Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

કિસાનરાજ’ દૈનિકનો ૨૦માં વર્ષમાં પ્રવેશ

  • ગાંધીનગર ટાઉનહોલ ખાતે સહયોગીઓનો અભિવાદન સમારોહ યોજાયો
  • રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે “પ્રકૃતિ તરફ પરત ફરતો ખેડૂત” સ્મારિકાનું વિમોચન કરાયું
  • રાસાયણિક અને જૈવિક ખેતી ગ્લોબલ વોર્મિંગ અને ગંભીર બીમારીઓ માટે જવાબદાર: પ્રકૃતિ અને માનવ સ્વાસ્થ્યને બચાવવા પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ – રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
  • ગુજરાતમાં ૮.૫૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા; તાલુકા સ્તરે પ્રાકૃતિક ઉત્પાદનોના બજારો શરૂ કરાશે
  • તંત્રી શ્રી હસમુખરાય ઠાકરે ‘કિસાનરાજ’ દૈનિકની ૨૦ વર્ષની સંઘર્ષ અને સફળતાની સફર વર્ણવી
  • પત્રકારિતા અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોનું રાજ્યપાલશ્રીના હસ્તે સન્માન

ગાંધીનગર, ગુજરાત | ૩૧ મે ૨૦૨૬ | ગાંધીનગરના સેક્ટર-૧૭ સ્થિત ટાઉનહોલ ખાતે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતા અગ્રેસર અખબાર ‘કિસાનરાજ’ દૈનિકના ૨૦માં વર્ષમાં પ્રવેશ થવાના અવસરે ‘સહયોગીઓ પ્રતિ કૃતજ્ઞતા અને અભિવાદન સમારોહ’ તેમજ “પ્રકૃતિ તરફ પરત ફરતો ખેડૂત” વિશેષ સ્મારિકા અંકના વિમોચનનો ભવ્ય કાર્યક્રમ ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘કિસાનરાજ’ દૈનિકના સ્થાપક તંત્રી શ્રી હસમુખરાય ઠાકર દ્વારા સંપાદિત વિશેષ સ્મારિકા “પ્રકૃતિ તરફ પરત ફરતો ખેડૂત” નું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ, અખબાર સાથે દીર્ઘકાળથી જોડાયેલા પત્રકારો, સામાજિક કાર્યકરો અને કૃષિ ક્ષેત્રે સહયોગ આપનારા મહાનુભાવોનું રાજ્યપાલશ્રીના હસ્તે શાલ અને સ્મૃતિચિહ્ન આપી બહુમાન કરાયું હતું.

આ પ્રસંગે પ્રેરણાદાયી પ્રવચન આપતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પત્રકારિતા એ ભારતને ગતિમાન રાખનારો મુખ્ય સ્તંભ છે. અખબારો મોટેભાગે શહેરી કેન્દ્રી હોય છે, પરંતુ ‘કિસાનરાજ’ દૈનિકે છેલ્લા ૨૦ વર્ષથી સતત ધરતીપુત્રોના અવાજને બુલંદ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. દિવસ-રાત પરસેવો પાડીને દેશનું પેટ ભરતા ખેડૂતોની ચિંતા કરવી અને તેમને જાગૃત કરવા એ માત્ર પત્રકારિતા નથી, પરંતુ બહુ મોટી રાષ્ટ્રસેવા છે. તેમણે સન્માનિત થનારા તમામ સહયોગીઓને અભિનંદન આપતા કહ્યું કે, આ સન્માન માત્ર વ્યક્તિનું નથી પરંતુ તેમની સત્કાર્ય તરફની વિચારસરણીનું છે, જે અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે.

રાજ્યપાલશ્રીએ ગ્લોબલ વોર્મિંગ અને વધતી જતી ગંભીર બીમારીઓ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરતા વૈજ્ઞાનિક તથ્યો સાથે જણાવ્યું હતું કે, ખેતરોમાં આડેધડ વપરાતું યૂરિયા અને ડી.એ.પી. ખાતર ગ્લોબલ વોર્મિંગ માટે સીધું જવાબદાર છે. યૂરિયામાંથી બનતો નાઇટ્રસ ઓક્સાઈડ ગેસ કાર્બન ડાયોક્સાઈડ કરતાં ૩૧૨ ગણો વધુ ખતરનાક છે.

તેમણે એક જાણીતા અખબારના સંશોધનનો હવાલો આપતા ચોંકાવનારી વિગત જણાવી હતી કે, ૧૦૫ માતાઓના દૂધના સેમ્પલ ટેસ્ટિંગમાં યુરિયા, કીટનાશકો અને ડિટર્જન્ટના અંશો મળી આવ્યા છે. જે દૂધ બાળક માટે અમૃત ગણાય, તે આજે ધીમું ઝેર બની રહ્યું છે. છેલ્લા ૪૦ વર્ષમાં કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ અને કિડની ફેલ્યોર જેવી બીમારીઓનું પ્રમાણ જે ગતિએ વધ્યું છે, તેનું મુખ્ય કારણ અન્ન, હવા અને ભૂગર્ભ જળમાં ભળેલું કેમિકલનું ઝેર છે. કેમિકલ ખાતરોએ ધરતીને પથ્થર જેવી સખત બનાવી દીધી છે. જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ૦.૫% થી પણ નીચે ગયું છે, જે જમીન બંજર હોવાની નિશાની છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, જૈવિક ખેતીમાં પ્રતિ એકર વિપુલ પ્રમાણમાં છાણીયા ખાતરની જરૂર પડે છે, જે વ્યવહારુ નથી. ઉપરાંત, આ ખુલ્લા છાણમાંથી નીકળતો મિથેન ગેસ પર્યાવરણ માટે કાર્બન ડાયોક્સાઈડ કરતાં ૨૨ ગણો વધુ નુકસાનકારક છે અને તેનાથી ખેતરોમાં નિંદામણ અને રોગોનો ઉપદ્રવ પણ વધે છે.

