Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

મોંએ મીઠા, મનના મેલાઃ મથાળાં અને તળિયાં વગરના લોકોથી સાવધાન!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

હીરાની પરખ તેના પાસાં પરથી થાય છે. ખાણમાંથી કોલસાની સાથે નીકળતો હીરો મૂળ રૂપે બેડોળ હોય છે. ઝવેરી તેને ઘસે છે, તેને મથાળું આપે છે, તળિયું આપે છે, ત્યારે તે લાખોની કિંમતનો બને છે. જે હીરાને મથાળું-તળિયું નથી, તે હીરો નથી, તે માત્ર કાચનો ટુકડો છે.

આ નિયમ હીરાનો જ નથી, માણસનો પણ છે. માણસની કિંમત પણ તેના મથાળા-તળિયા એટલે કે તેના સિદ્ધાંત અને સ્ટેન્ડ પરથી થાય છે. જે માણસને પોતાનો કોઈ સિદ્ધાંત નથી, પોતાનું કોઈ તળિયું નથી, તે માણસ ભરોસાપાત્ર નથી.
આવા મથાળા-તળિયા વગરના લોકોને હું ત્રણ ભાગમાં વહેંચું છું.

પહેલો પ્રકારઃ બે મોઢાળા ઝેરી – ચાટુ લોકો. આ લોકો મોંએ મીઠા, મેલા અને મીંઢા હોય છે. તેમનું મોં કંઈક બોલે અને મનમાં કંઈક બીજું જ હોય. દિલના ભોળા દેખાય, પણ મનના મેલા હોય. પેટમાં હળાહળ ઝેર ભર્યું હોય. તેઓ તમારી સામે તમારા વખાણ કરશે અને તમારી પીઠ પાછળ તમારી જ નિંદા કરશે. તેમનાથી સાવધાન રહેવું. કારણ કે સાપનો ઝેર તેના દાંતમાં હોય છે, પણ આવા માણસનું ઝેર તેની જીભમાં અને મનમાં હોય છે.

બીજો પ્રકારઃ પાંચ મિનિટે પલટી મારનારા. આ લોકોને કોઈ વ્યક્તિ તાર્કિક કારણ વગર એકદમ સારી લાગતી હોય અને પાંચ મિનિટ પછી એ જ વ્યક્તિને તેઓ ગાળ દઈને ધિક્કારતા થઈ જાય. તેમની પાસે કોઈ સ્થિર બુદ્ધિ નથી. સવારે કહે આ માણસ દેવતા છે, સાંજે કહે આ માણસ રાક્ષસ છે. તેમના મનનું કોઈ ઠેકાણું નથી. આવા અસ્થિર મનના માણસો ક્યારેય કોઈનું ભલું કરી શકતા નથી, કારણ કે તેમને પોતાનું જ ભલું શેમાં છે તે ખબર નથી.

ત્રીજો પ્રકારઃ સ્ટેન્ડ વગરના સોદાગર. આ સૌથી મોટો વર્ગ છે. તેમની સાથે જો તમે સુરતથી ચાર ધામની જાત્રાએ નીકળો તો અંકલેશ્વર સ્ટેશન સુધીમાં ક્યાં તો એ ઉતરી પડે અથવા તમારે ઉતરી પડવું પડે. કારણ કે તેમનો કોઈ સ્ટેન્ડ જ નથી હોતો. આજે આ પક્ષમાં, કાલે પેલા પક્ષમાં. આજે આ વિચાર, કાલે પેલો વિચાર. જાહેર જીવનમાં આવા લોકો ઘણા જોવા મળે છે. એક અગ્રણી દૈનિકના તંત્રી મહોદય પોતાના અગ્રલેખના પાંચમા વાક્યમાં લખે કે પાકિસ્તાન સાથે તાત્કાલિક યુદ્ધ કરી લેવું જોઈએ અને આઠમા વાક્યમાં લખે કે પાકિસ્તાન સાથે યુદ્ધનો વિચાર પણ કરવો ન જોઈએ! વાચક મૂંઝાઈ જાય.

એક સાહિત્યકારની વાત છે. અપરિણીત હતા. સાંજે પાંચ વાગ્યે પરણવાની વાત કરે, સવા પાંચે સાધુ થવાની વાત કરે અને પાંચને વીસે બીજાને કહે કે મારે લાયક કોઈ છોકરી હોય તો કહેજો! સેશન્સ કોર્ટમાં એક વકીલ પોતાના અસીલને બચાવવા એટલી બધી દલીલો કરે કે ગાડી આડે પાટે ચડી જાય અને અસીલને સજા થઈ જાય.

તાત્પર્ય એ જ છે કે, આવા મથાળા-તળિયા વગરના લોકોથી સમાજે સાવધાન રહેવું. કથાકારો કથા કરતા કરતા ફિલ્મી વાતોને રવાડે ચડી જાય, નેતાઓ સિદ્ધાંતો બદલી નાખે. જે માણસ પોતાના જીવનનું મથાળું-તળિયું નક્કી નથી કરી શક્યો, એ તમારા જીવનનું શું નક્કી કરશે?

અંતે એક જ વાત – હીરો લેવો હોય તો પાસાંવાળો લો, માણસનો સંગ કરવો હોય તો મથાળા-તળિયાવાળાનો કરો! આવા બે મોઢાળા ઝેરી લોકોથી સો ગાઉ દૂર રહો!

Related posts

પેટમાં ચૂંક આવવી આયુર્વેદિક ઉપાયો

Master Admin

દિલ્હી ફરી શરમજનકઃ નિર્ભયા પછી પણ મહિલાઓ પર અત્યાચાર કેમ ચાલુ છે?

Master Admin

AstaGuru to Present ‘Unveiling Legacies’—A Grand Preview of Modern Indian Art in Ahmedabad

Reporter1

Leave a Comment

Translate »