Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ

૨૦ ગામોની પાણીની સમસ્યા દૂર થશે

આધુનિક વિદેશી ટેકનોલોજીના ઉપયોગથી બનેલા આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
બોડેલી, તા.૨૧ જૂન ૨૦૨૬ — છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી સિંચાઈ વિભાગ દ્વારા જળ સંચય ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચવામાં આવ્યો છે. જિલ્લાના રાજવાસણા ગામે હેરણ નદી પર ગુજરાતનો પહેલો અને એકમાત્ર રબ્બર ડેમ બનીને તૈયાર થઈ ગયો છે. આધુનિક વિદેશી ટેકનોલોજીના ઉપયોગથી બનેલા આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ડેમ કાર્યરત થતાં જ ચોમાસામાં વહી જતું પાણી રોકી શકાશે, જેનાથી આસપાસના ૨૦ જેટલા ગામોના હજારો નાગરિકો અને ખેડૂતોને પાણીની મોટી સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે.

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ, પાવી જેતપુર, બોડેલી અને સંખેડા એમ ચાર તાલુકાઓમાંથી હેરણ નદી પસાર થાય છે. ચોમાસા દરમિયાન આ નદી ત્રણ મહિના સુધી બંને કાંઠે વહે છે અને તેનું કરોડો લીટર પાણી વહીને અંતે નર્મદા નદીમાં ભળી જતું હતું. પાણીના આ વ્યયને અટકાવવા માટે સરકારે હેરણ નદી પર રાજવાસણા ગામ પાસે આવેલો રજવાડી શાસન વખતનો જૂનો જર્જરીત ડેમ તોડીને નવો આધુનિક રબ્બર ડેમ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ માટે યોઇલ એન્વીરોટેક એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેની દેખરેખ બોડેલી સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની કચેરી દ્વારા કરવામાં આવી છે.
રબ્બર ડેમની મુખ્ય વિશેષતાઓ

  • આ અદભુત રબ્બર ડેમની લંબાઈ ૨૨૦ મીટર છે અને તેને ૩ અલગ-અલગ સ્પાનમાં બનાવવામાં આવ્યો છે.
  • ડેમની બોડી વોલ ઉપર ૧.૬૦ મીટરની ઊંચાઈ ધરાવતા અને ૬૦ મીટર લાંબા એવા કુલ ૩ રબ્બરના બ્લેન્ડર (ક્યૂબ) લગાવવામાં આવ્યા છે. આ ખાસ મટીરિયલ દક્ષિણ કોરિયાથી મગાવવામાં આવ્યું છે, જે ગમે તેટલા તીવ્ર પાણીના પ્રવાહમાં પણ અડીખમ રહેશે અને તેને કોઈ નુકસાન નહીં થાય.
  • આ રબ્બર બ્લેન્ડરમાં ઓટોમેટિક સિસ્ટમ દ્વારા માત્ર ૨૦ મિનિટની અંદર હવા ભરી શકાય છે અને જરૂરિયાત પૂરી થતાં જ માત્ર ૧૦ મિનિટમાં હવા કાઢી પણ શકાય છે.

ચોમાસાની શરૂઆતમાં જ્યારે હેરણ નદીમાં ઉપરવાસના જંગલોમાંથી ભારે માત્રામાં કાપ, પથ્થરો (ગ્રેવલ) અને મોટા લાકડાં તણાઈને આવે છે, ત્યારે રબ્બર બ્લેન્ડરને નુકસાન ન થાય તે માટે તેની હાઇટ ઘટાડીને ફ્લેટ કરી દેવામાં આવશે, જેથી કચરો સરળતાથી વહી જાય. ત્યારબાદ પાણીનો પ્રવાહ ચોખ્ખો થતાં જ અને પાણી રોકવાની જરૂરિયાત ઊભી થતાં ફરીથી રબ્બરમાં હવા ભરીને ડેમની ઊંચાઈ વધારી દેવામાં આવશે.

Related posts

યુવા નેતાઓ યુવા ભારતીય સંસદ (YiP) 2026 અમદાવાદ રાઉન્ડના સમાપન પ્રસંગે ચમક્યા

Reporter1

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ

Master Admin

IPL Biologicals દ્વારા અદ્યતન cGMP-અનુરૂપ બાયોલોજિકલ મેન્યુફેક્ચરિંગ સુવિધાનું ઉદ્ઘાટન; ભારતમાં ટકાઉ ખેતીને મળશે નવી દિશા

Master Admin

Leave a Comment

Translate »