Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

દેશના ૧૬ રાજ્યોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

આગાહીની વચ્ચે જ વલસાડના ઉમરગામમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
વલસાડ,તા.૧૦ જૂન ૨૦૨૬ — દેશના ૧૬ રાજ્યોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં પણ મેઘરાજાએ દસ્તક દીધી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૭ દિવસ રાજ્યમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીની વચ્ચે જ વલસાડના ઉમરગામમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને લોકોને કાળઝાળ ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. જો આવનારા દિવસોની વાત કરીએ તો, ૧૧ અને ૧૨ જૂનના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ સાથે જ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે.

ત્યારબાદ, ૧૩ જૂને મેઘરાજા પોતાનો વ્યાપ થોડો વધારશે. આ દિવસે છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાની સાથે-સાથે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને બંને સંઘ પ્રદેશોમાં હળવો વરસાદ વરસી શકે છે. હાલમાં રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.

ચોમાસાની આ આગેકૂચ વચ્ચે વલસાડ જિલ્લામાં તો વાતાવરણ સંપૂર્ણપણે પલટાઈ ચૂક્યું છે. ઉમરગામ અને તેની આસપાસના પંથકમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો છે. આ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, પરંતુ લાંબા સમયની ગરમી બાદ પડેલા આ પહેલા વરસાદથી સ્થાનિક નાગરિકોને ઠંડકનો અહેસાસ થયો છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અને વરસાદને લઈને એક નવું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા મુજબ, હાલમાં એક પછી એક સક્રિય થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચોમાસા પર વિપરીત અસર પડી શકે છે. જોકે, આ સિસ્ટમના કારણે ગરમીમાં સામાન્ય ઘટાડો થશે પણ બફારો વધશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, ગુજરાતમાં ૧૫ જૂનની આસપાસ ચોમાસાના આગમન પહેલાનો વરસાદ શરૂ થઈ શકે છે અને ખાસ કરીને ૧૮ થી ૨૮ જૂન વચ્ચે રાજ્યમાં સારો એવો વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર ભારત અને ઉત્તર-પૂર્વ ભારતમાં એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. આ વાતાવરણીય પલટાની અસર ગુજરાત પર પણ જોવા મળશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સૌથી મોટી વિપરીત અસર ચોમાસાની સિસ્ટમ પર કરશે, જેનાથી વરસાદની પેટર્ન બદલાઈ શકે છે. આ સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં મહત્તમ તાપમાનનો પારો તો ગગડશે, પરંતુ ભેજના કારણે અસહ્ય બફારો અને ઉકળાટ વધશે, જેથી લોકોને ગરમીથી ખાસ રાહત નહીં મળે.

Related posts

ત્રીજા ત્રિમાસિકનાં પરિણામ બર્જર પેઈન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ

Master Admin

ડેટા અને એઆઈ અપસ્કિલિંગ ની પહોંચ વધારવા માટે ગુજરાત સરકારની DST પહેલ અંતર્ગત એસએએસ તાલીમ કાર્યક્રમોને મંજૂરી મળી

Reporter1

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મે મહિનામાં હવામાનમાં મોટો પલટો આવશે

Master Admin

Leave a Comment

Translate »