Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

વડોદરામાં દારૂ સંતાડવા મકાનની અંદરથી બનાવ્યું વેક્યુમ પ્લેટ વાળું હાઇટેક ગુપ્ત ભોંયરું

ટાઈલ્સ હટાવતાં જ ખુલ્યો ફિલ્મી સ્ટાઈલનો ખેલ!

ભોંયરાની અંદરથી નામાંકિત બ્રાન્ડની કુલ ૩૨૨ નંગ વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા, તા.૨૬ જૂન ૨૦૨૬ — શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના ભાગરૂપે વડોદરા LCB ઝોન-૩ની ટીમે વાઘોડિયા રોડ વિસ્તારમાં એક મોટી અને સફળ રેડ કરી છે. બાતમીના આધારે જાનકી ડુપ્લેક્સમાં આવેલા એક મકાનમાં દરોડો પાડીને પોલીસે કલ્પી ન શકાય તેવું ગુપ્ત ભોંયરું શોધી કાઢ્યું હતું.

આ ભોંયરામાં ગેરકાયદેસર રીતે સંતાડી રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે.

એલ.સી.બી. ઝોન-૩ની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, વાઘોડિયા રોડ પર આવેલા જાનકી ડુપ્લેક્સના એક મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મકાનની તલાશી દરમિયાન પોલીસને એક ગુપ્ત ભોંયરું મળી આવ્યું હતું, જેને ખોલવા માટે આરોપીઓ ખાસ વેક્યુમ પ્લેટનો ઉપયોગ કરતા હતા.

આ ભોંયરાની અંદરથી અલગ-અલગ ૨૪ નામાંકિત બ્રાન્ડની કુલ ૩૨૨ નંગ વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જપ્ત કરેલા દારૂની કુલ કિંમત રૂ.૩.૨૬ લાખથી વધુ આંકવામાં આવી છે. આ ગેરકાયદેસર નેટવર્ક ચલાવતા શૈલેષભાઈ શંકરભાઈ કહાર (ઉંમર વર્ષ ૪૪) નામના શખ્સની પોલીસે સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે.
આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન અને ભોંયરું ખોલવા માટે વપરાતી વેક્યુમ પ્લેટ સહિત કુલ રૂ.૩.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક સાગરીત ચેતન ચંદુભાઈ કહારને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી

Master Admin

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને ટકોર કરતા અધ્યક્ષે કહ્યું હતું કે આ માર્કેટ નથી

Master Admin

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે અમેરિકન સંસદમાં રિપોર્ટમાં દાવો

Master Admin

Leave a Comment

Translate »