Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

શ્રાદ્ધ પક્ષે માતા સીતાએ કરેલું પિંડદાનઃ સુરત સાથેનો નાતો!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

પિતૃપક્ષ એટલે શ્રદ્ધાનો પક્ષ. જ્યારે દીકરો પિતાને પિંડદાન કરે ત્યારે પિતાની આત્માને મોક્ષ મળે તેવી માન્યતા છે. પણ શું દીકરી કે વહુ પિંડદાન કરી શકે? હા, કરી શકે, અને તેનું સૌથી મોટું ઉદાહરણ સીતા માતા છે.

સુરત સાથે આ કથાનો સીધો નાતો છે. એવું કહેવાય છે કે કતારગામ પાસે આવેલા ભરતેશ્વર મહાદેવ મંદિરમાં ભરતે પિતા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું. ભરતેશ્વર મહાદેવ ત્રેતાયુગના છે. તાપી કિનારે આજે પણ લોકો પિંડદાન કરવા આવે છે. પણ મૂળ કથા ગયાજીની છે, જે વાલ્મીકિ રામાયણ અને ગયા માહાત્મ્યમાં આવે છે.

રાજા દશરથના મૃત્યુ પછી ભરત અને શત્રુઘ્ને અયોધ્યામાં વિધિ તો કરી, પણ દશરથનો જીવ રામમાં હતો. રામ વનવાસમાં હતા. વનવાસ દરમિયાન એક વાર રામ, લક્ષ્મણ અને સીતા પિતૃપક્ષમાં ગયાજી પહોંચ્યા. ગયાજી એટલે મોક્ષની ભૂમિ. અહીં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને સીધો મોક્ષ મળે છે.

ગયામાં પહોંચીને રામ અને લક્ષ્મણે સીતાને ફાલ્ગુ નદી કિનારે બેસાડ્યા અને પોતે શ્રાદ્ધની સામગ્રી – કુશ, જવ, તલ, મધ લેવા નગરમાં ગયા. બપોર થવા આવી. શ્રાદ્ધનું મુહૂર્ત વીતી રહ્યું હતું. એવામાં ફાલ્ગુ નદીના કાંઠે સીતાજી એકલા બેઠા હતા ત્યાં તેમને એક અવાજ સંભળાયો.

રેતીમાંથી રાજા દશરથની આત્મા પ્રગટ થઈ. દશરથે કહ્યું – “વહુ બેટા, મારી પાસે સમય નથી, સૂર્ય માથે આવી ગયો છે. રામ આવે ત્યાં સુધીમાં મુહૂર્ત વીતી જશે. તું જ મારું પિંડદાન કરી દે.”

સીતાજી મૂંઝાયા. સ્ત્રી પિંડદાન કેવી રીતે કરે? પણ સાસરાની આજ્ઞા એટલે ધર્મ. સીતાએ તરત જ ફાલ્ગુ નદીની રેતીના ત્રણ પિંડ બનાવ્યા. ત્યાં હાજર પાંચને સાક્ષી બનાવ્યા – ફાલ્ગુ નદી, એક ગાય, તુલસીનો છોડ, અક્ષય વટવૃક્ષ અને એક સ્થાનિક બ્રાહ્મણ. સીતાએ મંત્રો સાથે પિંડદાન કર્યું. દશરથની આત્માએ પિંડ સ્વીકાર્યા અને સીતાને આશીર્વાદ આપી મોક્ષ પામ્યા.
થોડી વારમાં રામ-લક્ષ્મણ સામગ્રી લઈને આવ્યા. સીતાએ બધી વાત કરી. પણ રામને વિશ્વાસ ન આવ્યો. તેમને થયું કે સીતા કદાચ ભ્રમમાં છે. રામે કહ્યું – “જો તેં પિંડદાન કર્યું હોય તો તારા સાક્ષીઓને બોલાવ.”

સીતાએ પાંચે સાક્ષીઓને બોલાવ્યા. પણ રામના ક્રોધ અને તેજથી ડરીને ચાર સાક્ષીઓ ફરી ગયા. ફાલ્ગુ નદી બોલી – “મેં કંઈ જોયું નથી.” ગાય બોલી – “મને ખબર નથી.” તુલસી બોલી – “મેં કંઈ જોયું નથી.” બ્રાહ્મણ લોભમાં જૂઠું બોલ્યો – “કંઈ થયું જ નથી.”
માત્ર અક્ષય વટવૃક્ષ સત્ય પર રહ્યો. તેણે કહ્યું – “હા, મેં જોયું છે. સીતા માતાએ જ દશરથનું પિંડદાન કર્યું છે અને મેં તેમની આત્માને પિંડ લેતા જોઈ છે.”

આ સાંભળીને સીતાજીને ભારે ક્રોધ આવ્યો. સ્ત્રીના સત્યને નકારનારને સજા મળવી જોઈએ. સીતામાતાએ તરત જ શ્રાપ આપ્યા.

૧. ફાલ્ગુ નદીને શ્રાપઃ “તું અહીં ગયામાં ઉપરથી વહેતી બંધ થઈ જઈશ. તારું પાણી ધરતીની અંદર અંતઃસલિલા વહેશે.” આજે પણ ફાલ્ગુ નદી ગયામાં ઉપર સુકી દેખાય છે, અંદર પાણી વહે છે.

૨. ગાયને શ્રાપઃ “તું ગમે ત્યાં મોં મારીશ. તારું મોં અપવિત્ર ગણાશે. તારી પૂજા માત્ર પૂંછડા અને પાછળના ભાગની થશે.” એટલે જ ગાયની પૂજા પાછળથી થાય છે.

૩. તુલસીને શ્રાપઃ “તને ગયા ક્ષેત્રમાં કોઈ નહીં પૂજે, તું ગયામાં અપ્રિય રહીશ.”

૪. બ્રાહ્મણને શ્રાપઃ “તને ક્યારેય ધરવ નહીં થાય. તું ગયાનો બ્રાહ્મણ કહેવાઈશ, તું લોભી રહીશ. તને ગમે તેટલું દાન મળશે તોય તારી ભૂખ નહીં મટે.”

અને સત્ય બોલનારા અક્ષય વટને વરદાન આપ્યું – “તું અક્ષય રહીશ, અમર રહીશ. ગયામાં જે કોઈ શ્રાદ્ધ કરશે તેની ક્રિયા તારી પૂજા વગર અધૂરી રહેશે.”

આ કથાનો સાર એ છે કે પિંડદાન દીકરો જ કરે એવું જરૂરી નથી. ભાવ સાચો હોય તો વહુ પણ પિતાને મોક્ષ અપાવી શકે છે. સુરતના ભરતેશ્વર મહાદેવથી લઈને ગયાના અક્ષય વટ સુધી આ જ ભાવની પરંપરા આજે પણ જીવંત છે! જય સીયારામ!

Related posts

બંગાળનું ચૂંટણી પરિણામ રાષ્ટ્રવાદનો રણટંકાર છે.

Master Admin

SUD Life Launches Viksit Bharat and New India Leaders Funds to Play the India Growth Story and Create Wealth for Policyholders

Reporter1

North East Trade and Investment Roadshow in Ahmedabad to highlight Trade and Investment Opportunities in North Eastern Region Dr. Sukanta Majumdar, Hon’ble Minister of State, MDoNER, to attend the event

Reporter1

Leave a Comment

Translate »