સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩
માણ ભટ્ટ એટલે કોણ? લોકો સમજે છે થાળી વગાડીને ગાનારો. ના. અસલ માણ ભટ્ટ થાળી નથી વગાડતો. એ તાબાનો — તાંબાનો ઘડો વગાડે છે.
વિદ્યા શું છે?
ઘડાને ઊંધો વાળે. પેટ અને ઘૂંટણ વચ્ચે દબાવીને સ્થિર કરે. પછી બે હાથ નહીં, બે વીંટી વાગે. જમણા હાથની આંગળીમાં જાડી લોખંડ કે ચાંદીની અંગૂઠી. ડાબા હાથમાં વીંટી.
ઘડાના કાંઠા પર અંગૂઠીના ટોપથી ટકોરો મારે — તીણો સાદ નીકળે — ટિન… ટિન… જેને શાસ્ત્રમાં ’સાદ’ કહે છે. અને ઘડાના પેટાળની વચ્ચે હથેળીના દબાણ સાથે ટકોરો મારે — ઊંડો, ઘેરો નાદ નીકળે — ગુંમ… ગુંમ… જેને ’નાદ’ કહે છે.
સાદ અને નાદ — બંને એક જ ઘડામાંથી. આને લીધે માણ ભટ્ટને કોઈ સાજની જરૂર નથી. એ પોતે જ તબલું છે, પોતે જ પખવાજ છે, પોતે જ કથાકાર છે.
રાત આખી એ આ નાદ પર કથા કહે — રામાયણ, ભાગવત, નરસિંહના પ્રભાતિયા, પ્રેમાનંદના આખ્યાન. વચ્ચે વચ્ચે દોહા, વચ્ચે વચ્ચે ટકોરો.
મૂળ ક્યાંથી?
આ કળા ગુજરાતમાં બે ઠેકાણેથી આવી.
પહેલું જૂનાગઢ. નરસિંહ મહેતા પોતે માણ ભટ્ટ જેવા કથાકાર હતા. જૂનાગઢના ડુંગરોમાં, ગિરનારની તળેટીમાં આ ઘડાના તાલે ભજનો ગવાતા.
બીજું વડોદરા. રસકવિ પ્રેમાનંદ — જન્મ ૧૬૪૫ — એ આ કળાને શાસ્ત્ર બનાવ્યું. એ વડોદરાના હતા. પ્રેમાનંદે માણ પર આખ્યાનો ગાયા, લોકોને જોડ્યા. એટલે કહેવત પડી — જૂનાગઢે ભક્તિ આપી, વડોદરાએ વાણી આપી.
૪૦૦ વર્ષ સુધી આ પરંપરા ગુજરાતના ગામે ગામે જીવતી રહી. લગ્નમાં, નવરાત્રિમાં, શ્રાદ્ધમાં — માણ ભટ્ટ વગર કથા અધૂરી.
તો ખોવાઈ કેમ?
વડોદરાના પંડ્યા પરિવાર આજે આ કળાના છેલ્લા વારસદાર મનાય છે. એમણે જ કહ્યું છે — માણ ભટ્ટ બનતા સાત વર્ષ લાગે.
સાત વર્ષ કેમ? કારણ કે માત્ર ઘડા પર ટકોરા શીખવાથી માણ ભટ્ટ નથી બનાતું. સંસ્કૃત શીખવું પડે, પુરાણો કંઠસ્થ કરવા પડે, રાગનું જ્ઞાન લેવું પડે, અને વીંટીના ટકોરાનો રિયાઝ કરવો પડે — એટલો કે વીંટી ઘસાઈ જાય પણ સૂર ફાટે નહીં.
આજે કોને સાત વર્ષ છે? બધાને એક વર્ષમાં સ્ટેજ, યુટ્યુબ, માઈક જોઈએ છે. ઘડાની જગ્યાએ પેડ આવ્યું, વીંટીની જગ્યાએ સ્ટીક આવી.
દક્ષિણમાં ઘટમને સન્માન મળે છે, ગુજરાતમાં માણને કોઈ પૂછતું નથી.
શું બચ્યું?
તાબાનો ઘડો તો આજે પણ દરેક રસોડામાં છે. વીંટી પણ દરેક આંગળીમાં છે. પણ એ બેને જોડીને નાદ કાઢનારો હાથ નથી!
ખેર, માણ ભટ્ટ ખોવાયા નથી! એમનો ટકોરો આપણા કાનમાંથી ખોવાયો છે! એ પાછો લાવવો પડશે!(
