૪,૦૦૦ ફૂટની ઊંડાઈએ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
ક્વેટા પાસે આવેલી સુરાંજ વિસ્તારની એક કોલસાની ખાણમાં ભીષણ વિસ્ફોટ થતાં ખાણનો મોટો ભાગ ધસી પડ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બલૂચિસ્તાન, તા.૩૧ જુલાઈ ૨૦૨૬ — પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ક્વેટા પાસે આવેલી સુરાંજ વિસ્તારની એક કોલસાની ખાણમાં ભીષણ વિસ્ફોટ થતાં ખાણનો મોટો ભાગ ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૩૨ શ્રમિકોના મોત થયા છે, જ્યારે અનેક શ્રમિકો હજુ પણ જમીનની નીચે મલબામાં ફસાયેલા અને લાપતા છે.બલૂચિસ્તાનના ખાણ અને ખનીજ વિકાસ મંત્રી શોએબ નોશેરવાણીએ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર વિસ્ફોટમાં જીવ ગુમાવનારા દરેક મજૂરના પરિવારને ૫ લાખ પાકિસ્તાની રૂપિયા નું વળતર આપશે. આ ઉપરાંત અધિકારીઓ ઘટનાના કારણોની સંપૂર્ણ તપાસ કરશે અને ખાણ સુરક્ષાના નિયમોની સમીક્ષા કરશે.ચીફ ઈન્સ્પેક્ટર ઓફ માઈન્સ મોહમ્મદ આતિફે જણાવ્યું કે બચાવ કામગીરી જમીનથી લગભગ ૪,૦૦૦ ફૂટ (૧,૨૧૯ મીટર) ની ઊંડાઈએ ચલાવવામાં આવી રહી છે. જમીનમાં વધુ ઊંડાઈ અને ઝેરી ગેસના ખતરાને કારણે રેસ્ક્યૂ ટીમોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.પાકિસ્તાન સેન્ટ્રલ માઈન્સ લેબર ફેડરેશન અને મજૂર યુનિયને આ ઘટના સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે સરકાર પાસે સુરક્ષા નિયમોનું સખત પાલન કરાવવાની અને ખાણ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનારી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

