સરકારે આપી દીધી સીધી ચેતવણી
નબળા ચોમાસાના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવું એક મોટો અને ભયાનક પડકાર છે : કૃષિમંત્રી વાઘાણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૩ ઓક્ટોબર ૨૦૨૬ — ખેડૂતો દિવાળી નજીક આવતા રવિ સિઝનના પાકની તૈયારીમાં લાગી ગયા છે. પરંતુ ખેડૂતો રવિ સિઝનની વાવણી કરે તે પહેલાં જ સરકારે ખેડૂતોની ચિંતા વધારતી વાત કરી દીધી છે. આ વર્ષે શિયાળા અને ઉનાળામાં ખેતી માટે પૂરતું પાણી કેનાલ મારફતે કે તળાવો ભરીને મળશે કે કેમ—તેનો ઉત્તર રાજ્ય સરકારે લગભગ આપી દીધો છે!
રાજ્ય સરકારે જાહેરમાં સ્વીકાર્યું છે કે નબળા ચોમાસાના કારણે જળાશયોમાં પાણીનું સ્તર ઓછું છે, જેના કારણે ખેતી માટે સિંચાઈનું પાણી આપવું એ સરકાર માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. આ અલનીનોની સિઝન છે.
ચોમાસામાં ખરીફ સિઝનમાં ઓછા વરસાદને કારણે ખેડૂતો નુક્સાન ભોગવી રહ્યાં છે ત્યારે રવી સિઝન પણ ફેલ જશે તો ખેડૂતોને પડ્યા પર પાટું મારવા જેવું થશે. રાજ્યમાં સૌથી વધારે ખરીફ સિઝનમાં ખેતી થાય છે. ગુજરાતમાં રવી સિઝનમાં ૨૫થી ૩૦ લાખ હેક્ટરમાં થતી ખેતી મોટાભાગે પિયતના ભરોસે થાય છે. જો સરકાર કેનાલ મારફતે પાણી નહીં આપે તો ખેડૂતોએ વાવણી કરવી જ મુશ્કેલ બની જશે.
ગુજરાતમાં સરકાર માટે ખેડૂતો માથાનો દુખાવો બની રહ્યાં છે ત્યારે જો કેનાલમાંથી પાણી ન છોડાયું તો સરકાર સામે ખેડૂતોનો આક્રોષ વધી શકે છે. હાલમાં મોરબીમાં ખેડૂતો મોરચો ખોલીને બેઠા છે ત્યારે સૌરાષ્ટ્રમાં વધુ એક નારાજગી ઉભી થાય તેવી પૂરી સંભાવના છે.
કેબિનેટ બેઠક બાદ કૃષિમંત્રી જિતુ વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સરકારની પહેલી પ્રાથમિકતા આવનારી જૂન-જુલાઈ મહિનાની ભીષણ ગરમી સુધી નાગરિકોને ’પીવાનું પાણી’ પહોંચાડવાની છે. ડેમોમાં જ્યારે પીવાનું પાણી પણ ઓછું હોય, ત્યારે ખેતી માટે કેનાલો ચાલુ કરવી કે તળાવો ભરવા એ અત્યંત મુશ્કેલ બની ગયું છે. રાજ્યના મોટા ભાગના ડેમ ખાલી છે. તો ઘણા ડેમમાં સિંચાઈ માટે આપી શકાય તેટલું પાણી નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખેડૂતોને સીધી ચેતવણી આપી છે કે તેઓ એવા જ પાક પસંદ કરે જે ઓછા પાણીએ તૈયાર થઈ શકે.
ખેડૂતોને કપરા સમયમાંથી બચાવવા માટે સરકાર હવે કૃષિ વૈજ્ઞાનિકો સાથે પણ સતત સંપર્કમાં છે, જેથી ઓછા પાણીમાં લેવાતા પાકની યોગ્ય ગાઈડલાઈન ખેડૂતો સુધી પહોંચાડી શકાય. પરંતુ વાસ્તવિકતા એ છે કે માત્ર સિંચાઈનું જ નહીં, પરંતુ આવનારા દિવસોમાં પીવાના પાણી માટે પણ ફાંફા પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
સરકાર હવે આ પાણીના ભયાનક પડકારને પહોંચી વળવા રસ્તા શોધી રહી છે, પરંતુ ખેડૂતો માટે સમયસર ચેતી જઈને પાકની યોગ્ય પસંદગી કરવી જ એકમાત્ર ઉપાય છે. એટલે એવો જ પાક પસંદ કરજો જેમાં ઓછા પાણીની જરૂર પડે. જો આ ગંભીર સ્થિતિમાં સમયસર સાવચેતી નહીં રાખવામાં આવે, તો આપણા ’જગતના તાત’ને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે અને આ કડવી વાસ્તવિકતા છે!
