Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsDharmik

૧૪૯મી રથયાત્રા પહેલા નીકળી પવિત્ર જળયાત્રા

પ્રભુ ૧૫ દિવસ માટે મોસાળ સરસપુરમાં આરામ કરશે

મંદિરમાં લાવવામાં આવેલા પવિત્ર જળથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો શાહી જળાભિષેક કરાયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૯ જૂન ૨૦૨૬ — અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથજી મંદિરની ૧૪૯મી રથયાત્રા પૂર્વે જ્યેષ્ઠ સુદ પૂનમના પાવન અવસરે પરંપરાગત જળયાત્રા ભવ્ય રીતે નીકળી. બળદગાડામાં બિરાજમાન ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન આપતા જળયાત્રા નિજ મંદિરેથી પ્રસ્થાન કરી સાબરમતી નદીના ભુદરના આરે પહોંચ્યા હતા. યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા સમગ્ર માર્ગ પર ‘જય જગન્નાથ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યો.

ભુદરના આરે વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ગંગા પૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૦૮ કળશમાં સાબરમતી નદીનું પવિત્ર જળ ભરવામાં આવ્યુ હતું. આ પવિત્ર જળને ભક્તિભાવપૂર્વક મંદિર સુધી લાવવામાં આવ્યું, જ્યાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો શાહી જળાભિષેક કરવામાં આવ્યો

જળાભિષેક પૂર્ણ થયા બાદ ભગવાનને વર્ષમાં માત્ર એક જ વખત ધારણ કરાવવામાં આવતા વિશેષ ગજવેશથી અલંકૃત કરવામાં આવ્યા હતા.

ભગવાનના આ દુર્લભ ગજવેશના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ઉમટી પડ્યા. ગજવેશ દર્શનને જગન્નાથ પરંપરામાં વિશેષ ધાર્મિક મહત્વ આપવામાં આવે છે.

જળયાત્રા અને જ્યેષ્ઠાભિષેકની તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી વાજતે-ગાજતે પોતાના મોસાળ સરસપુર પધાર્યા.પરંપરા મુજબ ભગવાન આગામી ૧૫ દિવસ સુધી સરસપુરમાં નિવાસ કરશે. ત્યારબાદ અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે ૧૪૯મી ભવ્ય રથયાત્રા માટે નગરચર્યાએ નીકળશે.

જળયાત્રાના સમગ્ર રૂટ પર ભક્તિ અને શૌર્યનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. વિવિધ અખાડાના ખેલૈયાઓએ પોતાના હેરતઅંગેજ કરતબો રજૂ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સાથે જ ભજન મંડળીઓએ ભગવાનના ભજનો અને ધૂનથી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું, જ્યારે ઢોલ-નગારાના તાલે ભક્તો ઉત્સાહપૂર્વક યાત્રામાં જોડાયા હતા.

જગન્નાથ મંદિરની પરંપરામાં જળયાત્રાને રથયાત્રા પૂર્વેનો સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર ધાર્મિક પ્રસંગ માનવામાં આવે છે. જ્યેષ્ઠાભિષેક, ગજવેશ દર્શન અને મોસાળગમનની આ સમગ્ર પરંપરા સદીઓથી ભક્તિભાવ સાથે ઉજવાઈ રહી છે. આ વર્ષે પણ હજારો ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સાથે સંપન્ન થયો હતો.

Related posts

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા રોટરી નૂતન વર્ષની અનોખી શરૂઆત : “સ્કૂલ ચલે હમ” પ્રોજેક્ટ અંતર્ગત જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ બેગ અને નાસ્તાનું વિતરણ કરાયું

Reporter1

શહેરમાં આગ લાગવાથી લોકોની ૪૪૦ કરોડની મિલકત સ્વાહા થયાનો દાવો

Master Admin

અમદાવાદમાં નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ

Master Admin

Leave a Comment

Translate »