Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

સંસદમાં ૧૧થી ૧૩ ઓગસ્ટે કંઈ મોટું થવાના એંધાણ

ભાજપ-કોંગ્રેસના વ્હીપથી અન્ય પક્ષોમાં હલચલ!

કેન્દ્ર સરકારે FCRA અને ડિલિમિટેશન બિલ રજૂ કરવાની જાહેરાત કરતાં સંસદમાં રાજકીય ગરમાવો વધ્યો (સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૦ ઓગસ્ટ ૨૦૨૬ — કેન્દ્રની મોદી સરકાર અને વિપક્ષ વચ્ચે સંસદના મોન્સૂન સત્રમાં મોટો રાજકીય સંગ્રામ ખેલાવાના એંધાણ મળી રહ્યા છે. FCRA (ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ) સંશોધન બિલ અને ડિલિમિટેશન (પરિસીમન) બિલને લઈને અટકળો તેજ બનતાં જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેએ પોતાના તમામ સાંસદોને ૧૧, ૧૨ અને ૧૩ ઓગસ્ટના રોજ ગૃહમાં ફરજિયાત હાજર રહેવા માટે ત્રણ લાઇનના વ્હિપ (Whip)જાહેર કરી દીધા છે. વિપક્ષી ખેમામાં ફફડાટ છે કે સરકાર મોન્સૂન સત્રના આખરી દિવસોમાં કોઈ મોટો રાજકીય માસ્ટરસ્ટ્રોક રમી શકે છે.

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટ કર્યું છે કે FCRA અને પરિસીમન બિલ સરકારની પ્રાથમિકતામાં સામેલ છે અને આ બંને વિધેયકો રજૂ કરવામાં આવશે. બીજી તરફ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ FCRA બિલનો આકરો વિરોધ કરવાની જાહેરાત કરતાં જણાવ્યું છે કે તેઓ ’ઈન્ડિયા’ ગઠબંધનના તમામ ફ્લોર લીડર્સ સાથે ચર્ચા કરીને આ અંગે રણનીતિ બનાવશે. વિદેશી ફંડિંગ અને રાજકીય પારદર્શિતા સાથે જોડાયેલા FCRA બિલ પર કોંગ્રેસ આરપારની લડાઈના મૂડમાં છે. સંસદમાં સૌથી વધુ ચર્ચા ડિલિમિટેશન બિલને લઈને છે. વર્ષ ૧૯૭૬થી લોકસભા બેઠકોના પુનઃનિર્માણ પર લાગેલો સ્ટે ૨૦૨૬માં પૂર્ણ થઈ રહ્યો છે. દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે તમિલનાડુ, કેરળ, કર્નાટક અને આંધ્રપ્રદેશને ડર છે કે જો વસ્તીના ધોરણે નવી બેઠકો નક્કી થશે, તો સફળ વસ્તી નિયંત્રણ છતાં તેમની લોકસભા બેઠકો ઘટી જશે, જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન જેવા વધુ વસ્તી ધરાવતા ઉત્તરી રાજ્યોનું પ્રતિનિધિત્વ વધી જશે. જોકે, ભાજપનું કહેવું છે કે દેશના દરેક નાગરિકને વસ્તીના સમાન પ્રમાણમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળવું બંધારણીય અધિકાર છે. એક તરફ વિપક્ષી ગઠબંધનમાં એકતા દાખવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ એનસીપી (શરદ પવાર જૂથ)ના ૮ લોકસભા સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે. સુપ્રિયા સુલેએ આ મુલાકાતને નીતિ વિષયક અને સન્માનજનક ગણાવી ગપસપની વાતને ફગાવી દીધી છે. પરંતુ આ મુલાકાતને કારણે મહારાષ્ટ્ર સહિત દેશના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે અને એવી અટકળો પણ ચાલી રહી છે કે શું સરકાર ગણિત સાધવાના પ્રયાસ કરી રહી છે.સંસદમાં હાલના મોન્સૂન સત્રમાં સરકારે અત્યાર સુધીમાં ૮ બિલ રજૂ કર્યા છે, જેમાંથી ૫ બિલ એક ગૃહમાંથી પસાર થઈ ચૂક્યા છે. હવે આગામી દિવસોમાં વધુ ૪ મહત્ત્વના બિલ રજૂ થવા જઈ રહ્યા છે.

Related posts

બંગાળ ચૂંટણી માટે ભાજપે ૧૪૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

Master Admin

ડાબેરી પક્ષોએ મમતા બેનર્જી સાથે હાથ મિલાવવાનો સાફ ઇનકાર કર્યો

Master Admin

બાબા કેદારનાથ ધામના કપાટ ખુલ્યા, વહેલી સવારથી જ જામ્યો શ્રદ્ધાળુઓનો મેળાવળો

Master Admin

Leave a Comment

Translate »