એક પવિત્ર સ્વપ્નનું સાકાર થવું: ૧૫૦ કરોડ રૂપિયાનું બ્રિટનનું પ્રથમ હિંદુ ક્રિમેટોરિયમ
અમદાવાદ, ગુજરાત | ૧૬ જુલાઈ ૨૦૨૬ | પાંચ દાયકાથી વધુ સમય સુધીના સંઘર્ષ અને અભિયાન પછી, યુનાઇટેડ કિંગડમનો હિંદુ, શીખ અને જૈન સમુદાય હવે એક ઐતિહાસિક સિદ્ધિના દરવાજા પર ઉભો છે “ૐ ક્રિમેટોરિયમ”, એક એવું વિશેષ રીતે નિર્માણ પામતું કેન્દ્ર છે કે જે શ્રદ્ધા, પરંપરા અને જીવનના અંતિમસંસ્કારની ગૌરવપૂર્ણ વિધિને સમર્પિત છે.
૧૬ ડિસેમ્બર ૨૦૨૧ની સવારે બ્રિટિશ ભારતીય સમાજમાં એક ઐતિહાસિક જાહેરાત ગુંજી ઊઠી. લાંબા સમયથી કરવામાં આવેલી પ્રાર્થનાઓ અને અથાક પ્રયાસોનું ફળ મળ્યું અને યુરોપનું પ્રથમ અને ખાસ હિંદુઓ માટેનું અંત્યેષ્ટિ કેન્દ્ર (ક્રિમેટોરિયમ) બનાવવાની મંજૂરી મળી. તેનું નામ છે “ૐ ક્રિમેટોરિયમ”, અને આ પ્રોજેક્ટ અનુપમ મિશન દ્વારા હાથ ધરાયો છે.
બ્રિટનમાં વસતા હિંદુ, શીખ અને જૈન પરિવારો વર્ષો સુધી એક મૌન પીડા સહન કરતા આવ્યા હતા. હાલનાં ક્રિમેટોરિયમો સામાન્ય જરૂરિયાતોનો પૂરી પાડતાં હતાં પણ, હિંદુ, જૈન અને શીખ સમુદાય માટે શાસ્ત્રોમાં વર્ણવેલ “અંત્યેષ્ટિ” તે વિધિઓ માટે રચાયેલાં નહોતાં. પૂરતી જગ્યા ન હોવી, સમયની મર્યાદા, ધાર્મિક રીતે શુદ્ધિકરણ માટેની સુવિધાઓનો અભાવ અને પ્રિયજનના શરીરની યોગ્ય રીતે પરિક્રમા ન કરી શકવાની મુશ્કેલીઓએ પરિવારોને એવું અનુભવાતું કે તેમની અંતિમ સેવા અધૂરી રહી ગઈ.
હવે આવાં સમાધાન અને સંકોચનો યુગ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ડેન્હમ, બકિંગહામશાયર ખાતે અનુપમ મિશનના પવિત્ર પરિસરમાં જ્યાં હાલમાં હિંદુ સ્વામીનારાયણ મંદિર અને સામાજિક સેવા કેન્દ્ર છે તેની બાજુમાં આવેલ છે ૐ ક્રિમેટોરિયમ ઊભું થઈ રહ્યું છે. આ કેન્દ્રની રચના સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
અનુપમ મિશન એ સ્વામિનારાયણ પરંપરામાં મૂળ ધરાવતી આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સેવા આપતી ચેરિટેબલ સંસ્થા છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની પ્રેરણા, આજ્ઞા અને આશીર્વાદથી અનુપમ મિશનની સ્થાપના ગુરુહરિ સંતભગવંત સાહેબજીનાં માર્ગદર્શન હેઠળ ભારતમાં ૧૯૬૭માં અને યુ.કે.માં ૧૯૭૮માં થઈ હતી. તેમના સાધુઓ સાદાં વસ્ત્રોમાં રહીને સમાજમાં શૈક્ષણિક, સમાજિક, આરોગ્ય, મહિલા ઉત્કર્ષ, યુવાન-યુવતીઓમાં ચારીત્ર્યનું ઘડતર જેવી અનેક સેવાઓ આપે છે અને આ દ્રષ્ટિને સાકાર કરવા માટે તેઓ અનોખી રીતે સમર્પિત છે.
પવિત્ર સ્થળ માટેની લાંબી યાત્રા :
ૐ ક્રેમેટોરિયમની વાત એ સમાજની અડગ શ્રદ્ધા અને સંઘર્ષની વાર્તા છે. ૨૦૧૪માં લોર્ડ ડોલર પોપટે સમાજના આગેવાનો તરફથી ગુરુહરિ સાહેબજીને આ પ્રોજેક્ટ કરવા માટે વિનંતી કરી હતી. અને આ પ્રોજેક્ટ માટે અનુપમ મિશનનું ઉત્તર પશ્ચિમ લંડનમાં આવેલું વિશાળ મંદિર પરિસર આદર્શ માનવામાં આવ્યું.
