત નથી, પણ શાંતિ વાટાઘાટોમાં પણ દેખાઈ આવે છે. તેઓ ક્યારેક દાવો કરે છે કે ઈરાનનું સૈન્ય સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે અને અર્થતંત્ર ભાંગી પડ્યું છે, માટે તેઓ ગમે ત્યારે ’કામ તમામ’ કરી દેશે. પરંતુ બીજી બાજુ, અમેરિકાની અંદર જ પોતાના જ પક્ષના કટ્ટરપંથીઓ અને વિપક્ષના દબાણમાં આવીને તેઓ પરમાણુ કરાર કે પ્રતિબંધો હટાવવાની બાબતે વારંવાર પોતાની શરતો બદલતા રહે છે અને મુસ્લિમ દેશો પર ઇઝરાયેલને સ્વીકારવા દબાણ કરે છે. આ અનિશ્ચિતતાના કારણે મધ્યસ્થી દેશો માટે પણ કોઈ નક્કર સમજૂતી કરાવવી અશક્ય બની ગઈ છે. જ્યારે એક દેશનો સર્વોચ્ચ નેતા સવારે શાંતિની વાત કરે અને સાંજે પરમાણુ બોમ્બના વિકલ્પો પર ચર્ચા કરે, ત્યારે સામી બાજુએ રહેલા કટ્ટરપંથી દેશોને પણ વધુ આક્રમક બનવાનું બહાનુ મળી જાય છે.
અંતે, આ વૈશ્વિક યુદ્ધ અને આર્થિક કટોકટી પાછળ જેટલો વાંક ઈરાનની આતંકવાદને પોષતી નીતિઓનો છે, તેટલો જ વાંક ટ્રમ્પના આ અણધાર્યા વલણ અને અબ્રાહમ એકોડ્ર્સ થોપવાની જીદનો છે. તેમની આ જ નીતિઓના કારણે આજે હોર્મુઝ જળમાર્ગ બંને તરફથી બ્લોકેડનો સામનો કરી રહ્યો છે અને દુનિયા પર પરમાણુ સંઘર્ષનું જોખમ તોળાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે હવે માત્ર ઈરાનને જ નહીં, પરંતુ અમેરિકાને પણ પોતાની નીતિઓમાં સ્થિરતા લાવવા અને ક્ષેત્રની ધાર્મિક તેમજ રાજકીય વાસ્તવિકતાઓને સમજવા માટે દબાણ કરવું પડશે, નહીં તો નેતાઓની આ અહમની લડાઈ આખા વિશ્વને વિનાશ તરફ ધકેલી દેશે.
નરેન્દ્ર જોષી
