Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

ચોમાસાની એન્ટ્રી પહેલા રાજ્યમાં પાણી સંકટ ઘેરાયું

૧૨૩ ગામ ટેન્કરના સહારે

પાણીની સૌથી વધુ ગંભીર સ્થિતિ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને દાંતા તાલુકામાં જોવા મળી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૦ જૂન ૨૦૨૬ — રાજ્યમાં આ વર્ષે ઉનાળાની આકરી ગરમી સાથે પાણીની સમસ્યા પણ ગંભીર બની રહી છે. વધતા તાપમાન અને ઘટતા ભૂગર્ભ જળસ્તરને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની અછત સર્જાઈ છે. પરિસ્થિતિ એવી બની છે કે છેલ્લા બે દિવસમાં રાજ્યના ૭ જિલ્લાઓના ૧૨૩ ગામોમાં લોકોને પીવાનું પાણી પહોંચાડવા માટે વહીવટી તંત્રને ટેન્કરોનો સહારો લેવો પડ્યો છે. પાણી પુરવઠા વિભાગના આંકડા મુજબ પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા ગામોમાં પાણી પહોંચાડવા માટે કુલ ૯૬ ટેન્કરો કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં ૭ સરકારી અને ૮૯ ખાનગી ટેન્કરોનો સમાવેશ થાય છે. છેલ્લા બે દિવસ દરમિયાન આ ટેન્કરો દ્વારા ૩૬૯ ફેરા મારવામાં આવ્યા છે અને હજારો લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

પાણીની સૌથી વધુ ગંભીર સ્થિતિ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને દાંતા તાલુકામાં જોવા મળી રહી છે. અહીં પાણી પહોંચાડવા માટે સૌથી વધુ ફેરા મારવામાં આવ્યા છે. આ ઉપરાંત કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર અને પાલીતાણા સહિતના વિસ્તારોમાં પણ પાણીની અછતને પહોંચી વળવા તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં જળાશયોની સ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં પાણીનો સંગ્રહ પ્રમાણમાં ઓછો નોંધાઈ રહ્યો છે. કચ્છમાં જળાશયોની ભરાવ ક્ષમતા ૩૦ ટકાથી પણ ઓછી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ પાણીનો જથ્થો મર્યાદિત રહ્યો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સ્થિતિ પ્રમાણમાં સારી હોવા છતાં પાણીના સંચાલન પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

સરદાર સરોવર ડેમ સહિતના મુખ્ય જળસ્ત્રોતોમાં પણ પાણીનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. જોકે રાજ્ય સરકાર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં નર્મદા કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લીધો હતો, જેથી કૃષિ અને પીવાના પાણીની જરૂરિયાત વચ્ચે સંતુલન જાળવી શકાય. અધિકારીઓના જણાવ્યા મુજબ હાલમાં રાજ્યમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં જો ચોમાસું મોડું આવશે અથવા વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે તો કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પાઈપલાઈનના ભંગાણ, ભૂગર્ભ જળસ્તરમાં ઘટાડો અને સ્થાનિક સ્તરે પાણીના સ્ત્રોત સૂકાવા જેવી સમસ્યાઓને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક ગામોમાં લોકોને પાણી માટે લાંબી રાહ જોવી પડે છે અથવા તો ટેન્કર પર નિર્ભર રહેવું પડે છે. ઉનાળાના બાકીના દિવસોમાં પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની જરૂરિયાત વધુ મહત્વની બની છે. તંત્ર દ્વારા પણ લોકોને પાણી બચાવવા અને બિનજરૂરી વપરાશ ટાળવા અપીલ કરવામાં આવી રહી છે.

Related posts

નકુલ શેરદલાલને ALB ઇન્ડિયા ટોપ IP લોયર્સ 2026 યાદીમાં સ્થાન મળ્યું

Master Admin

વડોદરામાં ઓનલાઇન વિડિયો કોલિંગનું નેટવર્ક સામે આવ્યું

Master Admin

ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની પેનલની જીત, રાહુલ ગાંધીએ અભિનંદન પાઠવ્યા

Master Admin

Leave a Comment

Translate »