સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩
ભારતમાં બે રામ છે. એક રામ જે માફ કરે છે, બીજો રામ જે તીર ઉપાડે છે. ગાંધી પહેલા રામનો હતો, નથુરામ બીજા રામનો.
ભાગ ૧ઃ ગાંધી — ફકીર જેણે કરોડોને જગાડ્યા
મોહનદાસ ગાંધી વકીલ હતા. દક્ષિણ આફ્રિકામાં અપમાન થયું અને ફકીર બની ગયા. તેણે નવી ટેકનિક શોધી — સત્યાગ્રહ.
તેમનું લોજિક — અંગ્રેજ પાસે બંદૂક છે, આપણી પાસે નથી. બંદૂકથી લડશું તો હારશું. એટલે તેમને નૈતિક રીતે હરાવો. અસહકાર, દાંડી કૂચ, ભારત છોડો — બધા એ જ પ્રયોગો હતા.
તેમનો સિદ્ધાંત — જેવું સાધન, એવું જ પરિણામ. હિંસાથી લીધેલી આઝાદી હિંસક જ રહેશે.
પણ તેમની સૌથી મોટી ભૂલ વિરોધીઓને ત્યાં દેખાય છે. ભગતસિંહ ફાંસી પર ગયા ત્યારે ગાંધીએ વાઇસરોયને પત્ર લખ્યો પણ આંદોલન રોક્યું નહીં. સુભાષ બોઝ સાથે તેનું ક્યારેય બન્યું નહીં. અને ભાગલા — તે ભાગલા રોકી શક્યા હોત, પણ તેમનું હથિયાર ઉપવાસ ત્યાં કામ ન આવ્યું.
તેમની ૫૫ કરોડવાળી વાતને લોકો આજે પણ નથી પચાવી શકતા. ભારત-પાકિસ્તાન યુદ્ધ ચાલતું હોય ત્યારે પાકિસ્તાનને પૈસા આપવા — આ કોઈ પણ રાષ્ટ્રવાદીને ખૂંચે.
ભાગ ૨ઃ નથુરામ — જે ગાંધીને પ્રેમ કરતો હતો
નથુરામ ગોડસે ગાંધીનો નફરત કરનારો નહોતો. શરૂઆતમાં તે ગાંધીવાદી હતો. પૂનામાં રહેતો, અખબાર ’હિંદુ રાષ્ટ્ર’ ચલાવતો.
કોર્ટમાં તેનું ૧૦૦ પાનાનું નિવેદન આજે પણ તમને હચમચાવી દે.
તેની ત્રણ આગ —
૧. અહિંસા એકતરફી કેમ?
નોઆખલીમાં હિંદુઓની કત્લેઆમ થઈ, ગાંધી ત્યાં ગયા અને હિંદુઓને કહ્યું — મરો પણ બદલો ન લો. નથુરામ પૂછે છે — સહન કરવાની પણ કોઈ હદ ખરી?
૨. તુષ્ટિકરણઃ
ખિલાફત આંદોલન — તુર્કીના ખલીફા માટે ભારતના મુસ્લિમો લડતા હતા, ગાંધીએ તેને ટેકો આપ્યો. શા માટે? જેથી હિંદુ-મુસ્લિમ એકતા થાય. પણ એકતા થઈ નહીં, મુસ્લિમ લીગ વધુ મજબૂત થઈ.
૩. અખંડ ભારતઃ
નથુરામ માટે અખંડ ભારત ધર્મ હતો. તે માનતો હતો ગાંધીમાં તાકાત હતી ભાગલા રોકવાની. તેણે ભાગલા વખતે ઉપવાસ નથી કર્યા, પણ પાકિસ્તાનને પૈસા અપાવવા માટે કર્યા. આ દગો હતો.
એટલે તેણે નક્કી કર્યું — ગાંધી વ્યક્તિ નથી, વિચાર છે. વિચારને મારવા માટે વ્યક્તિને મારવો પડશે.
ભાગ ૩ઃ આજે કોણ જીતે છે?
આ સવાલનો જવાબ આપવો અઘરો છે.
જ્યારે દેશમાં હિંદુ-મુસ્લિમ રમખાણ થાય છે, ત્યારે દરેક નેતા ગાંધીની સમાધિ પર જાય છે.
જ્યારે સરહદ પર જવાન શહીદ થાય છે, ત્યારે એ જ દેશ કહે છે — હવે ગાંધીગીરી નહીં ચાલે.
હકીકત એ છે — ગાંધીને મારવાથી ગાંધી નથી મર્યો. અને ગાંધીને પૂજવાથી નથુરામના સવાલો નથી મર્યા.
ગાંધી જોઈએ છે દિલમાં શાંતિ રાખવા માટે.
નથુરામનો સવાલ જોઈએ છે દેશને સુરક્ષિત રાખવા માટે.
ભારતને બંને જોઈએ છે — એક હાથમાં માળા અને બીજા હાથમાં લાઠી. જો એક જ હાથ રહેશે તો દેશ લંગડો થઈ જશે.
અંત — બે રામ
ગાંધીનો રામ — હે રામ, બધાને માફ કરજો.
નથુરામનો રામ — હે રામ, અખંડ ભારત અમર રહે.
તમારે કયો રામ જોઈએ છે, એ તમારે નક્કી કરવાનું છે!
