ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઈલની આયાત યથાવત્
સપ્ટેમ્બરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઈનરીમાંથી છ કાર્ગો ભરીને ક્રૂડ ઓઈલ યુરોપીયન યુનિયનમાં ઠલવાયું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૯ ઓક્ટોબર ૨૦૨૬ — ભારત, તૂર્કી અને બુ્રનેઈની રિફાઈનરીઓએ સપ્ટેમ્બરમાં યુરોપના દેશોમાં એક અબજ યુરોના ઓઈલ ઉત્પાદનોની નિકાસ કરી છે, જે ઓગસ્ટ મહિનાની નિકાસ કરતા ૪૩ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. યુક્રેન પર આક્રમણ કરવા બદલ યુરોપના દેશોએ રશિયન ક્રૂડ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં યુરોપમાં ભારતીય કંપનીઓની ઓઈલ ઉત્પાદનોની નિકાસ વધી છે. બીજીબાજુ તેમણે રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત યથાવત્ રાખી છે.સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એર (સીઆરઈએ)ના રિપોર્ટ મુજબ સપ્ટેમ્બરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઈનરીમાંથી છ કાર્ગો ભરીને ક્રૂડ ઓઈલ યુરોપીયન યુનિયનમાં ઠલવાયું હતું.યુરોપીયન યુનિયને રશિયન ક્રૂડમાંથી બનેલા ઓઈલ ઉત્પાદન પર પ્રતિબંધ મૂકેલો હોવા છતાં ઈયુમાં રિલાયન્સની ઓઈલની નિકાસ વધી છે.સીઆરઈએના રિપોર્ટ મુજબ ભારત, તુર્કી, બુ્રનેઈની ઓઈલ રિફાઈનરીઓના ઓઈલ ઉત્પાદનોની યુરોપમાં નિકાસ વધી છે. સપ્ટેમ્બરમાં ભારત, તુર્કીયે અને બુ્રનેઈ પાસેથી યુરોપીયન યુનિયને ૬૬.૭ કરોડ યુરા, ઓસ્ટ્રેલિયાએ ૧૬.૮ કરોડ યુરો, અમેરિકાએ ૧૫.૪ કરોડ યુરોપ તથા ન્યૂઝીલેન્ડે ૧.૯ કરોડ યુરોના ઓઈલ ઉત્પાદનોની આયાત કરી છે, જે રશિયન ક્રૂડમાંથી બનેલા હતા.રિલાયન્સે જુલાઈથી સપ્ટેમ્બરમાં જામનગર રિફાઈનરીમાંથી ૧૨.૨ કરોડ યુરોના મૂલ્યના ઓઈલ ઉત્પાદનોની અમેરિકામાં નિકાસ કરી હતી અને આ જ સમયમાં કંપનીની ક્રૂડ ઓઈલની કુલ આયાતમાં રશિયન ક્રૂડનો હિસ્સો ૩૨ ટકાથી વધુ હતો. જામનગરમાંથી ઓઈલ ટેન્કરો ઈટાલી, રોમાનિયા, સ્પેન અને સાયપ્રસમાં પણ પહોંચ્યા હતા.રશિયન ક્રૂડ ઓઈલનો ઉપયોગ કરતી રિફાઈનરીઓમાંથી ઈયુના બંદરો પર થતી નિકાસમાં ૮૦ ટકાનો ઊછાળો આવ્યો છે.
