Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ભારત-બાંગ્લાદેશ સરહદે હોબાળો, બંને દેશોની સેનાની વચ્ચે તણાવ

ઘૂસણખોરોને ખદેડતા પથ્થરમારો

BSF દ્વારા કથિત રીતે એક બાંગ્લાદેશી નાગરિકને પરત મોકલવાની કાર્યવાહી બાદ સરહદ પર ભીડ એકઠી થઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૧ જૂન ૨૦૨૬ –– પૂર્વોત્તર રાજ્ય મેઘાલય અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર મોટો હોબાળો થયો હતો. સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા કથિત રીતે એક બાંગ્લાદેશી નાગરિકને પરત મોકલવાની કાર્યવાહી બાદ બંને દેશોની સરહદ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને ત્યારબાદ પથ્થરમારાની ઘટનાઓ સામે આવી હતી. આ ઘટના મેઘાલયના દક્ષિણ પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાના મહેન્દ્રગંજ વિસ્તારમાં આવેલા નંદિર ચાર સરહદી વિસ્તારની હોવાની માહિતી મળી રહી છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંબંધિત વ્યક્તિએ કથિત રીતે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. સુરક્ષા એજન્સીઓ દ્વારા તેને કસ્ટડીમાં લીધા બાદ BSFએ તેને બાંગ્લાદેશ તરફ પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી. જોકે, આ મામલો ત્યારે વધુ ગૂંચવાયો જ્યારે બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ્‌સ (BGB) અને સરહદ પાર હાજર સ્થાનિક લોકોએ કથિત રીતે તે વ્યક્તિનો સ્વીકાર કરવાનો ઈનકાર કરી દીધો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે BGB ઈનકાર બાદ તે વ્યક્તિ બંને દેશોની સરહદ વચ્ચે ફેન્સિંગ પાસે જ ફસાઈ ગયો. આના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ભ્રમ અને તણાવની સ્થિતિ સર્જાઈ ગઈ. સ્થાનિક લોકોનો દાવો છે કે સંબંધિત વ્યક્તિએ ખુદને બાંગ્લાદેશી નાગરિક હોવાનું જણાવ્યું હતું, તેમ છતાં બાંગ્લાદેશ તરફથી તેને પોતાના કબજામાં લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેવામાં આવ્યો હતો.

આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા જ સરહદની બંને બાજુએ મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા હતા. જોતજોતામાં સેંકડો લોકો સરહદની નજીક પહોંચી ગયા અને માહોલ તણાવપૂર્ણ બની ગયો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે સરહદ પર એકઠી થયેલી ભીડ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ બંને તરફથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય સરહદ પર લગાવવામાં આવેલી તારની વાડની આરપાર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા, જેના કારણે સ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ ગંભીર રીતે ઘાયલ થયું હોવાના તાત્કાલિક અહેવાલ નથી, પરંતુ આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. સરહદ પર વધતા તણાવને જોતા વધારાના સુરક્ષા દળો તહેનાત કરી દેવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને રોકી શકાય તે માટે BSF અને BGB બંને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયુ વેગે વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં સરહદની બંને બાજુએ મોટી સંખ્યામાં લોકોની હાજરી અને તણાવપૂર્ણ માહોલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓએ હજુ સુધી આ વાયરલ વીડિયોની સત્તાવાર પુષ્ટિ નથી કરી. અધિકારીઓનું કહેવું છે કે, વાઈરલ થઈ રહેલા વીડિયોની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે, સાથે જ તેમણે સ્થાનિક લોકોને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા માટે અપીલ કરી છે.

Related posts

સેવામાં અંતર ભારતીયોના વાર્ષિક 10.8 કલાકનો ભોગ લેવાય છેઃ 44 ટકા બ્રાન્ડ્સ બદલી કરવા માટે તૈયારઃ સર્વિસનાઉના ત્રીજા CX રિપોર્ટનું તારણ

Master Admin

આસામમાં ઉપરાછાપરી બે મોટા નેતાઓના રાજીનામા

Master Admin

બેરોજગારીથી મળશે છૂટકારો, 4.10 કરોડ યુવાઓને મળશે લાભ

Reporter1

Leave a Comment

Translate »