Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

ભારતભરમાં પવિત્ર સ્વસ્તિકની યાત્રા: સનાતન ધર્મ માટે આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપુની યાત્રા

નવી દિલ્હી | ૦૮ ઓક્ટોબર ૨૦૨૬ | રામચરિતમાનસના પ્રખર કથાકાર અને આધ્યાત્મિક ગુરુ પૂજ્ય  મોરારી બાપુ ભારતભરમાં એક અનોખી આધ્યાત્મિક યાત્રા ‘ભારત સ્વસ્તિક યાત્રા’ પર પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે. આ યાત્રા દેશના સૌથી પવિત્ર અને સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ તીર્થસ્થળો તથા સ્થળોને એક આધ્યાત્મિક સૂત્રમાં જોડશે.

આ યાત્રાનું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 10થી 23 ઑક્ટોબર, 2026 દરમિયાન કન્યાકુમારીથી કેદારનાથ સુધી યાત્રા યોજાશે, જ્યારે બીજા તબક્કામાં 14થી 22 નવેમ્બર, 2026 દરમિયાન દ્વારકાથી જગન્નાથ પુરી સુધી યાત્રા કરવામાં આવશે.કન્યાકુમારી ખાતે યોજાનારા યાત્રાના ઉદ્ઘાટન સમારોહ અને પત્રકાર પરિષદમાં શૃંગેરી શારદા પીઠના શંકરાચાર્ય ઉપસ્થિત રહેશે. આ સાથે, ભારતની અગ્રણી આધ્યાત્મિક પરંપરાઓમાંની એકની ઉપસ્થિતિથી યાત્રાના પ્રારંભને વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ પ્રાપ્ત થશે.

ભારત સ્વસ્તિક યાત્રા તેની પ્રેરણા સ્વસ્તિકમાંથી લે છે, જે ભારતીય પરંપરાઓમાં શુભ અને સુખાકારીના પ્રાચીન અને વ્યાપકપણે માન્ય પ્રતીકોમાંનું એક છે. સ્વસ્તિક શબ્દ સ્વસ્તિ પરથી આવ્યો છે, જે સુખાકારી, કલ્યાણ અને શુભતા દર્શાવે છે. આ પ્રતીક સદીઓથી ભારતના આધ્યાત્મિક સિદ્ધાંતોનો એક ભાગ છે.

યાત્રા અંગે વાત કરતાં આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું હતું કે, “દિવ્ય ભારત, સેવ્ય ભારત, ભવ્ય ભારત અને નવ્ય ભારત — આ ચારેય સંકલ્પો અમારી યાત્રા દ્વારા અંકિત થનારા સ્વસ્તિકના ચાર ખૂણાઓનું પ્રતિનિધિત્વ કરશે.”

પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું હતું કે, આદિ શંકરાચાર્યે સનાતન ધર્મના માધ્યમથી ભારતના વિવિધ પ્રદેશોને એકતાના સૂત્રમાં બાંધવાના ભાવ સાથે સમગ્ર ભારતની યાત્રા કરી હતી. ભારતની ચારેય દિશાઓ એકબીજાથી અલગ નથી, પરંતુ એક અખંડ ભારતના અભિન્ન અંગો છે. સ્વસ્તિકની ચાર ભુજાઓ આ વ્યાપક એકતાની ભાવનાની સાથે રાષ્ટ્રીય એકીકરણના ઉદ્દેશ્યની પણ યાદ અપાવે છે. સનાતન ધર્મ એક શાશ્વત અને અવિરત પ્રવાહ છે—જે સદૈવ અસ્તિત્વમાં હતો, આજે પણ છે અને હંમેશાં અવિરત રહેશે.

કન્યાકુમારીથી શરૂ થનારી આ યાત્રાનો પ્રથમ તબક્કો ઉત્તરાખંડના કેદારનાથ ખાતે સમાપ્ત થતા પહેલાં કાલાડી, શૃંગેરી, હમ્પી, તુલજાપુર, ઓમકારેશ્વર, ઝાંસી, મથુરા, કુરુક્ષેત્ર, અટારી-વાઘા અને જમ્મુ સહિતના અનેક મહત્વપૂર્ણ કેન્દ્રોમાંથી પસાર થશે.

