Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

FSSAIનો સપાટોઃ પેપ્સીકો, કોકાકોલા સહિતની કંપનીઓને ૧૫૦ નોટિસ

મેકડોનાલ્ડ્‌સ-ડોમિનોઝ સામે પણ કાર્યવાહી

રેડ બુલ, કેડબરી જેવી બ્રાન્ડ્‌સ રડારમાં : એમેઝોનનું ૧ વેરહાઉસ લાઇસન્સ રદ : ડોમિનોઝના ૫ લાઇસન્સ સસ્પેન્ડ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૩ ઓગસ્ટ ૨૦૨૬ — ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્‌સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ ખાદ્ય પદાર્થો બનાવતી દેશ-વિદેશની દિગ્ગજ કંપનીઓ સામે લાલ આંખ કરી છે. FSSAI એ તાજેતરના મહિનાઓમાં નેસ્લે ઇન્ડિયા, પેપ્સીકો અને કોકા-કોલા ઇન્ડિયા સહિતની ૧૫૦ થી વધુ અગ્રણી કંપનીઓને ભ્રામક જાહેરાતો, ખોટા દાવાઓ અને લેબલિંગ નિયમોના અનાદર બદલ કારણ દર્શાવક નોટિસ ફટકારી છે. ફૂડ રેગ્યુલેટરે સોશિયલ મીડિયા પર આ કાર્યવાહી અંગે સત્તાવાર વિગતો શેર કરીને ગ્રાહકોના સ્વાસ્થ્ય અને અધિકારોનું રક્ષણ કરવા માટેનો પોતાનો મક્કમ નિર્ધાર સ્પષ્ટ કર્યો છે.

FSSAI દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, નિયમોનો ભંગ કરનારી બ્રાન્ડ્‌સમાં એબોટ ઇન્ડિયા, રેડ બુલ ઇન્ડિયા, ડાનોન ઇન્ડિયા, મોન્સ્ટર એનર્જી, હેલ એનર્જી, મોન્ડેલેઝ ઇન્ડિયા, ફેરરો ઇન્ડિયા, ડિયાજિયો અને પર્નોડ રિકાર્ડ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. રેગ્યુલેટરે ખાસ કરીને એનર્જી ડ્રિંક્સ અને આલ્કોહોલિક પીણાં બનાવતી કંપનીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. નિયમોના ગંભીર ઉલ્લંઘનને કારણે કેટલીક કંપનીઓના ઉત્પાદનોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

માત્ર ખાદ્ય ઉત્પાદકો જ નહીં, પરંતુ ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને જાણીતી ફૂડ ચેઇન્સ સામે પણ FSSAI એ કડક પગલાં લીધા છે. દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટને ૧૨ નોટિસો મોકલવામાં આવી છે. જેમાં એમેઝોનના ૧ વેરહાઉસનું લાઇસન્સ પણ રદ કરી દેવાયું છે. આ ઉપરાંત કેએફસી, મેકડોનાલ્ડ્‌સ, પિઝા હટ, ડોમિનોઝ અને કોસ્ટા કોફી જેવી ફૂડ સર્વિસ બ્રાન્ડ્‌સને ૩૦ થી વધુ નોટિસો પાઠવવામાં આવી છે. નિયમોના ભંગ બદલ ડોમિનોઝના ૫ લાઇસન્સ સસ્પેન્ડ (સ્થગિત) કરવામાં આવ્યા છે.

FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને ગુમરાહ કરતી જાહેરાતો અને ગુણવત્તા વગરના ખાદ્ય પદાર્થો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. ગયા વર્ષે અગ્રણી ૫ સ્ટાર હોટલોને પણ આ જ પ્રકારે નોટિસો પાઠવવામાં આવી હતી. રેગ્યુલેટરની આ આકરી કાર્યવાહી બાદ હવે ઘણી કંપનીઓએ પોતાના લેબલિંગ અને દાવાઓમાં સુધારાત્મક પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે.

 

Related posts

વિલયને મંજૂરી મળશે તો રાજ્યસભામાં એનડીએના સભ્યોની સંખ્યા વધશે

Master Admin

પંઢરપુરનો ગજર હવે દેશભરમાં; રાહુલ દેશપાંડેની ‘અભંગવારી ૨૦૨૬’

Master Admin

ભારતીય બોક્સર જાદુમણિ સિંહે સિલ્વર મેડલ જીત્યો

Master Admin

Leave a Comment

Translate »