વડોદરામાં ભાજપે બે નેતાને હાંકી કાઢ્યા
નવસારી બાદ સુરત ભાજપમાં પણ ભડકો થયો છે, સુરતમાં આદિવાસી મોરચાના મંત્રી ગણપત રાઠોડે રાજીનામું ધરી દીધું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો થયો છે. આ ભડકો એક દિશાએથી નહિ, પંરતુ ચારે દિશાઓથી થઈ રહ્યો છે. ભાજપમાં આંતરિક જુથવાદને કારણે નારાજગી અને રાજીનામાની મોસમ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પહેલા રિસામણાનું રાજકારણ જોવા મળ્યું છે. એક તરફ જલાલપોરમાં ભાજપના નેતાઓ જંગે ચઢ્યા છે, અને ધડાધડ રાજીનામા આપી રહ્યાં છે. તો બીજી તરફ, સુરતમાં પણ રાજીનામાનો ચેપ લાગ્યો છે. આવામાં વડોદરા ભાજપે બે નેતાઓને હાંકી કાંઢ્યા છે.
નવસારીમાં ભાજપને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જલાલપોર તાલુકા સંગઠનના હોદ્દેદારો એક પછી એક રાજીનામા ધરી રહ્યાં છે. જલાલપોર તાલુકાની અવગણના થઈ હોવાના આક્ષેપ સાથે કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી છે. જલાલપોરથી તબક્કાવાર રાજીનામા પડી રહ્યાં છે. આ સાથે જ રાજીનામાનો આંક ૨૨ પર પહોંચ્યો છે. આગામી સમયમાં ૧૦૦ થી વધુ રાજીનામાંની સંભાવના દેખાઈ રહી છે.
નવસારી જિલ્લા ભાજપનું સંગઠન જાહેર થતા જલાલપોર તાલુકાના પદાધિકારીઓમાં નારાજગી જોવા મળી હતી. જોકે ભાજપ સંગઠનમાં મહામંત્રીના પદને લઈ મથામણ ચાલી હતી અને તેના કારણે સંગઠનની જાહેરાત મોડી થઈ હતી. પરંતુ નવા સંગઠનની જાહેરાત પણ જિલ્લા ભાજપના આંતરિક વિખવાદને બહાર ખેંચી લાવી છે. સંગઠન જાહેર થયાના બીજા જ દિવસે નવનિયુક્ત ઉપપ્રમુખ, મંત્રી તેમજ બે મોરચાના મહામંત્રીઓએ પોતાના પદ પરથી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહને ટેલીફોનિક વાત કરી સામુહિક રાજીનામા તેમના ટેબલ પર મૂકી દીધા હતા. ત્યારબાદ જલાલપોર તાલુકાના બે મહામંત્રીઓએ તેમજ મહિલા મોરચાના નવનિયુક્ત મહામંત્રીએ પણ પોતાના પદ પરથી રાજીનામાં ધરી દીધા હતા. જેનો આંક હવે ૨૨ પર પહોંચી ગયો છે. જિલ્લા ભાજપ દ્વારા જલાલપોર તાલુકાના કર્મઠ કાર્યકર્તાઓને વર્ષોથી અન્યાય થતો હોવાનો રાગ છેડ્યો હતો. ખાસ કરીને જિલ્લામાં જલાલપોરના કોઈ કાર્યકરને ન તો જિલ્લા પ્રમુખ બનાવાયા કે ન તો મહામંત્રી તરીકે કામગીરી સોંપવામાં આવી છે. આ વખતે પણ મહામંત્રીના પદની આશા હતી. ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો થઈ, પરંતુ અંતે જલાલપોરના ભાગમાં નારાજગી આવતા એક પછી એક સામૂહિક રાજીનામાનો દોર શરૂ થયો છે. જિલ્લા ભાજપ અને જલાલપોર ભાજપ વચ્ચે અગાઉથી જ ખટરાગ ચાલી રહ્યો હતો. જેમાં મહત્વના પદ ઉપર નિમણૂંક ન મળતા જલાલપોરના કર્મઠ કાર્યકરો અકળાયા છે અને હવે એક પછી એક સામૂહિક રાજીનામાં ધરી રહ્યા છે. જોકે તેઓ ભાજપ સાથે જ જોડાયેલા છે અને જોડાયેલા રહેશેની લાગણી પણ વ્યક્ત કરી હતી. વડોદરામાં ભાજપે વોર્ડ પ્રમુખ અને મહામંત્રીના રાજીનામા લઈ લીધા છે. વોર્ડ ૮ ભાજપના પ્રમુખ વિપુલ બારોટ અને મહામંત્રી વિજય ચાવડાનું રાજીનામું લેવાયું છે.
બંને નેતાઓને ભાજપે રાજીનામું આપવા સૂચના આપતાં રાજીનામું આપવાનું હોવાનું જાણવા મળ્યું છે. રાજીનામામાં અંગત કારણોસર રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરાયો છે. એટલું જ નહિ, કરોડિયાની જમીન અને આકારણી વિવાદમાં રાજીનામું લેવાયું હોવાની ચર્ચા ભાજપના ખેમામાં વહેતી થઈ છે. ભાજપ મહામંત્રી વિજય ચાવડાએ પાદરાના વ્યક્તિને કરોડિયાની જમીન અપાવી હતી. જેની દલાલી પેટે લાખો રૂપિયા લીધા હતા. જમીનની દલાલીમાં ભાજપ કાર્યકર સાથે માથાકૂટ થતા સમગ્ર વિવાદ સામે આવ્યો હતો.
નવસારી બાદ સુરત ભાજપમાં પણ ભડકો થયો છે. સુરતમાં આદિવાસી મોરચાના મંત્રી ગણપત રાઠોડે રાજીનામું ધરી દીધું છે. તેઓએ બારડોલી તાલુકા ભાજપ સંગઠન પર ગંભીર આક્ષેપો કરીને પક્ષના તમમ સભ્યપદથી રાજીનામા આપી દીધા છે. ત્યારે આ કારણથી સુરત ભાજપમાં રાજકારણ ગરમાયું છે. તેઓએ કહ્યું કે, સંગઠનની ટીમ દ્વારા સતત અવગણના કરવામાં આવતી હતી અને ભેદભાવ રાખવામાં આવતો હતો. આટલી પ્રતિકૂળતાઓ હોવા છતાં એક કાર્યકર તરીકે પોતાની જવાબદારી નિભાવી હતી. પરંતુ પક્ષના આંતરિક વલણથી કંટાળીને અંતે છેડો ફાડવાનો નિર્ણય લીધો છે. ભાજપની હાલ ચારે ખાન ચિત્ત જેવી થઈ છે. ભાજપમાં આંતરિક જુથવાદ વકરી રહ્યો છે. આવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, આવામાં ભાજપના કાર્યકર્તાઓએ આ રીતે મોઢુ ફેરવી લેવું કેટલી અસર કરશે તે તો સમય અને સંજોગો જ બતાવશે.

