Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

કથા-સત્યામૃત, પ્રેમામૃત, કરુણામૃત છે.

  • વિયોગ પ્રતિક્ષા કરાવે,વિરહ મારી નાંખે છે.
  • વ્યાસપીઠ આપણને રોતા શીખવે છે.
  • છીનવેલુ અમૃત સતત ભયમાં રાખે,એ સ્વર્ગથી પતન કરાવે.

શ્રવણ કરો ત્યારે વચ્ચે કોઈ ચીજ ન આવવી જોઈએ-જ્યારે પતિત પાવની મા ગંગાના તટે ચાલતી રામકથામાં રવિવારનાં છઠ્ઠા દિવસે શ્રવણ વિજ્ઞાન વિશે કહેતા જણાવ્યું ને ઉમેર્યું કે:હા,કોઈ મહત્વનાં કામના મુદ્દાઓને નોટ કરીએ તો એ વિઘ્ન આવશે પણ આવું કરવાથી શ્રવણની લીંક ન તૂટે તો આવું કરી શકાય છે.વચ્ચે આવતા સૂત્ર,મંત્ર,વિચાર સારી વસ્તુ છે છતાં પણ શ્રવણનો ક્રમ તૂટે એ ઠીક નથી. પરીક્ષિતે ગંગા તટ ઉપર શ્રવણ ભક્તિ કરી.વચ્ચે કંઈ ન આવ્યું એટલે એનું મૃત્યુ અમૃત બની ગયું.મોત સામે જ હતું પણ જ્યાં સુધી શુકદેવજીએ વ્યાસ ગાદી ન છોડી ત્યાં સુધી તક્ષકે પ્રવેશ નથી કર્યો.દૂધમાં પાણી ન મેળવો! શ્રવણ એટલે શ્રવણ જ.છતાં પણ પ્રેક્ટીકલ પણ થવું.શ્રવણ કરતાં-કરતાં ધ્યાન કરીએ તો ચાલે પણ ધ્યાન એ વિચારીને કરવું કે ધ્યાનં મૂલં ગુરું મૂર્તિ-પોતાના ગુરુની મૂર્તિનું ધ્યાન છે.કથા કોઈપણ રીતે સાંભળો પણ શ્રવણ વિજ્ઞાનના સૂત્ર પકડીએ તો પૂરો લાભ મળી શકશે.સારા ઉપકરણનો વ્યભિચારી ઉપયોગ ન કરો.

ગાંધીજી ખજુરની ગણીને ૧૦ પેશી ખાતા.સરદાર જોતા એને લાગતું કે બાપુને વધારે આપીએ.૧૫ કરી ત્યારે ગાંધીને ખબર પડી ગઈ.સરદારે કહ્યું કે ૧૦-૧૫ માં કોઈ ફેર નથી.ગાંધીજીએ કહ્યું કે સાચી વાત છે પાંચ અને દસમા પણ કોઈ ફેર નથી તો કાલથી પાંચ જ પેશી આપજો! આવું અપરિગ્રહનું ચિંતન, અહિંસાનું ચિંતન એકાગ્ર થઈને સાંભળવાથી લાગશે કે કથા આપણામાં આવી છે.

કથા સત્યામૃત,પ્રેમામૃત,કરુણામૃત છે.અમૃત સ્વર્ગનાં દેવતાઓ પાસે હોવા છતાં એનું પતન કેમ થાય છે? કારણ કે અમૃત છીનવેલુ છે.છીનવેલુ અમૃત સતત ભયમાં રાખે એ પતન છે.આકુળ અને વ્યાકુળ બે શબ્દ આવ્યા છે.વિયોગ આકુળ કરે અને વિરહ વ્યાકુળ કરી દે છે.વિયોગ પ્રતિક્ષા કરાવે,વિરહ મારી નાંખે છે.વિરહ વરદાન છે,વિરહ વરદાનથી જે મરી જાય છે એ અમૃતને પામે છે.આંસુ અમૃત છે.હું તમને રોતા શીખવાડું છું.આંસુ અભ્યંતર સ્નાન છે. વ્યાસપીઠ આપણને રોતા શીખવે છે.

કાશીમાં માનસ સ્મશાલ કથાનો મનોરથ છે અને એ મશાલ કબીરની હશે એવું બાપુએ કહ્યું. રામચરિતમાનસના અધિકતમ પાત્ર રોવે છે,આંસુથી દીક્ષિત છે.