૨૦૧૫માં લોર્ડ જિતેશ ગઢિયાના પ્રયાસોથી સરકારે તમામ ધર્મોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ક્રિમેટોરિયમ સુવિધાઓ અંગે તપાસ શરૂ કરી. ૨૦૧૯માં પ્રકાશિત અહેવાલે સ્પષ્ટ કર્યું કે, જ્યાં હિંદુ, શીખ અને જૈન વસ્તી વધારે છે, ત્યાં યોગ્ય અંતિમવિધિ સુવિધાઓનો મોટો અભાવ છે.
પરંતુ રસ્તો સરળ હજી નહોતો. બકિંગહામશાયર જિલ્લા પરિષદે ગ્રીન બેલ્ટ વિસ્તારમાં નુકસાન થવાની દલીલ આપીને આયોજન મંજૂરી નકારી કાઢી. આ નિર્ણયથી સમાજમાં ભારે નિરાશા ફેલાઈ. ત્યારે ગુરુહરિ સાહેબજીએ સૌને પ્રાર્થના, બળ અને ધીરજ સાથે આગળ વધવા પ્રેર્યો.
પછી ૧૯૯૦ના “Town and Country Planning Act”ની કલમ ૭૮ હેઠળ અપીલ દાખલ કરવામાં આવી. કોરોનાકાળની મુશ્કેલીઓ વચ્ચે પણ પ્રયત્નો અટક્યા નહીં. સેક્રેટરી ઓફ સ્ટેટ દ્વારા નિયુક્ત ઇન્સ્પેક્ટર કેટે મેકડોનાલ્ડ સમક્ષ સુનાવણી થઈ, જેમાં લોર્ડ જિતેશ ગઢિયા અને સાંસદ બોબ બ્લેકમેન સમર્થન આપ્યું. અને અંતે સમિતિએ સ્વીકાર્યું કે સમાજની જરૂરિયાત ગ્રીન બેલ્ટને થનારા અનુમાનિત નુકસાન કરતાં ઘણી વધુ છે.
આત્માની શાંતિ માટે રચાયેલ ક્રિમેટોરિયમ :
ૐ ક્રેમેટોરિયમ માત્ર એક ઇમારત નથી; તે અંતિમ વિદાયને ગૌરવપૂર્ણ અને શાંતિમય બનાવવાની દ્રષ્ટિ છે. “અંત્યેષ્ટિ” એટલે કે અંતિમ અર્પણની પવિત્ર વિધિઓને ધ્યાનમાં રાખીને સમગ્ર પરિસરની રચના કરવામાં આવી છે.
ભારતમાં પરંપરાગત હિંદુ અંતિમવિધિ ૧૨ દિવસ સુધી ચાલે છે અને અનેકવિધ ધાર્મિક વિધિઓનો સમાવેશ કરે છે. બ્રિટનમાં આ વિધિઓ ઘણીવાર મર્યાદિત સમય અને સામાન્ય સુવિધાઓમાં સમેટાઈ જતી હતી. હવે ૐ ક્રિમેટોરિયમ આ તમામ જરૂરી વિધિઓને એક જ પવિત્ર સ્થળે શક્ય બનાવશે.
હિંદુ પરંપરામાં વારાણસી ગંગા નદીના કિનારે આવેલું સૌથી પવિત્ર દાહસ્થળ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ત્યાં દાહસંસ્કાર થવાથી આત્માને “સદગતિ” પ્રાપ્ત થાય છે. ૐ ક્રિમેટોરિયમ એ મંદિર, વૃક્ષો અને નદી જેવા શાંત, કુદરતી ને પવિત્ર વાતાવરણમાં સ્થિત હોવાથી તે આવી પ્રાચીન આધ્યાત્મિક ભાવનાને બ્રિટિશ પરિસ્થિતિમાં પણ જીવંત બનાવશે.
ૐ ક્રિમેટોરિયમમાં ઉપલબ્ધ સુવિધાઓ :
- તમામ ઉપસ્થિતો માટે પ્રતિક્ષા જોવાની વ્યવસ્થા
- પૂર્વ-અંતિમવિધિઓ માટે ખાનગી રૂમ
- ૮૦૦ લોકોની ક્ષમતા ધરાવતો વિશાળ પ્રાર્થના હોલ
- સ્થળ પર બે ક્રિમેટર
- ભોજન અને સ્નાન સુવિધાઓ તેમજ કેન્ટીનની સુવિધા
- ધાર્મિક શુદ્ધિકરણ માટે વિશેષ જગ્યા
- મૃતદેહની પરિક્રમા માટે પૂરતી જગ્યા
- વિધિ પછી સમૂહ ભોજન માટે હોલ
પ્રથમ વખત પરિવારો સંપૂર્ણ અંતિમવિધિ એક જ પવિત્ર અને શાંતિપૂર્ણ સ્થળે કરી શકશે. હવે તેમને દોડધામ કે સમયની મર્યાદાનો સામનો કરવો નહીં પડે.
