Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

GST કલેક્શન ૧૫.૪%ના વધારા સાથે ૨.૧૧ લાખ કરોડ નોંધાયું

આયાત અને ઘરેલુ આવકમાં બમ્પર વધારો

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં આ બીજી વખત બન્યું છે જ્યારે કોઈ એક જ મહિનામાં જીએસટી કલેક્શન રૂ.૨ લાખ કરોડનો આંકડો પાર કરી ગયું હોય

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧ ઓગસ્ટ ૨૦૨૬ — ભારતમાં આર્થિક ગતિવિધિઓ અને ખરીદીમાં મોટો ઉછાળો આવવાથી સરકારની આવકમાં જબરદસ્ત વધારો થયો છે. જુલાઈ ૨૦૨૬માં દેશનું ગ્રોસ જીએસટી (GST) કલેક્શન ૧૫.૪%ના વધારા સાથે રૂ.૨.૧૧ લાખ કરોડના સ્તરે પહોંચી ગયું છે. છેલ્લા ૧૪ મહિનામાં ટેક્સ સંગ્રહમાં જોવા મળેલો આ સૌથી ઝડપી ગ્રોથ છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં આ બીજી વખત બન્યું છે જ્યારે કોઈ એક જ મહિનામાં જીએસટી કલેક્શન રૂ.૨ લાખ કરોડનો આંકડો પાર કરી ગયું હોય, જે દેશની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે.

આંકડાઓ પર નજર કરીએ તો, જુલાઈ મહિનામાં ઘરેલુ જીએસટી આવક ૧૦.૧% વધીને ૧.૪૫ લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં ૧.૩૧ લાખ કરોડ રૂપિયા હતી. બીજી તરફ, આયાત પરના જીએસટી કલેક્શનમાં ૨૮.૮%નો ભારે ઉછાળો જોવા મળ્યો છે અને તે વધીને ૬૬,૫૧૧ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ બંને મોરચે થયેલા વધારાના પરિણામે કુલ ગ્રોસ જીએસટી કલેક્શન ૨.૧૧ લાખ કરોડ રૂપિયાના ઊંચા સ્તરે પહોંચવામાં સફળ રહ્યું છે.

સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ, જુલાઈ દરમિયાન જીએસટી રિફંડ પણ ૧૩.૧% વધીને ૨૯,૯૬૮ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યું છે. આ રિફંડ બાદ કરીએ તો પણ સરકારને મળેલી નેટ જીએસટી રેવેન્યુ ૧.૮૧ લાખ કરોડ રૂપિયા રહી છે, જે જુલાઈ ૨૦૨૫ની સરખામણીએ ૧૫.૮% વધુ છે.

જો નેટ આવકની વિગતો જોઈએ તો, ઘરેલુ નેટ રેવેન્યુ ૧૦.૫% વધીને ૧.૨૭ લાખ કરોડ રૂપિયા અને કસ્ટમ્સમાંથી મળતી નેટ જીએસટી આવક ૩૦.૩%ના તીવ્ર ઉછાળા સાથે ૫૪,૨૨૩ કરોડ રૂપિયા થઈ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં (એપ્રિલથી જુલાઈ) કુલ ગ્રોસ જીએસટી સંગ્રહ ૧૦.૧% વધીને ૮.૪૩ લાખ કરોડ રૂપિયા થયો છે, જે ગત વર્ષના સમાન ગાળામાં ૭.૬૬ લાખ કરોડ રૂપિયા હતો. અગાઉ જૂન ૨૦૨૬માં પણ જીએસટી કલેક્શન ૧૩.૯% વધીને ૧.૯૪ લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું.

એસબીઆઈ રિસર્ચના તાજેતરના અહેવાલ અનુસાર, જીએસટી સંગ્રહ અને બેસિક એક્સાઈઝ ડ્યુટીમાં રાજ્યોના હિસ્સાને ભેગો કરવામાં આવે તો નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં રાજ્યોને ગયા નાણાકીય વર્ષની સરખામણીએ આશરે ૧.૪૩ લાખ કરોડ રૂપિયાનો વધારાનો આર્થિક લાભ થવાની શક્યતા છે.

રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આગામી મહિનાઓમાં જીએસટી કલેક્શનમાં હજુ પણ સુધારો જોવા મળી શકે છે અને સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન તેમાં ૮થી ૯ ટકાનો ગ્રોથ જોવા મળી શકે છે. હાલમાં જીએસટી રેટ રેશનલાઈઝેશનના કારણે જે થોડી ધીમી ગતિ દેખાઈ હતી તે અપેક્ષિત જ હતી, પરંતુ આગામી સમયમાં ટેક્સ કલેક્શન વધુ મજબૂત બનશે.

Related posts

નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરશે

Master Admin

ભારત-બાંગ્લાદેશ સરહદે હોબાળો, બંને દેશોની સેનાની વચ્ચે તણાવ

Master Admin

નવા મંત્રીમંડળનું સમીકરણ: મણિપુરમાં ફરી ભાજપ સરકાર બનાવવા હલચલ તેજ

Master Admin

Leave a Comment

Translate »