Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

પેપર લીક હત્યા કરતા પણ જઘન્ય ગુનો, અનેકનું જીવન બરબાદ કરે છે :કોર્ટ

માત્ર ૨૫ હજારમાં પ્રશ્નો લીક થયા, કેટલાકને ગિફ્ટમાં ઘડિયાળ મળી

છત્તીસગઢમાં લોક સેવા આયોગની પરીક્ષામાં ગેરરિતી મુદ્દે સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયેલ પૂર્વ આઇએએસ અધિકારીની જામીન અરજીને ફગાવી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૮ ઓગસ્ટ ૨૦૨૬ — આ વર્ષે મે મહિનામાં નીટ-યુજીની પરીક્ષા લેવાઇ હતી જેનું પેપર ફૂટી ગયું હતું, આ મુદ્દે દેશભરમાં ભારે વિવાદ વચ્ચે તપાસ એજન્સી સીબીઆઇએ કોર્ટમાં ૯૪ પેજની ચાર્જશીટ દાખલ કરી છે જેમાં અનેક ખુલાસા કર્યા છે. એજન્સીએ કહ્યું છે કે પેપર લીકની આ ઘટના કોઇ એક બે વ્યક્તિ દ્વારા અંજામ આપવામાં નથી આવી, તેની પાછળ પરીક્ષાનું આયોજન કરનાર એનટીએના અંદરના લોકો, શિક્ષકો અને અનેક રાજ્યોમાં ફેલાયેલા સિન્ડિકેટ દ્વારા મળીને સંગઠીત રીતે અંજામ આપવામાં આવ્યો છે. જ્યારે પેપર લીકને લઇને છત્તીસગઢ હાઇકોર્ટે મોટું અવલોકન કર્યું છે અને કહ્યું છે કે પેપર લીક કરાવવું હત્યા કરતા પણ વધુ જઘન્ય અપરાધ છે.સીબીઆઇ દ્વારા નીટ પેપર લીકને લઇને વિગતવાર માહિતી કોર્ટને સોંપવામાં આવી છે. નીટ-યુજી પરીક્ષા યોજનારી નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા સુરક્ષાનું આયોજન કરવામાં મોટી ખામી રહી ગઇ હોવાનો ખુલાસો સીબીઆઇએ કર્યો છે. પેપર તૈયાર કરવા, ભાષાંતર સહિતની કામગીરી જે સ્થળે જઇ રહી હતી ત્યાં સીસીટીવી દ્વારા યોગ્ય રીતે મોનિટરિંગ નહોતું થયું. જ્યારે પેપર લીકને લઇને છત્તીસગઢ હાઇકોર્ટ દ્વારા મોટું અવલોકન કરાયું છે.છત્તીસગઢમાં લોક સેવા આયોગની પરીક્ષામાં ગેરરિતી મુદ્દે સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયેલ પૂર્વ આઇએએસ અધિકારીની જામીન અરજીને ફગાવતી વખતે હાઇકોર્ટે પેપર લીક મુદ્દે મોટું અવલોકન કર્યું હતું, હાઇકોર્ટે કહ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક કરાવવા હત્યાના ગુના કરતા પણ વધુ જઘન્ય ગુનો છે. પેપર લીક થવાથી લાખો ઉમેદવારોની કારકિર્દી બરબાદ થઇ જાય છે. સાથે જ સમાજ પર બહુ જ ખરાબ અસર કરે છે. દેશભરમાં પરીક્ષાના પેપર લીક મુદ્દે વિવાદ વચ્ચે હાઇકોર્ટ દ્વારા આ અવલોકન કરવામાં આવ્યું હતું સાથે જ પેપર લીક મુદ્દે ચિંતા પણ વ્યક્ત કરી હતી.બીજી તરફ સીબીઆઇએ કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં નીટ-યુજી પેપર કઇ રીતે લીક થયું તેની વિગતવાર માહિતી આપી છે. સીબીઆઇના જણાવ્યા મુજબ પેપર સેટની સમગ્ર કામગીરી ચાર મહત્વપૂર્ણ સ્ટેજમાંથી પસાર થાય છે. જેમાં આઇટમ રાઇટિંગ, મોડરેશન, ચકાસણી અને ભાષાંતરનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કા આઇટમ રાઇટિંગમાં નિષ્ણાતોને બોલાવવામાં આવે છે અને સવાલો તેમજ જવાબો રજુ કરવા કહેવામાં આવે છે. જોકે તેમના સવાલ જવાબ અંતિમ પેપરમાં સામેલ થશે કે કેમ તે ગુપ્ત રહે છે. બાદમાં એનટીએ દ્વારા ચાર સેટ તૈયાર કરાય છે જે માટે પ્રશ્નો આપવા નિષ્ણાતોને કહેવામાં આવે છે.ત્રીજો તબક્કો વેટિંગ એટલે કે ચકાસણીનો હોય છે. જેમાં વેટર્સ અને મોડરેટર્સના જવાબો મેચ કરાય છે. અંતિમ તબક્કો અંતિમ પેપરનું ભાષાંતર કરવા સાથે જોડાયેલો છે. આ તમામ તબક્કામાં ભારે સુરક્ષા રાખવી જરૂરી હોય છે. એનટીએએ કેટલાક નિષ્ણાતોને આ તમામ તબક્કામાં સામેલ કર્યા હતા જે મોટી ભુલ હતી, મોડરેશનથી લઇને પેપરના અંતિમ સેટ સુધી પહોંચવામાં આ લોકો સફળ રહ્યા હતા, કેટલાક નિષ્ણાતો ચારેય તબક્કામાં સામેલ હતા. આવુ કેમ થયું તેને લઇને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે શિક્ષકો દ્વારા પેપર લીક કરવામાં આવ્યા તેઓને સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઘરે જવા, કોચિંગ ક્લાસ ચલાવવા સહિતની છૂટ અપાઇ હતી. તેઓએ જ સૌથી પહેલા પ્રશ્નોની ચિઠ્ઠી બનાવી લીધી કે યાદ રાખી લીધા અને બાદમાં પોતાના ખાસ વિદ્યાર્થીઓને પ્રશ્નોની સાથે જવાબો પણ આપ્યા હતા.

Related posts

એમેઝોન બ્યુટીવર્સ 2026 તેના અત્યાર સુધીની સૌથી મોટી સૌંદર્ય ઉજવણી તરીકે સમાપ્ત થયો

Master Admin

આગામી બે દિવસમાં ૨-૩ ડિગ્રી વધશે તાપમાન

Master Admin

ભારત સરકારના એક્શનથી ઘૂસણખોરોમાં ફફડાટ ફેલાયો

Master Admin

Leave a Comment

Translate »