એક ભૂલ અને બેંક ખાતું સાફ
આ સ્કેમમાં સાયબર ઠગ ઘણીવાર લીક થયેલા ડેટાનો ઉપયોગ કરે છે અથવા રેન્ડમલી કોઈને પણ મેસેજ મોકલે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૦ માર્ચ ૨૦૨૬ –– અત્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. જેને લીધે સમગ્ર દેશમાં અને રાજ્યમાં LPG અછત સર્જાઈ છે. ત્યારે ઠેક ઠેકાણે LPG સિલિન્ડર બુક કરાવવા માટે ગેસ એજન્સીની ઓફિસે લોકો મોટી કતાર લગાવી રહ્યા છે. એટલું જ નહીં આ તકનો લાભ ઉઠાવી સાયબર ઠગ દ્વારા વોટ્સએપ હેક કરીને વ્યક્તિના મોબાઈલથી અન્ય વ્યક્તિને મેસેજમાં LPG બુકિંગ અને ખરીદવા માટેના મેસેજ સાથે એપ્લિકેશન મોકલીને ડાઉનલોડ કરાવી મોટી છેતરપિંડી કરવામાં આવી રહી છે.
સાયબર ઠગ દ્વારા વોટ્સઅપમાં મોકલેલી આ એપ્લિકેશન ડાઉનલોડ કરતાં જ વ્યક્તિના મોબાઈલની તમામ પરમિશન મળી જાય છે. આનાથી યુઝરના મોબાઈલમાં SMS અને કોલ ફોરવર્ડ સર્વિસ એક્ટિવ થઈ જાય છે, જેના કારણે બેન્કના OTP અને અન્ય ખાનગી મેસેજ સીધા ફ્રોડ કરનાર વ્યક્તિ પાસે પહોંચી જાય છે. આ રીતે લોકોના વોટ્સઅપ હેક થાય છે અને બેન્કમાંથી પૈસા પણ ઉપડી જવાના ફ્રોડ થાય છે.
આ સ્કેમમાં સાયબર ઠગ ઘણીવાર લીક થયેલા ડેટાનો ઉપયોગ કરે છે અથવા રેન્ડમલી કોઈને પણ મેસેજ મોકલે છે. એકવાર યુઝર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે એટલે તેના મોબાઈલના તમામ ટેક્સ્ટ મેસેજ ફ્રોડ કરનારના નંબર પર ફોરવર્ડ થવા લાગે છે. તેઓ આ ઓટીપીનો ઉપયોગ કરીને યુઝરના જ નંબરથી બીજા મોબાઈલમાં વોટ્સએપમાં લોગીન કરે છે. એકવાર યુઝરનું વોટ્સએપ હેક થઈ જાય પછી, તેઓ યુઝરના મિત્રો અને ફેમિલી ગ્રુપોમાં ફરીથી આ જ સ્કેમ LPG સિલિન્ડર બુક કરાવવાની અને ખરીદવાની લિંક અને મેસેજ મોકલે છે. અન્ય લોકો લોકોને લાગે છે કે તમે આ મેસેજ મોકલ્યો છે, તેથી તેઓ પણ તેનો શિકાર બને છે અને આ રીતે આ આખી સાયકલ ચાલતી રહે છે.
એપ્લિકેશન ઇન્સ્ટોલેશનઃ યુઝરને જાણીતા નંબર પરથી મેસેજ આવતા વિશ્વાસ કરીને એપ ઇન્સ્ટોલ કરે છે અને માંગવામાં આવેલી તમામ મંજૂરી ’Allow’ કરે છે.
સર્વિસ એક્ટિવેશનઃ ઇન્સ્ટોલ થતાની સાથે જ મોબાઈલમાં SMS ફોરવર્ડિંગ અને કોલ ફોરવર્ડિંગ સર્વિસ ચાલુ થઈ જાય છે.
OTP ચોરીઃ બેન્કના OTP કે WhatsApp લોગીન માટેના OTP સીધા છેતરપિંડી કરનારાના મોબાઈલ પર જાય છે.
WhatsApp હેકિંગઃ તમારા OTPનો ઉપયોગ કરીને તે તમારા WhatsApp માં લોગ-ઇન કરી લે છે અને તમને Log out’ કરી દે છે.
સ્કેમનો ફેલાવોઃ તમારા હેક થયેલા એકાઉન્ટમાંથી તમારા કોન્ટેક્ટ્સ અને ગ્રૂપમાં ખોટા મેસેજ મોકલવામાં આવે છે.
બચવા માટેના પગલાં
• જો આવું કંઈ પણ થાય તો સૌથી પહેલા મોબાઈલમાંથી સીમ કાર્ડ કાઢી નાખવું જોઈએ.
• સેટિંગમાં જઈને ’એપ મેનેજર’ માંથી પેલી શંકાસ્પદ એપ્લિકેશનને ડિલીટ કરી દો.
• જો એપ્લિકેશન ન મળે તો ડેટાનો બેકઅપ લઈને ફોન ફોર્મેટ કરી નાખવો જોઈએ (પણ એપ્લિકેશન ડેટાનો બેકઅપ ન લેવો).
• ગૂગલ પર WhatsApp Grievance Formસર્ચ કરીને ફોર્મ ભરો, જેથી ૧૨ કલાકમાં તમારું એકાઉન્ટ રિકવર થઈ શકે.
• એકાઉન્ટ પાછું મળે એટલે તરત જ સેટિંગમાં જઈને Two Step Verification ચાલુ કરી દેવું જોઈએ.

