મંત્રીમંડળમાં ફેરફારની તૈયારી
ચોમાસુ સત્ર પહેલા મોદી સરકાર મંત્રીમંડળમાં મોટા ફેરફારો કરશે, ગડકરી જેવા નેતાઓને સંગઠનની જવાબદારી સોંપાઈ શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૯ જૂન ૨૦૨૬ — નીટ-યુજી પરીક્ષાના પેપર લીકને લઇને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ ઉઠી રહી છે. એવામાં કેન્દ્રની મોદી સરકાર પોતાના મંત્રીમંડળમાં મોટા ફેરફારો કરવા જઇ રહી છે. એવા અહેવાલો છે કે ધર્મેન્દ્ર પ્રધાન પાસેથી શિક્ષણ મંત્રાલય લઇ લેવામાં આવી શકે છે. જ્યારે નિર્મલા સિતારામનના સ્થાને અન્યને નાણાં મંત્રાલય સોંપવામાં આવી શકે છે. મોદી સરકારની કેટલીક નીતિઓ સામે ખુલ્લીને વાત કરનારા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનું મંત્રાલય પણ બદલાઇ શકે છે.
૨૧ જુલાઇ આસપાસ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઇ શકે છે, આ સત્ર પહેલા જ મોદી સરકાર મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરવા જઇ રહી હોવાના અહેવાલો છે. કેટલાક કેબિનેટ મંત્રીઓને ભાજપમાં સંગઠનની જવાબદારી સોંપવામાં આવશે અને તેમના સ્થાને યુવા નેતાઓને મંત્રી બનાવવામાં આવી શકે છે. જે પણ નેતાઓ પાસેથી તેમનું વર્તમાન મંત્રાલય લઇ લેવામાં આવી શકે છે તેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન, શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને હાઇવે ટ્રાન્સપોર્ટ મંત્રી નિતિન ગડકરીનો પણ સમાવેશ થઇ શકે છે. આગામી બેથી ત્રણ દિવસમાં જ મહત્વની બેઠક મળશે જેમાં આ નિર્ણયો લેવામાં આવશે તેવા અહેવાલો છે. આગામી વર્ષે પંજાબ, ઉત્તર પ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ, મણિપુર અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, એવામાં પંજાબને મંત્રીમંડળમાં વિશેષ ધ્યાનમાં રાખવામાં આવી શકે છે. હાલમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી છે તેમના સ્થાને પંજાબના અન્ય કોઇ કદ્દાવર શીખને મંત્રી બનાવવામાં આવી શકે છે. આ યાદીમાં સૌથી ચર્ચાસ્પદ નામ આપમાંથી ભાજપમાં ગયેલા રાઘવ ચડ્ઢાનું છે જેઓ હાલ પંજાબમાં સક્રિય છે અને પોતાની પૂર્વ પાર્ટી આપની ભગવંત માન સરકારની ટીકા કરી રહ્યા છે. અન્ય એક મોટો ફેરફાર પક્ષ કે રાજકારણ બહારની વ્યક્તિને સામેલ કરવાનો હોઇ શકે છે. જેમાં આરબીઆઇના પૂર્વ ગવર્નર અને હાલમાં પીએમ મોદીના મુખ્ય સચિવ શક્તિકાંત દાસનો સમાવેશ થઇ શકે છે. તેમને કેબિનેટમાં કોઇ મોટું સ્થાન આપવામાં આવી શકે છે. આર્થિક બાબતે તેમનું યોગદાન જોઇને નાણા મંત્રાલય આપવામાં આવી શકે છે. સહયોગી પક્ષો જેમ કે જદ(યુ)માંથી બિહારના પૂર્વ સીએમ નિતિશ કુમાર, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે, મમતાના પક્ષ તૃણમુલ કોંગ્રેસને છોડનારા સુખેંદુ શેખર રાય જેવા બળવાખોર નેતાઓને પણ મહત્વ આપવામાં આવી શકે છે.

