Nirmal Metro Gujarati News
editorial

તંત્રીની કલમે….

ભારતનું નાક કાપી અપશુકન કરાવવા સદાય તત્પર પાકિસ્તાન સરકારે રાજકારણમાં રમતની સેળભેળ કરી આઇસીસીની ટી-૨૦ વર્લ્ડકપ સ્પર્ધામાં ભારત સામે લીગ મેચમાં ન રમવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એક જ રાગ આલાપી રહ્યું છે, અમારો નિર્ણય પાકિસ્તાન સરકારની પરવાનગી પર અવલંબે છે. સૌ જાણે છે કે, પાકિસ્તાન આ અવળચંડાઈ બાંગલાદેશને આ સ્પર્ધામાંથી બાકાત કરી નખાયું એના પગલે કરી રહ્યું છે. અમે ભારતની ધરતી પર રમવા નહીં જઈએ, અમારા ખેલાડીઓ સામે ત્યાં સુરક્ષાનું જોખમ છે, એવું કારણ ધરી આ પહેલાં બાંગલાદેશની સરકારે આઇસીસીને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આઇસીસીએ બાંગલાદેશને વર્લ્ડકપમાંથી બાદ કરી નાખ્યું.

બાંગલાદેશ અને પાકિસ્તાન બંને દેશમાં કટ્ટરવાદી ઇસ્લામિક તત્ત્વો અત્યારે સક્રિય છે અને બંને દેશની સરકારોની વચ્ચે નિકટતા અને સૈન્ય વચ્ચે સહકાર જોતાં પાકિસ્તાન સરકારનું આ પગલું બાંગલાદેશની પડખે અમે મક્કમપણે ઊભા છીએ એ દેખાડવા માટે જ છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ રમાયેલી એશિયા કપ સ્પર્ધામાં ભારતીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાની પ્લેયર્સ સાથે હસ્તધૂનન કરવાનું ટાળ્યું હતું અને ફાઈનલ મેચમાં આ બાબતને લઈને પીસીબીના ચેરમેન મોહસીન નક્વી વિજયી ભારતીય ટીમની ટ્રોફી લઈને મેદાનમાંથી નીકળી ગયા હતા. ભારતીય ક્રિકેટરોનો એ નિર્ણય લાગણીથી પ્રેરિત હતો, પણ પાકિસ્તાન બોર્ડના વડા અને સરકારમાં મંત્રીપદ સંભાળતા નક્વીએ જે કંઈ કર્યું એ મૂર્ખામી હતી અને ભારત સામેની મેચનો બહિષ્કાર કરવો એ આનું પુનરાવર્તન જ છે. ભારતીય ઉપખંડમાં ક્રિકેટ અને રાજકારણને એકમેકથી અલગ રાખી શકવાનું શક્ય નથી અને ક્રિકેટ બોર્ડની ભૂમિકા સરકારના નિર્ણયને અમે અનુસરશું એવી હોય છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિ જોતાં બંને દેશના બોર્ડ અને આઇસીસી વચ્ચે સમજૂતી થઈ હતી કે, બહુરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારત કે પાકિસ્તાનને એકમેકની ધરતી પર રમવું ન પડે એ માટે હાઈબ્રિડ વ્યવસ્થા એટલે ત્રીજા જ કોઈ દેશમાં આ બંને વચ્ચેની મેચ યોજાય એવી વ્યવસ્થા કરાઈ છે. જે અંતર્ગત ભારત પાકિસ્તાનની મેજબાનીમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની બધી મેચ દુબઈમાં રમ્યું હતું. તેમજ ટી-૨૦ વર્લ્ડકપની મેચો એ રીતે ગોઠવવામાં આવી છે કે, પાકિસ્તાનની બધી જ મેચો શ્રીલંકામાં રમાય. આ સમજૂતી-ગોઠવણ છતાં પાકિસ્તાન સરકાર આડોડાઈ પર ઊતરી આવી છે. સવાલ એ પણ છે કે, લીગ તબક્કાની મેચમાં ભારત સામે રમવાનો બહિષ્કાર કરાયો છે, પણ જો પાકિસ્તાન સેમિ-ફાઈનલમાં પહોંચ્યું અને સામે ભારત હશે, તો તેઓ શું એ મેચ પણ નહીં રમે? આ બધામાં છેવટે નુકસાન તો પાકિસ્તાની ક્રિકેટ અને ક્રિકેટરોનું થશે, પણ નબળી સરકાર અને લશ્કરશાહી પાસેથી બીજી આશા પણ શું રાખી શકાય?

Related posts

૪૦ દિવસમાં ન્યાય : બળાત્કારીને ફાંસીની સજા અને ન્યાયતંત્રની સજાગતા

Master Admin

કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ઃ આર્થિક સંતુલન અને સામાન્ય માનવીની આશાઓની કસોટી

Master Admin

કોર્પોરેટ ઈન્ડિયાનાં મજબૂત ત્રિમાસિક પરિણામો : આર્થિક તેજીનો સંકેત

Master Admin

Leave a Comment

Translate »