સૌ માટે પૂરતી જગ્યા :
વિશાળ સમારંભ હોલમાં ૮૦૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા હશે. નાના સમારંભો માટે અલગ વિભાગો પણ હશે.
પવિત્ર સમૂહ ભોજન :
વિધિ પછી પરિવાર અને સમુદાય સાથે મળીને ભોજન કરવાની પરંપરા ફરી જીવંત બનશે, જે બ્રિટનમાં અત્યાર સુધી સમય અને અંતરની મર્યાદાને કારણે મુશ્કેલ હતી.
શ્રદ્ધા દ્વારા માર્ગદર્શિત, સમુદાય દ્વારા નિર્મિત
ૐ ક્રિમેટોરિયમના કેન્દ્રમાં છે ગુરુહરિ સાહેબજીનું અડગ માર્ગદર્શન અને આશીર્વાદ ! જ્યારે આયોજન અરજી નકારી કાઢવામાં આવી ત્યારે પણ તેમણે સૌને વિશ્વાસ અને બળ સાથે આગળ વધવા પ્રેર્યા.
હજારો ભક્તોની પ્રાર્થનાઓ અને સમર્પિત સેવકોના પ્રયાસોથી આ પ્રોજેક્ટ આગળ વધ્યો. તેમાં પૂજ્ય સતીશભાઈ ચતવાણી, પૂજ્ય હિમ્મત સ્વામી, પૂજ્ય વિનુભાઈ, પૂજ્ય ભાવિશાબેન અને અનુપમ મિશન યુ.કે.ના ટ્રસ્ટીઓ તેમજ કાનૂની અને આર્કિટેક્ચર ક્ષેત્રના નિષ્ણાતોએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.
શ્રી સ્વામિનારાયણ ભગવાનની અપરંપાર કૃપા તથા ગુરુદેવ યોગીજી મહારાજ અને પૂજ્ય સંતોના આશીર્વાદથી ઇંગ્લેન્ડના સનાતન હિંદુ ધર્મના શ્રેષ્ઠ દાનવીરો પૂજ્ય પ્રદીપભાઈ ધામેચા, રૂપેનભાઈ વડેરા, પૂજ્ય શામજીભાઈ પટેલ, રમેશભાઈ કણસાગરા, પૂજ્ય ભીખુભાઈ-વિજયભાઈ પટેલ તેમજ સમગ્ર હિંદુ સમાજ તરફથી પ્રાપ્ત થયેલ ઉદાર દાન, અનુપમ મિશનના ટ્રસ્ટીઓ અને ભક્તોની પ્રાર્થના, સહકાર અને વિશેષ કરીને પૂજ્ય હિમ્મત સ્વામી, પૂજ્ય સતીષભાઈ ચતવાણી, પૂજ્ય ભાવિશાબેન, પૂજ્ય વિનુભાઈ જેવા પ્રભુ સમર્પિત સંતો અને ભક્તોના અથાગ પરિશ્રમ તથા અખંડ ભક્તિના ફળસ્વરૂપે આ પવિત્ર પ્રોજેક્ટ આજે પૂર્ણતાના આરે પહોંચી શક્યો છે.
પ્રભુ પ્રસન્નતાથી સિદ્ધ થયેલ આ દિવ્ય કાર્યનું લોકાર્પણ સદગુરુ સંત પૂજ્ય અશ્વિનદાદાના પ્રાગટ્યપર્વ નિમિત્તે તા. ૧૫ જુલાઈથી ૨૦ જુલાઈ દરમિયાન આયોજન કાર્યક્રમોમાં પૂજ્ય સંતોનાં કરકમળો દ્વારા કરવામાં આવશે.
આ શુભ સમાચારથી ઇંગ્લેન્ડ અને સમગ્ર યુરોપમાં વસતા સર્વ સનાતન હિંદુ સમાજમાં અદ્ભુત આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી રહી છે. દરેકના હૃદયમાંથી એક જ ભાવ ઉદ્ભવે છે કે, “ૐ ક્રિમેટોરિયમ માત્ર એક ઇમારત નથી; તે સમગ્ર સનાતન હિંદુ સમાજની એકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિનું જીવંત સ્મારક છે.”
ૐ ક્રિમેટોરિયમ એક સામાજિક સેવા પ્રોજેક્ટ છે અને તેને સાકાર કરવા માટે સૌના સહયોગની જરૂર છે. આપ પણ પોતાના અથવા આપના પ્રિયજનોના નામે સ્મારક રૂપે યોગદાન આપી શકો છો.
-“સાધુ પીટરદાસ”
== સમાપ્ત ==