આ તમામ વૈજ્ઞાનિક અને પર્યાવરણીય સમસ્યાઓ સામે એકમાત્ર રામબાણ ઈલાજ “પ્રાકૃતિક ખેતી” છે. આ પદ્ધતિમાં કોઈ ભારેખમ ખર્ચ કે બહારના ખાતરની જરૂર નથી. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગોમૂત્રથી વર્ષ ૧૮ થી ૨૦ એકર જમીનમાં ખેતી થઈ શકે છે. દેશી ગાયના ૧ ગ્રામ ગોબરમાં ૩૦૦ કરોડથી વધુ મિત્ર બેક્ટેરિયા હોય છે.

જીવામૃત બનાવવાની વૈજ્ઞાનિક વિધિ સમજાવતા તેમણે કહ્યું કે, ૨૦૦ લીટરના ડ્રમમાં ગોબર, ગોમૂત્ર, ગોળ અને બેસન અને માટી મિશ્ર કરવાથી દર ૨૦ મિનિટે બેક્ટેરિયાની સંખ્યા બમણી થાય છે. આ જીવામૃત જ્યારે જમીનમાં જાય છે ત્યારે અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ પુનઃ સક્રિય થાય છે, જે જમીનને છિદ્રાળુ અને ફળદ્રુપ બનાવે છે. અળસિયા જમીનની નીચે જઈને જે માટી બહાર લાવે છે, તેમાં સામાન્ય માટી કરતાં ૬ ગણો નાઇટ્રોજન અને ૯ ગણો ફોસ્ફરસ વધુ હોય છે. જંગલોમાં કોઈ ખાતર નાખવા જતું નથી, છતાં ત્યાં અદભુત વનસ્પતિ ઉગે છે, તે જ પ્રાકૃતિક નિયમ આપણે ખેતરોમાં લાગુ કરવાનો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે આ દિશામાં પ્રશંસનીય કામગીરી કરી છે. રાજ્યપાલશ્રીએ ગર્વભેર જણાવ્યું કે, આજે ગુજરાતમાં ૮.૫૦ લાખથી વધુ ખેડૂતો સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને કૃષિ વૈજ્ઞાનિકોના સંશોધનો મુજબ તેનાથી ઉત્પાદન ઘટતું નથી પરંતુ વધે છે. ગુજરાતના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો પ્રતિ એકર ૩ થી ૭ લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે. આગામી સમયમાં, ગ્રાહકોને શુદ્ધ આહાર મળી રહે તે માટે દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજારો ઊભા કરવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે. આ અભિયાનમાં ‘કૃષિ સખીઓ’ અને ‘કિસાન મિત્રો’ ને તાલીમબદ્ધ કરીને જોડવામાં આવ્યા છે.

આ કાર્યક્રમની શરૂઆતમાં ‘કિસાનરાજ’ દૈનિકના સ્થાપક અને મુખ્ય તંત્રી શ્રી હસમુખરાય ઠાકરે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે અખબારની સ્થાપના સમયની પ્રતિકૂળતાઓ, આર્થિક સંઘર્ષો અને શૂન્યમાંથી સર્જન કરીને ૨૦ વર્ષની સફળ સફર કેવી રીતે ખેડૂતોના હિતમાં સમર્પિત કરી, તેની વિસ્તૃત અને લાગણીસભર વિગતો પ્રસ્તુત કરી હતી. કિસાનરાજ દૈનિક દ્વારા લાંબા સમયથી ખેડૂતોને ઝેરમુક્ત ખેતી તરફ વાળવા કરવામાં આવી રહેલા પ્રયાસોને રાજ્યપાલશ્રીએ બિરદાવ્યા હતા.

આ ગરિમાપૂર્ણ સમારોહમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય શ્રી શંભુનાથ ટુંડિયા તથા દિનેશસિંહ કુશવાહ સહિત ક્ષેત્રના મહાનુભાવો, ગાંધીનગરના અગ્રણી પત્રકારો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, કૃષિ નિષ્ણાતો તેમજ મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

== સમાપ્ત ==

Related posts

MARRIOTT INTERNATIONAL’S 600TH PROPERTY IN ASIA PACIFIC EXCLUDING CHINA CELEBRATES FLAGSHIP BRAND WITH THE OPENING OF ADELAIDE MARRIOTT HOTEL

Reporter1

Honouring Freedom, Inspiring the Future: MATTER Champions ‘Right to Charging’, Launches Nationwide Fast Charge Network, and Plans Charge Hub Rollout

Reporter1

Toyota Kirloskar Motor Continues to Register Growth in 2025  Posts 19% salesincreasein January 2025 over the same period last year

Reporter1

Leave a Comment

Translate »