ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
સાંસદ વસાવાએ મોટો વિસ્ફોટ કરતા આરોપ લગાવ્યો હતો કે ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓ દારૂના નશામાં ધૂત હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભરૂચ, તા.૩ ઓગસ્ટ ૨૦૨૬ — ભરૂચના સાંસદ અને ભાજપના નેતા મનસુખ વસાવા તથા વન વિભાગ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે રવિવારે નર્મદા જિલ્લાના ખોપી પર ભારે બોલાચાલી થઈ હતી. ખેડૂતોના સમર્થનમાં જઈ રહેલા સાંસદને અટકાવવામાં આવતા આ બબાલ સર્જાઈ હતી. સાંસદ વસાવાએ મોટો વિસ્ફોટ કરતા આરોપ લગાવ્યો હતો કે ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓ દારૂના નશામાં ધૂત હતા અને તેમણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ સાથે જ તેમણે પોતાની જ સરકાર પર બેધારી નીતિ હોવાનો આરોપ લગાવ્યો હતો. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલની જમીન પર ખેડાણ કરવા દેવામાં ન આવતા સ્થાનિક ખેડૂતોએ રસ્તો રોકો આંદોલન શરૂ કર્યું છે. રવિવારે ખેડૂતોના આ આંદોલનને સમર્થન આપવા અને સ્થિતિની સમીક્ષા કરવા માટે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ખોપી ગામ તરફ જઈ રહ્યા હતા. સાંસદનો કાફલો જ્યારે પહોંચ્યો ત્યારે ત્યાં પહેલાથી જ તૈનાત પોલીસ અને વન વિભાગના અધિકારીઓએ રસ્તો રોકીને તેમને આગળ વધતા અટકાવ્યા હતા. પોતાની જ લોકસભા વિસ્તારના ગામમાં જતાં અટકાવવામાં આવતા સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થયા હતા અને પોલીસ તથા વન અધિકારીઓ વચ્ચે તીખી રકઝક શરૂ થઈ ગઈ હતી. સાંસદ મનસુખ વસાવાએ તાકીદની પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, “ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓએ મારી સાથે અશોભનીય વર્તન કર્યું અને ગાળો બોલી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. ત્યાં હાજર તમામ પોલીસ કર્મચારીઓ દારૂના નશામાં ધૂત હતા.” સાંસદના આ આરોપથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. પોતાની જ પક્ષની સરકાર સામે પ્રહાર કરતા સાંસદ વસાવાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરથી મંત્રીઓ એવું આશ્વાસન આપે છે કે સુરત જિલ્લાના ખેડૂતોની જેમ નર્મદા જિલ્લાના ખેડૂતો પણ જંગલની જમીન ખેડી શકે તેવું સમાધાન કરવામાં આવશે. પરંતુ બીજી તરફ સ્થાનિક અધિકારીઓ તદ્દન અલગ અને કડક વલણ અપનાવી રહ્યા છે. સરકારની આ બેધારી નીતિને કારણે ખેડૂતો અન્યાયનો ભોગ બની રહ્યા છે.
સાંસદને અચાનક રસ્તામાં રોકી દેવામાં આવતા માહોલ તણાવપૂર્ણ બન્યો હતો અને મનસુખ વસાવા ભારે રોષે ભરાયા હતા. દરમિયાન ફરજ પરના કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા તેમની સાથે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરી ગાળો બોલવામાં આવી હોવાનો અત્યંત ગંભીર આક્ષેપ પણ સાંસદ દ્વારા કરવામાં આવ્યો છે. સાંસદની સ્થળ પર જ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાતાવરણ ગરમ થઈ ગયું હતું. આ ઘટના બાદ સરકાર અને વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા મનસુખ વસાવાએ ખુલ્લેઆમ પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકારના મંત્રીઓ ખેડૂતોના પ્રશ્નો બાબતે સમાધાનની વાતો કરે છે, જ્યારે બીજી તરફ અધિકારીઓ તદ્દન અલગ અને દમનકારી વલણ અપનાવી રહ્યા છે. સાગબારા પંથકના ખેડૂતોની વેદના ઠાલવતા તેમણે માંગ કરી હતી કે જેમ સુરત જિલ્લામાં ખેડૂતોને ન્યાય મળ્યો છે, તે જ રીતે નર્મદાના ખેડૂતોને પણ જંગલ જમીન ખેડવા દેવામાં આવે.

