Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

પોલીસ વિપક્ષને દબાવી રહી હોવાનો આક્ષેપ

ડીજીપી કચેરી તરફ કૂચ કરતા બંદોબસ્ત વચ્ચે પોલીસ સાથે ઘર્ષણ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા. ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ — ગાંધીનગરમાં પોલીસની નીતિ અને કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરતા કોંગ્રેસના શીર્ષ નેતાઓ અને કાર્યકરો દ્વારા પોલીસ ભવન પાસે એક વિશાળ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા અગાઉ પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેના પગલે વિરોધ પ્રદર્શનસ્થળે મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજ્યની પોલીસ વિપક્ષી નેતાઓ અને કાર્યકરોને હેરાન કરવા માટે ટાર્ગેટ કરી રહી છે તેમજ તેમને દબાવવાના હેતુસર ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે. આ કથિત હેરાનગતિ અને દમનકારી નીતિ સામે વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસે પોલીસ ભવનથી ડીજીપી કચેરી સુધી રેલી અને કૂચનું આયોજન કર્યું હતું.

આ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા અગાઉથી જ ડીજીપી કચેરી તરફ જતા તમામ માર્ગો ઉપર પોલીસનો લોખંડી બંદોબસ્ત અને વ્યાપક નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પોલીસની કામગીરી સામે આકરા સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ કરદાતાઓના નાણાંમાંથી પગાર મેળવે છે, પરંતુ કાયદા અને બંધારણને નેવે મૂકીને શાસક પક્ષના એજન્ટની જેમ કામ કરી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસ દ્વારા ખોટી એફઆઈઆર નોંધીને ધાકધમકી આપવામાં આવી રહી છે અને ઉચ્ચ અધિકારીઓ આ બધું મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે.

અમિત ચાવડાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવામાં અને ધમકાવવામાં આવ્યા હતા, તેમજ ગાંધીનગરની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને બળજબરીપૂર્વક ઉઠાવી જવાની ઘટનાઓ બની હતી. તેમણે ભાજપ અને કોંગ્રેસ માટે પોલીસના ધોરણો અલગ હોવાનો દાવો કરતા જણાવ્યું હતું કે જ્યારે ભાજપના નેતાઓ લાઉડસ્પીકર અને ડીજે સાથે કોંગ્રેસ કાર્યાલય પાસે આવીને વિરોધ કરે કે પૂતળાદહન કરે ત્યારે કોઈ કાર્યવાહી થતી નથી, પરંતુ કોંગ્રેસ દ્વારા શાંતિપૂર્ણ દેખાવો કરવામાં આવે તો તુરંત દમન ગુજારવામાં આવે છે. અંતે અમિત ચાવડાએ ઉગ્ર ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે જો કોંગ્રેસના કાર્યકરો સામેની આ પ્રકારની હેરાનગતિ તાત્કાલિક ધોરણે બંધ નહીં થાય, તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Related posts

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો

Master Admin

લોકસભા સ્પીકર પર કાગળ ફેંકનારા આઠ સાંસદ સસ્પેન્ડ

Master Admin

ડ્રાય સ્ટેટ ગુજરાતમાં બનાસકાંઠા બાદ ભાવનગરમાં પકડાઈ નકલી દારૂની ફેક્ટરી

Master Admin

Leave a Comment

Translate »