Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

મોદી અને જિનપિંગ દુનિયાના બે સૌથી મહાન નેતાઓ છે

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારતના PMના કર્યા વખાણ

પીએમ મોદી યુદ્ધથી દૂર રહે છે, તે ખૂબ જ સમજદારીભર્યું કામ છેઃ હું મોદીને બહુ સારી રીતે ઓળખું છું : ટ્રમ્પ

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૨૦ જૂન ૨૦૨૬ — અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ખાસ ઇન્ટરવ્યૂમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ટ્રમ્પે પીએમ મોદીને દુનિયાના બે સૌથી મહાન નેતાઓમાંના એક ગણાવ્યા છે અને કહ્યું કે, પીએમ મોદી અને ચીનના વડાપ્રધાન શી જિનપિંગ બે એવા ગ્લોબલ લીડર્સ છે, જેમની કામ કરવાની શૈલીથી હું સૌથી વધુ પ્રભાવિત છું.

અમેરિકન પ્રમુખે વડાપ્રધાન મોદીના લાંબા શાસનકાળ અને તેમની અનોખી કાર્યશૈલીની પ્રશંસા કરવાની સાથે એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારતના આર્થિક વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં પીએમ મોદીની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહી છે.
ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને દુનિયાના બે મહાન નેતાઓના નામ આપવા માટે કહેવામાં આવ્યું, ત્યારે તેમણે શી જિનપિંગ અને પીએમ મોદીના નામ લીધા હતા. વડાપ્રધાન મોદી વિશે વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે, નરેન્દ્ર મોદી ખૂબ જ ઉત્કૃષ્ટ નેતા છે. તેઓ યુદ્ધોથી દૂર રહે છે, જે અત્યંત સમજદારીભરી બાબત છે. તેઓ ૧.૫ અબજ (૧૫૦ કરોડ) લોકોની વસ્તી ધરાવતા દેશનું નેતૃત્વ કરે છે. વાસ્તવમાં ભારત દુનિયાનો સૌથી મોટો દેશ છે અને નરેન્દ્ર મોદી એક શાનદાર નેતા છે.

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે તેઓ એક મહાન નેતાને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે, ત્યારે તેમણે પીએમ મોદીનું જ ઉદાહરણ આપ્યું હતું.

ટ્રમ્પે જણાવ્યું કે, મેં મારી આખી જિંદગીમાં ભારતનું રાજકારણ જોયું છે. ત્યાં સતત નેતૃત્વ બદલાતું રહેતું હતું. કોઈ છ મહિના માટે પ્રમુખ કે વડાપ્રધાન બનતું, તો કોઈ એક વર્ષ માટે આવતું. પરંતુ, અચાનક વડાપ્રધાન મોદી સત્તા પર આવ્યા. તેઓ ૧૨ વર્ષથી વધુ સમયથી ત્યાં મજબૂતીથી ટકેલા છે અને આ બધું ખૂબ જ શાંતિપૂર્વક કરી રહ્યા છે.

ટ્રમ્પે આ અંગે વાત કરતાં વધુમાં કહ્યું કે, પીએમ મોદીમાં શાંતિ અને રાજકીય મજબૂતીનું એક અનોખું મિશ્રણ જોવા મળે છે. મારો અંગત અનુભવ રહ્યો છે કે તેઓ ભલે બધું કામ ખૂબ શાંતિથી કરતા હોય, પરંતુ તેઓ શાંત સ્વભાવના વ્યક્તિ નથી. તેઓ ખૂબ જ કડક અને મજબૂત માણસ છે અને હું તેમને બહુ સારી રીતે ઓળખું છું.

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે પીએમ મોદીની વાટાઘાટો કરવાની અને મધ્યસ્થી કરવાની ક્ષમતાના વખાણ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, અમે આ ટ્રેડ ડીલની ખૂબ નજીક છીએ. લાંબા સમયથી આ વિષય પર કામ ચાલી રહ્યું છે.

આ સાથે જ મિડલ ઈસ્ટમાં શાંતિ અને સ્થિરતા લાવવામાં ભારતની સંભવિત ભૂમિકા અંગે ટ્રમ્પે આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, હા, હું ચોક્કસપણે માનું છું કે ભારત વૈશ્વિક સ્તરે દરેક બાબતમાં મોટી ભૂમિકા ભજવે છે અને જ્યાં સુધી પીએમ મોદી સત્તા પર છે, ત્યાં સુધી ભારત આ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતું રહેશે. ટ્રમ્પે પીએમ મોદી સાથેના પોતાના જૂના સંબંધોને યાદ કરતાં અંતમાં કહ્યું કે, તેઓ લાંબા સમયથી મારા સારા મિત્ર છે અને અમારા સંબંધો હંમેશાં સવર્શ્રેષ્ઠ રહ્યા છે.

Related posts

ડઝનબંધ ફ્લાઈટ્‌સના રૂટ બદલાયા, યુરોપના એરપોર્ટ પર હાઈ એલર્ટ

Master Admin

પુતિનને વાતચીત કરી યુદ્ધ ખતમ કરવામાં જરાય રસ નહીં

Master Admin

ફ્રાન્સમાં ભીષણ હીટવેવથી ૧,૦૦૦ લોકોના મોત થયા

Master Admin

Leave a Comment

Translate »