પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને એલર્ટ કરાયા
૧ જુલાઈથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૮ જૂન ૨૦૨૬ — રાજ્યમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે મહત્વના સમાચાર છે. આજે ૨૯ જૂને ગુજરાતના ૧૧ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ૧ જુલાઈથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. એક તરફ અમુક જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે, તો બીજી તરફ દરિયાકાંઠે ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને એલર્ટ કરાયા છે. જોકે, આ બધા વચ્ચે અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં હજુ પણ ૪૦ ડિગ્રી તાપમાન સાથે લોકો કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે.
છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. પરંતુ નવાઈની વાત એ છે કે રાજ્યના ૫૪ તાલુકાઓ હજુ પણ સંપૂર્ણપણે કોરા ધાકોડ છે.
ગઈકાલે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી ઉપર નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલીમાં ૩૯.૯, ભાવનગરમાં ૩૭.૬ અને ભુજમાં ૩૮.૨ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રહ્યું હતું. ચોમાસાની એન્ટ્રી થયા બાદ પણ મોટાભાગના વિસ્તારોમાં હજુ વરસાદે જમાવટ કરી નથી.
હાલમાં ઉત્તર ગુજરાત અને તેની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, સાથે જ આંધ્રપ્રદેશથી મધ્ય મહારાષ્ટ્ર સુધીની ટ્રફ લાઇન પણ યથાવત છે. આ સિસ્ટમના કારણે આગામી ૨ થી ૩ દિવસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધે તેવી પૂરી સંભાવના છે. ખરાબ હવામાનને કારણે ૧ જુલાઈના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે. આ સમયે દરિયાકાંઠે પવનની ઝડપ ૪૦ થી ૫૦ કિમી રહેશે, જે વધીને ૬૦ કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.
૨૯ અને ૩૦ જૂનઃ અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
૧ જુલાઈઃ જુલાઈની શરૂઆતથી મેઘરાજા ખરી જમાવટ કરશે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.
૨ અને ૩ જુલાઈઃ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની પૂરી શક્યતા છે.

