Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ઓમાનમાં અમેરિકાના સતત ૩ હુમલા બાદ ભારતે નોંધાવ્યો વિરોધ

જહાજો પર હુમલા બંધ કરો : ભારત

ઈરાન પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી દરિયાઈ નાકાબંધીના કારણે સર્જાયેલી આ તંગદિલીએ હવે ભારત અને અમેરિકાના રાજદ્વારી સંબંધોમાં પણ તણાવ લાવી દીધો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૧ જૂન ૨૦૨૬ — મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ હવે દરિયાઈ માર્ગો પર નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યો છે. ઓમાનના દરિયાકાંઠે અમેરિકી નૌસેના દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ હુમલામાં ત્રણ ભારતીય નાવિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઈરાન પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી દરિયાઈ નાકાબંધીના કારણે સર્જાયેલી આ તંગદિલીએ હવે ભારત અને અમેરિકાના રાજદ્વારી સંબંધોમાં પણ તણાવ લાવી દીધો છે. ભારતે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને હુમલા તાત્કાલિક રોકવાની માંગ કરી છે.

ગઇકાલે ભારતીય વિદેશ મંત્રાલયે દિલ્હીમાં તૈનાત અમેરિકાના ચાર્જ ડી અફેર્સને સમન્સ પાઠવીને ભારતનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આજે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયા બ્રીફિંગ દરમિયાન ભારતનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, અમે ઓમાનના દરિયાકાંઠે જહાજ પર થયેલા હુમલાની નિંદા કરીએ છીએ, જેમાં કમનસીબે આપણે ત્રણ ભારતીય નાગરિકો ગુમાવ્યા છે. અમે અમેરિકી ચાર્જ ડી અફેર્સને બોલાવીને વિરોધ નોંધાવ્યો છે. આ વિસ્તારમાં શિપિંગ પર થઈ રહેલા સતત હુમલાઓ ઊંડી ચિંતાનો વિષય છે અને તે આ પ્રદેશમાં ચાલી રહેલા સંઘર્ષનું સીધું પરિણામ છે. આ હુમલાઓ બંધ થવા જ જોઈએ. અમે સંવાદ અને ડિપ્લોમેસીની અપીલ કરીએ છીએ જેથી પ્રદેશમાં વહેલી તકે શાંતિ અને સ્થિરતા પાછી આવી શકે.

અમેરિકન સૈન્યની સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, આ હુમલા ઈરાન સામે ૧૩ એપ્રિલથી લાગુ કરાયેલી નૌકાદળ નાકાબંધીના ઉલ્લંઘનને કારણે કરવામાં આવ્યા હતા.આજે ગિની-બિસાઉ નામના દેશનો ધ્વજ ધરાવતા જહાજ MT Jalveer પર હુમલો કરવામાં આવ્યો હતો. જહાજ પર ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા.

અમેરિકાનો આરોપ છે કે આ જહાજ ઓમાનના અખાતમાંથી ઈરાની તેલ વહન કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જ્યારે જહાજના ક્રૂ મેમ્બર્સે અમેરિકન સેનાની સૂચનાઓનું વારંવાર ઉલ્લંઘન કર્યું, ત્યારે અમેરિકન ફાઈટર એરક્રાફ્ટે જહાજના એન્જિન રૂમ પર બે શક્તિશાળી મિસાઈલોથી હુમલો કર્યો. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે જે ત્રણ જહાજો પર અમેરિકાએ હુમલા કર્યા છે, તેમાંથી કોઈ પણ ભારતની માલિકીનું નથી. તે તમામ વિદેશી ધ્વજ ધરાવતા જહાજો હતા, પરંતુ તેમાં કામ કરતો ક્રૂ સ્ટાફ ભારતીય હતો. અત્રે જણાવવાનું કે તે પહેલા MT સેટેબેલો નામના જહાજ પર હુમલો થયો હતો જેના પર ૨૪ ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા જેમાંથી ૨૧ને બચાવી લેવાયા પરંતુ ૩ લોકોના જીવ ગયા.

Related posts

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ભારે વરસાદથી ૪૫ લોકોના મોત, ૧૦૫ ઘાયલ

Master Admin

હવે છેલ્લી ઘડીએ પણ બદલી શકાશે બોર્ડિંગ પોઈન્ટ

Master Admin

NEET-UGની પુનઃપરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Master Admin

Leave a Comment

Translate »