કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર, કેરળ, માહે, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૫ ઓગસ્ટ ૨૦૨૬– દિલ્હી સહિત દેશભરના રાજ્યોમાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદી ગતિવિધિઓ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસો સુધી ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. હવામાન વિભાગ (IMD) એ ઉત્તર પ્રદેશ, કેરળ, હિમાચલ પ્રદેશ અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. અરુણાચલ પ્રદેશ અને મેઘાલયના કેટલાક ભાગોમાં પણ ખૂબ ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિવસ દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર, કેરળ, માહે, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. IMD એ આજે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વાવાઝોડાની સ્થિતિની પણ આગાહી કરી છે. આંધ્ર પ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ અને માહે, લક્ષદ્વીપ અને ઉત્તરીય આંતરિક કર્ણાટકમાં પણ આવું જ હવામાન રહેવાની ધારણા છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ૬ ઓગસ્ટ દરમિયાન પૂર્વી ઉત્તર પ્રદેશ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, પૂર્વી રાજસ્થાન, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને પંજાબમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. છત્તીસગઢમાં ૫ થી ૧૦ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે. બિહાર અને ઝારખંડમાં ૮ ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેશે. ઓડિશામાં અલગ અલગ સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે.
આગામી ૨૪ કલાક માટે કેરળના આઠ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ચેતવણી મુજબ, પત્તનમથિટ્ટા, કોટ્ટાયમ, ઇડુક્કી, એર્નાકુલમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડ જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે. જેમાં આગામી ૨૪ કલાકમાં ૨૦૪ મીમીથી વધુ વરસાદ પડવાની આગાહી છે. મલપ્પુરમ, પલક્કડ, ત્રિશૂર અને અલાપ્પુઝા માટે દિવસભર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાળવી રાખવામાં આવ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોમાં સતત ભારે વરસાદને કારણે કેરળ, ઓડિશા, આસામ અને ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કેરળમાં, ૧ ઓગસ્ટથી ચાલી રહેલા મુશળધાર વરસાદને કારણે ૨૫ લોકોનાં મોત થયા છે, ચાર ગુમ થયા છે અને ૧૦ અન્ય ઘાયલ થયા છે. ભારે વરસાદને કારણે હજારો લોકોને રાહત શિબિરોમાં આશ્રય લેવાની ફરજ પડી છે. પૂરને કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
ઉત્તરપૂર્વ ભારતમાં ભારે ચોમાસાનો વરસાદ ચાલુ રહેશે. ૬ થી ૭ ઓગસ્ટ સુધી અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને નાગાલેન્ડ માટે અને ૬ થી ૧૦ ઓગસ્ટ સુધી અરુણાચલ પ્રદેશ અને આસામ અને મેઘાલય માટે વરસાદની ચેતવણી અમલમાં છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ વરસાદની સંભાવના છે.

