Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

‘અમે ટ્રમ્પને મારી નાખીશું’, ઈરાને બેનર લગાવી આપી ખુલ્લી ધમકી

તેહરાનમાં ટ્રમ્પ વિરુદ્ધ ધમકીભર્યાં હોર્ડિંગ્સ લાગ્યાં

તેહરાનના એન્ગેલાબ અને તજરીશ સ્ક્વેરમાં ટ્રમ્પ સહિત અમેરિકી નેતાઓ વિરુદ્ધ હિંસક ચિત્રો લગાવાયાં

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૪ નવેમ્બર ૨૦૨૬ — ઈરાનની રાજધાની તેહરાનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ધમકીભર્યાં હોર્ડિંગ્સ અને પેઇન્ટિંગ્સ લગાવવામાં આવ્યાં છે. એક હોર્ડિંગ પર સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, ‘અમે ટ્રમ્પને મારી નાખીશું.’ અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ઈરાનમાં ટ્રમ્પ વિરુદ્ધ આ પ્રકારનાં પ્રદર્શનો સામે આવ્યાં છે. ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના મોત બાદ ટ્રમ્પ વિરુદ્ધનો વિરોધ વધુ તીવ્ર બન્યો છે. તેહરાનના વ્યસ્ત એન્ગેલાબ સ્ક્વેર પર લગાવવામાં આવેલા એક હોર્ડિંગમાં ટ્રમ્પને જેલના સળિયા પાછળ માથું ઝુકાવીને ઊભેલા દર્શાવવામાં આવ્યા છે. આ માધ્યમથી ઈરાને અમેરિકાના પ્રમુખ વિરુદ્ધ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. ઈરાનમાં સરકારના સમર્થનથી યોજાતા પ્રદર્શનોમાં પણ ખામેનેઈના મોતનો બદલો લેવાની માગ ઊઠી રહી છે.તેહરાનમાં લગાવવામાં આવેલા અન્ય એક હોર્ડિંગમાં ટ્રમ્પની સાથે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ, અમેરિકાના વિદેશદૂત સ્ટીવ વિટકોફ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને દર્શાવવામાં આવ્યા છે. ચારેયના ચહેરા લોહીથી ખરડાયેલા અને કપડાં ફાટેલી હાલતમાં બતાવવામાં આવ્યા છે. પૃષ્ઠભૂમિમાં અમેરિકા અને ઇઝરાયલના ક્ષતિગ્રસ્ત ધ્વજ પણ દર્શાવાયા છે. આ હોર્ડિંગ્સ દ્વારા ખામેનેઈના મોતનો બદલો લેવાનો સંદેશ આપવામાં આવ્યો છે.તેહરાનના ઉત્તરી વિસ્તારમાં આવેલા તજરીશ સ્ક્વેરમાં ખુલ્લું પ્રદર્શન યોજીને ટ્રમ્પ વિરોધી અભિયાનને આગળ વધારવામાં આવ્યું છે. અહીં મૂકવામાં આવેલી કેટલીક પેઇન્ટિંગ્સમાં ટ્રમ્પને અપમાનજનક અને હિંસક સ્થિતિમાં દર્શાવવામાં આવ્યા છે. એક પેઇન્ટિંગમાં ટ્રમ્પ જમીન પર પડેલા છે અને તેમનો ચહેરો લોહીથી ખરડાયેલો છે. અન્ય એક પેઇન્ટિંગમાં બોમ્બથી તેમનો ચહેરો ઢંકાયેલો દર્શાવવામાં આવ્યો છે. આ પ્રદર્શનની નજીક જેલની કોટડીની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે. તેમાં ટ્રમ્પ જેવા દેખાતા એક અભિનેતાને આખો દિવસ રાખવામાં આવે છે. તેની બાજુમાં આવેલી સ્ક્રીન પર ઈરાનમાં અમેરિકાના હુમલાથી થયેલી તબાહીનાં દૃશ્યો દર્શાવવામાં આવે છે.ટ્રમ્પ વિરુદ્ધનાં આ હોર્ડિંગ્સ એવા સમયે સામે આવ્યાં છે, જ્યારે અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણી બાદ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર નવા હુમલાની તૈયારીઓના અહેવાલો સામે આવ્યા છે. અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકા અને તેના સહયોગી દેશો નવા સૈન્ય હુમલાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ, સંભવિત હુમલાની આશંકાને પગલે ઈરાને પણ પોતાની પરમાણુ સુવિધાઓની સુરક્ષા વધારી છે. ઈરાનમાં અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ આ પ્રકારનાં હોર્ડિંગ્સ અને દીવાલો પરનાં ચિત્રો અગાઉ પણ જોવા મળ્યાં છે. ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિ બાદથી ઈરાનમાં જાહેર સ્થળોએ સરકારના સમર્થનથી મોટાં હોર્ડિંગ્સ અને પેઇન્ટિંગ્સ મૂકવામાં આવે છે. આ માધ્યમથી સહયોગી દેશો અને સૈન્ય અધિકારીઓનું સન્માન કરવાની સાથે અમેરિકા અને ઇઝરાયલ જેવા વિરોધી દેશોને નિશાન બનાવવામાં આવે છે.

Related posts

ટેરિફ સામે અમેરિકાના ૨૫ રાજ્યોએ કોર્ટમાં અરજી કરી

Master Admin

ઇરાન શરતો ન સ્વીકારે તો બોમ્બ વરસાવીશુંઃ ટ્રમ્પ

Master Admin

ટેક્સાસમાં ભયાનક વિમાન દુર્ઘટનાઃ ખેલાડીઓને લઈ જતું પ્લેન તૂટી પડ્યું

Master Admin

Leave a Comment

Translate »