બાપુએ ૫૫-૬૦ વરસ પહેલાંનો પ્રસંગ યાદ કરતાં કહ્યું કે જયદેવભાઈ(માંકડ)નાં પિતા શિરીષભાઈ માંકડનાં નામથી યુવાનો માટેની શિબિર કરતા.પહેલી શિબિર અલિયાબાડામાં કરી.બીજી શિબિર તલગાજરડા મહુવામાં કરી એ વખતે રમેશભાઈ(પારેખ)ને આમંત્રણ આપેલું,કાવ્ય પઠન માટે.એ એકમાત્ર વક્તા હતા.ત્યારે એક પંક્તિ ન ગાઈ શક્યા.એક કલાક સુધી ધૃસ્કેને ધૃસ્કે રોતા રહ્યા અને પછી કહેવું પડ્યું કે હવે ભૈરવી થઈ ગઈ, મહેફિલ સમાપ્ત થઈ ગઈ.આ રમેશ પારેખે આકુળ વ્યાકુળ શબ્દ લખેલો છે,જ્યારે વરસાદનું વર્ણન કરે છે.( આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે)

બાળકને રોતા જોઈએ ત્યારે સારું નથી લાગતું,એમાં ય ગરીબના બાળકને રોતું જોઈને વધારે દુઃખ થાય છે એટલે ક્યારેક કહું છું કે ઓછી સુવિધામાં જીવવાનું વ્રત એ કથાની પ્રસાદી હોવી જોઈએ.ત્યાગ કરીને ભોગનો આનંદ આવે છે.બુદ્ધિમાનો,ધનવાનો, વિદ્વાનોએ પણ આવું કરવું રહ્યું.

માનસમાં સુમંતનો વિરહ,સુમંત તો ઠીક ઘોડાઓ પણ વિરહને કારણે અયોધ્યા તરફ જોતા નથી. પશુઓની આ સ્થિતિ હોય,તો અયોધ્યાની જનતા, રામનાં માતા-પિતા કેમ જીવ્યા હશે!

જળ તત્વ અમૃત છે.રામચરિતમાનસમાં મુખ્યત્વે પાંચ જળાશય છે:માન સરોવર,જનકની પુષ્પવાટીકાનું સરોવર,પંપાસરોવર,સ્વયં પ્રભાનું સરોવર અને એક સરોવર લંકામાં બતાવેલું છે. ભગવાન કૃષ્ણ કહે છે સાગર મારી વિભૂતિ છે.વિભુ અમૃત છે,તો વિભૂતિ પણ અમૃત છે.સાગરને પણ ખૂબ મોટું જળાશય કહેવાયું છે. સાગર ખુદ અમૃત નથી પણ સાગરમાં અમૃત છે.

બાલકાંડમાં યજ્ઞ,દાન,તપની તિહાઇ છે એમ અયોધ્યાકાંડમાં-સત્ય(દશરથનું), રામ-ભરતનો પ્રેમ અને કોલ કિરાત સાથે રામની કરુણા-તિહાઇ છે.અરણ્યકાંડમાં ધર્મ(નારી ધર્મ),મંત્ર(અગત્યએ રામને આપેલો મંત્ર) અને ભક્તિ(શબરીની) તિહાઇ છે.

Box

આ સાત વસ્તુઓને શુભ-મંગલ કહેલી છે.

સુધા સાધુ સુરતરુ સુમન સુફલ સુહાવની બાત; તુલસી સિતાવની ભગતિ,સગુન સુમંગલ સાત.

-રામાજ્ઞા પ્રશ્ન અથવા દોહાવલિ.

આ સાત વસ્તુઓને શુભ-મંગલ કહેલી છે.

જળના ત્રણ ગુણ:શીતળ,મધુર અને સ્વચ્છ.સાધુનાં પણ ત્રણ ગુણ:એનું હૃદય શીતળ,મધુર અને નિર્વિકાર હોય.અમૃત પણ શીતળ,મધુર અને સ્વચ્છ છે.જળાશયમાં ઊગતું કમળ અસંગ છે.સુમન સાધકનું મન પણ અસંગ-એનું લક્ષણ છે.

== સમાપ્ત ==

Related posts

વલસાડ અને અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનેમોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

Master Admin

દિલ્હી અને મુંબઈમાં વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Reporter1

નીલકંઠ ધામ પોઇચા મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી

Master Admin

Leave a Comment

Translate »