Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ મંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર કરાયો

દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓ

સવારે ૬ વાગ્યે ભગવાન દ્વારકાધીશની મંગલા આરતી, સવારે ૬ થી ૮ વાગ્યા સુધી ભક્તો મંગલા દર્શનનો લાભ લઈ શકશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
દ્વારકા, તા.૩ સપ્ટેમ્બર ૨૦૨૬ — યાત્રાધામ દ્વારકામાં આગામી જન્માષ્ટમી પર્વને લઈને જગત મંદિર દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભગવાન શ્રીકૃષ્ણના ૫૨૫૩મા જન્મોત્સવને અનુલક્ષીને લાખોની સંખ્યામાં ઉમટી પડનાર ભક્તો સુગમતાથી દર્શન કરી શકે તે માટે મંદિર વહીવટી તંત્ર દ્વારા જગત મંદિરના નિત્યક્રમ અને દર્શનના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યા છે.

જન્માષ્ટમીના પર્વદિને સવારે ૬ વાગ્યે ભગવાન દ્વારકાધીશની મંગલા આરતી સાથે પર્વની દિવ્ય શરૂઆત થશે. સવારે ૬ થી ૮ વાગ્યા સુધી ભક્તો મંગલા દર્શનનો લાભ લઈ શકશે. ત્યારબાદ ૮ થી ૯ વાગ્યા દરમિયાન ખુલ્લા પડદે ભગવાનને સ્નાન કરાવવામાં આવશે અને ૯ થી ૯ઃ૪૫ સુધી ભીતરમાં પૂજા અર્ચના સંપન્ન થશે.

સવારના ક્રમ આગળ વધારતા ૯ઃ૪૫ થી ૧૦ વાગ્યા સુધી સ્નાન ભોગ અર્પણ કરાશે, ત્યારબાદ સવારે ૧૦ઃ૧૫ થી ૧૦ઃ૪૫ સુધી ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે. ૧૦ઃ૪૫ થી ૧૧ વાગ્યા સુધી પુનઃ સ્નાન ભોગ અર્પણ કર્યા બાદ સવારે ૧૧ વાગ્યે ભગવાન દ્વારકાધીશની ભવ્ય શૃંગાર આરતી યોજાશે. શૃંગાર આરતી બાદ સવારે ૧૧ થી ૧૧ઃ૨૦ સુધી ભક્તો દર્શન કરી શકશે. ૧૧ઃ૨૦ થી ૧૧ઃ૩૦ દરમિયાન ગ્વાલ ભોગ અર્પણ કરાશે અને ૧૧ઃ૩૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે. બપોરે ૧૨ થી ૧૨ઃ૩૦ દરમિયાન ભગવાનને રાજભોગ અર્પણ કરવામાં આવશે અને ૧૨ઃ૩૦ થી ૧ વાગ્યા સુધી ભક્તો દર્શનનો લાભ મેળવી શકશે. આ પછી બપોરે ૧ થી સાંજે ૫ વાગ્યા સુધી જગત મંદિર ભક્તો માટે બંધ રહેશે.

સાંજના સત્રમાં નિયમિત ક્રમ મુજબ સાંજે ૫ વાગ્યે ઉથાપન દર્શન થશે. સાંજે ૫ થી ૫ઃ૪૫ દરમિયાન ભક્તો ભગવાનના દર્શન કરી શકશે, જ્યારે ૫ઃ૪૫ થી ૬ વાગ્યા દરમિયાન ઉથાપન ભોગ અર્પણ કરાશે. સાંજે ૬ થી ૭ઃ૩૦ વાગ્યા સુધી ભક્તો માટે દર્શન પુનઃ ખુલ્લા મૂકવામાં આવશે. ૭ઃ૩૦ થી ૭ઃ૪૫ દરમિયાન સંધ્યા ભોગ અર્પણ કરાશે અને ૭ઃ૪૫ થી ૮ વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશની સંધ્યા આરતી થશે. રાત્રે ૮ થી ૮ઃ૧૦ સુધી શયન ભોગ અર્પણ કર્યા બાદ ૮ઃ૧૦ થી ૮ઃ૩૦ સુધી મંદિર ખુલ્લું રહેશે. રાત્રે ૮ઃ૩૦ વાગ્યે ભગવાન દ્વારકાધીશની શયન આરતી સંપન્ન થશે અને ૮ઃ૩૦ થી ૯ વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે.

રાત્રે ૯ થી ૧૨ વાગ્યા સુધી ઉત્સવના વિશેષ આયોજન અને મધ્યરાત્રિના આગમનને ધ્યાનમાં રાખીને જગત મંદિર બંધ રહેશે. ત્યારબાદ રાત્રે બરાબર ૧૨ વાગ્યે જગત મંદિર ખાતે ભવ્ય જન્મોત્સવ આરતી ગૂંજશે. મધ્યરાત્રિએ ૧૨ થી અઢી વાગ્યા (૨ઃ૩૦) સુધી લાખો શ્રદ્ધાળુઓ માટે જન્મોત્સવના અલૌકિક દર્શન ખુલ્લા રહેશે, અને ત્યારબાદ રાત્રે ૨ઃ૩૦ વાગ્યે દ્વારકાધીશ મંદિર આશીર્વાદ સાથે વિધિવત બંધ થશે.

આવનારી જન્માષ્ટમીને લઈને દ્વારકાધીશ મંદિર વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સુરક્ષા, પાર્કિંગ અને ભક્તોની ભીડ નિયંત્રણ માટે ચુસ્ત વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે.

લાખોની સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓ અસુવિધા વિના ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકે તે માટે જાહેર કરવામાં આવેલા આ નવા સમયપત્રક મુજબ જ મુલાકાત લેવા મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

કેન્યાની કથાનું ભાવભીનું સમાપન; ૧૫-ઓગસ્ટથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગુંજશે ‘તુલસી’ નાદ

Master Admin

દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં શ્રી મોરારિબાપુ દ્વારા સહાય

Master Admin

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન Jamming વિથ વ્યાસ બ્રધર્સ’ કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક સંપન્ન: ભક્તો ભાવવિભોર બન્યા

Master Admin

Leave a Comment

Translate »