કુલ 900 ભક્તો ભારત સ્વસ્તિક યાત્રા દરમિયાન પૂજ્ય મોરારી બાપુની સાથે બે વિશેષ ટ્રેનો – કૈલાશ ભારત ગૌરવ ટ્રેન અને ચિત્રકૂટ ભારત ગૌરવ ટ્રેનમાં અનુક્રમે 22 કોચ અને 16 કોચ સાથે જશે.

‘ભારત સ્વસ્તિક યાત્રા’નો બીજો તબક્કો 14 નવેમ્બરે દ્વારકાથી શરૂ થશે અને ૨૨ નવેમ્બરે જગન્નાથ પુરી ખાતે સંપન્ન થશે. જગન્નાથ પુરી પહોંચતા પહેલાં આ યાત્રાના માર્ગમાં સોમનાથ, ડાકોર, ઉજ્જૈન, નાગપુર, ચંપારણ, માયાપુર અને કોલકાતા જેવાં મહત્વપૂર્ણ આધ્યાત્મિક સ્થળોનો સમાવેશ થશે.

સ્વસ્તિક યાત્રા દરમિયાન કાપવામાં આવતું અંતર 9000 કિલોમીટરથી વધુ હશે.

‘ભારત સ્વસ્તિક યાત્રા’ જીવનના વિવિધ ક્ષેત્રોના લોકોને એકત્રિત કરશે, જેમાં આધ્યાત્મિક ગુરુઓ, આચાર્યો, વિદ્વાનો, ઉદ્યોગપતિઓ, સમાજપતિઓ, સામાજિક અગ્રણીઓ અને સમુદાયના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

મદન પાલીવાલની સંતકૃપા સનાતન સંસ્થા દ્વારા ભારત સ્વસ્તિક યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનના વતની મદન પાલીવાલ આધ્યાત્મિક વલણ ધરાવતા ઉદ્યોગપતિ અને પરોપકારી છે.

મિરાજ ગ્રુપના ચેરમેન અને સંતકૃપા સનાતન સંસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી મદન પાલીવાલે જણાવ્યું હતું કે, “સનાતન ધર્મે હંમેશાં સહિયારી જીવનશૈલી અને મૂલ્યોના માધ્યમથી લોકોને એકબીજા સાથે જોડ્યા છે. વિવિધ પ્રદેશો અને જીવનના અલગ-અલગ ક્ષેત્રોમાંથી આવતા લોકોને એકસાથે લાવવા તથા એકતા અને રાષ્ટ્રીય એકીકરણની ભાવનાને વધુ મજબૂત બનાવવાની આ યાત્રા એક મહત્વપૂર્ણ અવસર છે. ‘સ્વસ્તિ’—અર્થાત્ કલ્યાણ અને મંગલના સંદેશ સાથેનું સ્વસ્તિક આ સહિયારી યાત્રાનું સુંદર પ્રતિનિધિત્વ કરે છે.”

મોરારી બાપુ માટે, જેમની રામકથા હંમેશાં સત્ય, પ્રેમ અને કરુણાના મૂલ્યો પર આધારિત રહી છે, આ યાત્રા પણ આ મૂલ્યોને સમગ્ર દેશ સુધી પહોંચાડવા અને લોકોને એકતાના સૂત્રમાં જોડવાની વધુ એક તક બની રહેશે.

યાત્રા દરમિયાન યોજાનારી રામકથા અને અન્ય સંલગ્ન કાર્યક્રમો સૌ માટે ખુલ્લા રહેશે. બાપુની સર્વસમાવેશકતા અને સેવાભાવની પરંપરાને અનુરૂપ, યાત્રાના દરેક સ્થળે દરરોજ ભંડારાનું આયોજન કરવામાં આવશે, જ્યાં સૌને પ્રસાદ સ્વરૂપે નિઃશુલ્ક ભોજન પીરસવામાં આવશે.

== સમાપ્ત ==

 

Related posts

પૂજ્ય મોરારી બાપૂએ તમામ નાગરિકોને મતદાનના અધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી

Reporter1

કોઈપણ પ્રકારની અભિલાષા છે ત્યાં સુધી જીવન શાંત નથી.

Master Admin

બધી જ વિદ્યા ગુરુપ્રસાદથી પ્રયાસ વગર પ્રાપ્ત થાય છે.

Master Admin

Leave a Comment

Translate »